Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુનિયાનું સર્વોત્તમ સુખ યોગમાં શું કરવાથી મળે?

દુનિયાનું સર્વોત્તમ સુખ યોગમાં શું કરવાથી મળે?

25 July, 2019 12:25 PM IST | મુંબઈ ડેસ્ક
રુચિતા શાહ - રોજેરોજ યોગ

દુનિયાનું સર્વોત્તમ સુખ યોગમાં શું કરવાથી મળે?

દુનિયાનું સર્વોત્તમ સુખ યોગમાં શું કરવાથી મળે?


રોજેરોજ યોગ

શું કરવું અને શું નહીં એની પ્રાથમિક જાણકારી શ્રી પાતંજલ યોગસૂત્રનાં પહેલાં બે અંગમાં વર્ણવવામાં આવી છે. આ ડૂઝ ઍન્ડ ડોન્ટ્સ એટલે જ નિયમ. શ્રી પતંજલિ ઋષિ માનસશાસ્ત્રના ઊંડા જાણકાર હોવા જોઈએ એટલે જ તેમણે હ્યુમન સાઇકોલૉજીને પકડી રાખીને સાધનાના તબક્કાઓ આપ્યા. તેમનું અંતિમ લક્ષ્ય સમાધિ દ્વારા કૈવલ્ય એટલે કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ પામવાનું હતું. જોકે આધ્યાત્મિક ન હોય એવા અને વ્યક્તિગત જીવનમાં આગળ વધવા માગતા લોકો પણ મહર્ષિ પતંજલિએ દર્શાવેલા માર્ગ મુજબ આગળ વધે તો ડેફિનેટલી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. ગયા ગુરુવારે આપણે પાંચ યમ વિશે વાતો કરી હતી. જો તમે ઉચિત પ્રમાણમાં પાંચ યમનું પાલન કરતા હો તો દુનિયામાં કોઈ માઈ કા લાલ પેદા નથી થયો જે તમારી મેન્ટલ હેલ્થને એક અંશ જેટલી પણ વિચલિત કરી શકે. જોકે આગળ વધીને મહર્ષિ પતંજલિ માને છે કે માત્ર મેન્ટલ હેલ્થથી કંઈ નહીં થાય, પણ ફિઝિકલ હેલ્થ પણ જોઈશે જ. શારીરિક સ્વસ્થતા અને બાહ્ય ફૅક્ટર તમને હેરાન ન કરી જાય એની માટે પણ સજ્જ થવું જોઈએ એટલે તેમણે પાંચ નિયમ આપ્યા. આ પાંચ નિયમ કયા અને એની શું ખૂબી એ વિશે દર્શનાચાર્ય અને યોગ વિશારદ સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક સાથે ચર્ચા કરીએ.



શૌચ
મહર્ષિ પતંજલિ જાણતા હતા કે જો આપણે શરીરની અંદર અને બહારની શુદ્ધિ ન રાખીએ, સફાઈ ન રાખીએ તો બુદ્ધિ પણ કામ ન કરે. લક્ષ્યસિદ્ધિ માટે બુદ્ધિ કુશાગ્ર હોવી જરૂરી છે. એટલે તેમણે નિયમો આપ્યા જેમાં સૌથી પહેલા નિયમમાં શૌચને મૂક્યું. શૌચ એટલે હાઇજીન જાળવવું, ઘરની સફાઈ રાખવી, તનની સફાઈ રાખવી. શુદ્ધિ ન હોય તો રોગ આવે જે શરીરની સાથે મનને પણ દુરસ્ત કરે. આચરણમાં શુદ્ધિ, વ્યવહારમાં શુદ્ધિ, વ્યાપારમાં શુદ્ધિ એમ તમામ પ્રકારની શુદ્ધિ એટલે શૌચ. શૌચનો નિયમ પાળનારી વ્યક્તિ ક્યાંયે આસક્ત નથી થતી.


સંતોષ
સંતોષ એટલે જે મળ્યું એનાથી ખુશ રહેવું. સંતોષની આપણે ત્યાં લોકોએ ખોટી વ્યાખ્યા કરી છે. સંતોષી વ્યક્તિ આળસુ નથી હોતી અને આળસના પરિણામે જે આવ્યું એટલું સારું માનીને બેસી નથી રહેતી બલકે સંતોષી વ્યક્તિ પોતાનું લક્ષ્ય બનાવે, લક્ષ્ય માટે પૂરતી મહેનત કરે અને પછી જે પરિણામ આવે એના માટે હકારાત્મક રહે. જે મળ્યું એ માટે ઈશ્વરનો ધન્યવાદ માને. પ૦ લાખના નફાને બદલે ત્રીસ લાખનો નફો થયો હોય તો હાય-હાય કરીને કારણ વગરનો શોર ન મચાવે, પરંતુ જે મળ્યું એનો આનંદ મનાવે. સંતોષ તમને હર હાલતમાં પૉઝિટિવિટી તરફ વાળેલા રાખે. દરેક સંજોગમાં સારું શું થયું એ વાત સ્વીકારીને એનો રાજીપો રાખે તો સંતોષનો નિયમ પાળ્યો ગણાય. નિષ્ક્રિયતા નથી, પરંતુ પરિણામ પર પોતાનો અધિકાર અને આગ્રહ પણ નથી એ સંતોષની નિશાની. મહર્ષિ પતંજલિ કહે છે કે આવો સંતોષી વ્યક્તિ હોય તેને જગતનું ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે.

તપ
તપ એટલે સાદી ભાષામાં પડકાર માટે જાતને તૈયાર કરવી. જીવનમાં અનેક ઑબ્સ્ટેકલ્સ એટલે કે તકલીફો આવતી રહેવાની. એ તકલીફો સામે વિચલિત થયા વિના પ્રયત્નપૂર્વક ટકી રહેવાની તમારી દૃઢતા એટલે તપ. સહન કરવાની શીખને મહર્ષિ પતંજલિએ નિયમમાં મૂક્યો. ભોજન આપણી સૌથી પ્રારંભિક નબળાઈ છે એટલે અમુક પ્રકારના ભોજનનો ત્યાગ, અમુક ટંક ભોજનનો ત્યાગ એ તપમાં ગણાવા લાગ્યા. ભયંકર ગરમીમાં તમે એસી વિના અડધો કલાક ઇચ્છાપૂર્વક બેસો તો એ પણ તપ છે. તપ એટલે તમારી ઇચ્છાઓને પડકારવી અને તમારામાં રહેલી સહનશક્તિને ઉજાગર કરવી. દરેક સંજોગમાં ‘કંઈ વાંધો નહીં’ આ ત્રણ શબ્દોને જો તમે સ્વીકારી લો તો તમારી સહનશક્તિ આપમેળે વધી જશે. મહર્ષિ પતંજલિ કહે છે કે તપનો નિયમ પાળનારી વ્યક્તિ પોતાની ઇન્દ્રિયને કાબૂમાં રાખી શકે છે અને બળવાન બને છે.


સ્વાધ્યાય
સ્વાધ્યાય એટલે જે સાચું જ્ઞાન છે, જે વાસ્તવિક મુક્તિ માટેનું જ્ઞાન છે એવા જ્ઞાનનું અધ્યયન કરવું. જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવે એવાં મોક્ષશાસ્ત્રોનું ગુરુ પાસે જઈને અધ્યયન કરવાથી ઈષ્ટદેવતા સાથે સંબંધ જોડાય છે જે સ્વાધ્યાયનું ફળ છે.

ઈશ્વરપ્રણિધાન
પાંચમા નંબરના નિયમમાં ઈશ્વરને સમર્પિત થઈ જવાની વાત પણ મહર્ષિ પતંજલિ કરે છે. પ્રણિધાન એટલે અબ તુમ્હારે હવાલે.. સમર્પિત થઈને પોતાની અંદર રહેલા ઈશ્વર તત્ત્વ તરફ ઝુકાવ વધારીને દરેક કાર્યમાં એ ઈશ્વરની મંજૂરી લઈને આગળ વધવું, સતત ઈશ્વરની પ્રેઝન્સને મહેસૂસ કરવી, પોતે જે પણ કરે છે એ ઈશ્વરનું કાર્ય છે અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત સંપત્તિથી થઈ રહ્યું છે એવો અહેસાસ રાખવો અને ક્ષણે-ક્ષણે ઈશ્વરનો આભાર માનવો એ અવસ્થા એટલે ઈશ્વર પ્રાણિધાન. આ અવસ્થામાં પહોંચેલી વ્યક્તિને સમાધિને પામે છે.

ચોમાસામાં આભ્યંતર પ્રાણાયામ કરવાના છે અનેક લાભ
શ્રી પાતંજલ યોગસૂત્રમાં ચાર પ્રકારના પ્રાણાયામની ચર્ચા કરવામાં આવી છે. બાહ્ય, આભ્યંતર, સ્થંભ અને બાહ્યાભ્યંતર વિષયાક્ષેપી પ્રાણાયામ. એમાંથી આભ્યંતર પ્રાણાયામ વિશે માહિતી આપતાં યોગવિશારદ સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક કહે છે, ‘ધીમેથી લાંબો અને ઊંડો શ્વાસ છાતીમાં ભરીને એને યથાશક્તિ ક્ષમતા મુજબ ફેફસામાં ભરી રાખવો અને પછી ધીમેથી શ્વાસ છોડવો. આ છે આભ્યંતર પ્રાણાયામ. યાદ રહે ગભરામણ જેવું લાગે તો ત્વરિત શ્વાસ છોડી દેવો. એક વાર આમ કર્યા પછી પાંચથી દસ વાર નૉર્મલ શ્વાસ લેવા અને ફરી એક વાર ઊંડો શ્વાસ લઈ થોડીક સેકન્ડ માટે રોકી રાખવો. આ રીતે ત્રણ રાઉન્ડ કરી શકાય. ચોમાસામાં પાંચથી છ વખત આ પ્રાણાયામ કરી શકાય. આ પ્રાણાયામ શરીરમાં ગરમાટો ઉત્પન્ન કરે છે એથી વધુ કરવાથી શરીરની ધાતુઓ બળી જવાથી શરીર રુક્ષ થાય છે એટલે વધુ વાર ન કરવું. પ્રાણાયામ કરતી વખતે સતત મનમાં ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અથવા ઓમકારનું સ્મરણ પણ સાથે-સાથે કરતા રહેવું. આ પ્રાણાયામથી મનમાં આવતા ફાલતુ વિચારો અટકી જશે. એકાગ્રતા વધે, યાદશક્તિ વધે. મગજ શાંત થાય. રોગોથી લડવાની શારીરિક તાકાત વધે.’

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 12:25 PM IST | મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ - રોજેરોજ યોગ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK