સ્ટ્રૉન્ગ દિલ માટે ચડો દાદરા

Published: 26th January, 2021 15:19 IST | Varsha Chitaliya | Mumbai

દોઢ મિનિટમાં ચાર માળ સુધી દાદરા ચડી શકે એવી વ્યક્તિનું હાર્ટ હેલ્ધી અને હૅપી હોય છે એવું સ્પૅનિશ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રિસર્ચ કહે છે કે સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ ઍક્ટિવિટી અને એની સ્પીડ તમારા હૃદયના સ્વાસ્થ્ય તરફ નિર્દેશ કરે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ફૅટ્સ બર્ન અને વેઇટલૉસની વાત આવે ત્યારે નિષ્ણાતો લિફ્ટનો ઉપયોગ બંધ કરી દાદરા ચડવાની સલાહ આપે છે. આ એક્સરસાઇઝ લોઅર બૉડીના મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવી હિપ્સ અને થાઇમાં જમા થયેલી ચરબીને બાળવાનું કામ કરે છે. દાદરા ચડ-ઊતર કરવાથી ઘણીબધી કૅલરી બર્ન થતી હોવાથી એને એક્સલન્ટ એક્સરસાઇઝ કહેવાય છે. આ કસરતના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે અનેક વૈજ્ઞાનિક સંશોધનો થયાં છે. દાદરા ચડવાની સ્પીડ કેટલી છે એ તમારા હાર્ટની હાલની હેલ્થનો માપદંડ છે એવું તાજેતરમાં થયેલા સ્પૅનિશ રિસર્ચમાં જણાવાયું છે.

ડિસેમ્બર, ૨૦૨૦માં થયેલી યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલૉજીની બેઠકમાં સ્પૅનિશ સંશોધનકર્તાઓએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ દોઢ મિનિટમાં ચાર માળ ચડી શકતા હો તો તમારું હાર્ટ હેલ્ધી અને હૅપી છે. રિસર્ચ ટીમના વૈજ્ઞાનિક જિઝસ પીટેરોનું કહેવું છે કે એવાં ઘણાં ચિહ્નો છે જે તમારા સ્વાસ્થ્યનો સંકેત આપે છે. માંસપેશીઓમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક લાગવો ખરાબ સ્વાસ્થ્ય સંબંધિત લક્ષણો છે એવી જ રીતે દાદરા ચડવાની ઝડપ તમારા હૃદયના સ્વાસ્થ્ય તરફ નિર્દેશ કરે છે. ઝડપથી દાદરા ચડી શકતી વ્યક્તિનો મેટાબોલિક ઇક્વિલન્ટ સારો હોવાનું તારણ નીકળ્યું હતું. આ રિસર્ચ સંદર્ભે નિષ્ણાત સાથે વાત કરીએ. ધારો કે આટલી ક્ષમતા ન હોય તો એ કેળવવા શું કરવું જોઈએ એની પણ ચર્ચા કરીશું.

કાર્ડિયોલૉજિસ્ટ શું કહે છે?

ક્લાઇમ્બિંગ સ્ટેરકેસ ઇઝ ધ બેસ્ટ ફૉર્મ ઑફ કાર્ડિયો વર્કઆઉટ. એનાથી હાર્ટને સો ટકા ફાયદો થાય છે. સાયન્ટિફિક રિસર્ચ ખોટો નથી, પરંતુ થોડા લોકો પર કરવામાં આવેલો અભ્યાસ માસ પબ્લિકને લાગુ પડતો નથી. વૈજ્ઞાનિક સંશોધનો તબીબોની જાણકારી માટે હોય છે. આમ જનતા રિસર્ચ વાંચીને મેન્ટલ પ્રેશરમાં આવી એને ફૉલો કરવા લાગે તો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય, કારણ કે દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા સરખી નથી હોતી એવો મત વ્યક્ત કરતાં ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નારાયણ ગડકર કહે છે, ‘દાદરા ચડવાથી ઓવરઑલ સ્ટ્રેંગ્થ વધે છે પણ જે વ્યક્તિ દાદરા ચડવાની એક્સરસાઇઝ નથી કરતી તેનું હૃદય નબળું હોય એ જરૂરી નથી. ક્લાઇમ્બિંગની સ્પીડ પ્રૅક્ટિસ અને સ્ટૅમિના પર આધાર રાખે છે. તમારી કૅપેસિટી પ્રમાણે હાંફ્યા વગર એકસરખી ગતિએ રોજ દાદરા ચડી શકતા હો તો તમારું હૃદય સ્વસ્થ જ છે.’

દુનિયામાં એવા લોકો છે જે વર્ષોથી દાદરા ચડ-ઊતર કરે છે. ઍન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી પણ ઘણા દરદીઓ આરામથી દાદરા ચડી શકે છે. રોજના કેટલા દાદરા ચડવાના છે એ દરેક વ્યક્તિએ પોતાના શરીરના વજન, ઉંમર, વર્કપ્રોફાઇલ અને સમય અનુસાર નક્કી કરવું જોઈએ. ડૉ. ગડકર કહે છે, ‘દાદરા ચડવાની એક્સરસાઇઝ કેળવવા મેન્ટલ પ્રેશર લઈ હાંફ ચડી જાય એ રીતે હૃદય પાસેથી કામ ન લેવું જોઈએ. વાસ્તવમાં ગઈ કાલે તમે જે ઝડપથી દાદરા ચડી શકતા હતા એના કરતાં વધુ ઝડપથી આજે દાદરા ચડી શકો એ તમારું બેસ્ટ વર્ઝન કહેવાય. બીજા-ત્રીજા માળે રહેતા હો અને લિફ્ટની જગ્યાએ દાદરા ચડો તો સ્વાસ્થ્ય સારું રહેશે. બીજું એ કે હાર્ટ માટે દાદરા ચડવાની એક્સરસાઇઝ કરવી જ જોઈએ એવું નથી. ચાલમાં રહેતી હોય અથવા પોતાનો બંગલો ધરાવતી વ્યક્તિને ડૉક્ટર એમ નથી કહેવાના કે જાઓ, સામેની ઇમારતના દાદરા ચડો. તેમના માટે બ્રિસ્ક વૉક, જૉગિંગ અને રનિંગ જેવી બીજી અનેક કાર્ડિયો એક્સરસાઇઝ છે.’ 

ફિટનેસ ટ્રેઇનર શું કહે છે?

ફિટનેસ માટે વૉકિંગ, જૉગિંગ, રનિંગની તુલનામાં દાદરા ચડવા ઉત્તમ કસરત છે. પગથિયાં ચડવાથી હાર્ટરેટ વધે છે અને બ્લડ-સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. કહેવાય છે કે રોજ સાત મિનિટ આ કસરત કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. ફિટનેસ ટ્રેઇનર કિંજલ ગડા કહે છે, ‘દાદરા ચડવાથી લોઅર બૉડીના મસલ્સ ટોન થાય છે અને બૉડી શેપમાં આવે છે. એનાથી તમારા ફેફસાં અને હૃદયની કામ કરવાની ક્ષમતા વધે છે. જે લોકોને પહેલેથી દાદરા ચડવાની ટેવ છે તેમની કાર્ડિયો એક્સરસાઇઝ થઈ જાય છે તેથી હાર્ટની હેલ્થ સારી જોવા મળે છે. જોકે અભ્યાસમાં જણાવેલા ટાઇમિંગ પ્રમાણે ક્લાઇમ્બ કરવું અઘરું છે. આપણે ત્યાં ટાઉન સાઇડ જૂની ઇમારતોમાં લાકડાના ઊંચા દાદરા છે અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં બે પગથિયાં વચ્ચે ગૅપ ઓછો હોય છે. બે માળ વચ્ચે થોડું ચાલવાનું છે કે પછી સળંગ ચડતાં જવાનું છે એ પણ જોવું પડે. કઈ ટાઇપના દાદરા ચડો છો એના પર ટાઇમિંગ આધાર રાખે છે. દોઢ મિનિટમાં ચાર માળ ચડવા એ હૃદયના સ્વાસ્થ્યનો માપદંડ નથી.’

દાદરા ચડવા કાર્ડિયોવૅસ્ક્યુલર એક્સરસાઇઝ હોવાથી બધાએ કરવી જોઈએ, પરંતુ નિષ્ણાતે કહ્યું કે સ્ટૉપ યુઝિંગ લિફ્ટ એટલે સમજ્યા વગર ધડાધડ દાદરા ચડવા મંડો એ યોગ્ય રીત નથી. કિંજલ કહે છે, ‘ઘણા લોકો પૂછે છે કે ટ્રેડમિલ પર તો કેટલાં બધાં સ્ટેપ્સ થઈ જાય છે તો દાદરા કેમ નથી ચડી શકાતા? ટ્રેડમિલ પર ચાલવું અને દાદરા ચડવામાં તફાવત છે. ઇક્પિમેન્ટ તમને પુશ કરે છે, જ્યારે અહીં જાતે શરીરને પુશ કરવું પડે છે. સ્ટેરકેસ ક્લાઇમ્બિંગની કસરત શરૂ કરતી વખતે તમારી હાલની હેલ્થની તપાસ કરાવી લેવી. આર્થ્રાઇટિસ, ઘૂંટણનો દુખાવો, બ્લડ-પ્રેશર, ઉંમર હોય તેઓ થોડા દાદરા ચડવાનો પ્રયાસ કરી શકે છે. નૉર્મલ વ્યક્તિએ બે માળથી શરૂઆત કરવી. બે માળ ચડતાં કેટલો સમય લાગ્યો એ નોંધી લો. અઠવાડિયા પછી ઝડપ વધેલી જોવા મળે તો વધુ એક માળ ચડો. આમ માળ વધારતાં જવું. દાદરા ચડતી વખતે સ્ટેપ પર પગ મૂકવાની ટેક્નિક છે. ઉપરનાં પગથિયાં પર ચડવા માટે પગ ઊંચો કરતી વખતે પાછળના પગ પરપ ભાર ન લાગવો જોઈએ. દાદરા પર આખો પગ મૂકવો અન્યથા ઘૂંટણ પર પ્રેશર આવે છે. પગને યોગ્ય રીતે મૂકવાથી બૅલૅન્સ જળવાઈ રહે છે. દાદરા ચડવા કરતાં ઊતરવા વધુ જોખમી છે. ફટાફટ ઊતરતી વખતે એક દાદરો ચૂકી જાઓ તો રોલ થઈને નીચે પડો. ઊતરવામાં ઇન્જરીની શક્યતા વધુ હોવાથી સ્પીડ વધારવાની આવશ્યકતા નથી. કાર્ડિયો એક્સરસાઇઝના હેતુથી દાદરા ચડવા હોય તો સાથે રનિંગ અને સ્કિપિંગ ઍડ કરવું જેથી વેરિએશન

મળે અને ફાયદો પણ થાય. યંગ એજ ગ્રુપ અત્યારથી જ લિફ્ટનો ઉપયોગ બંધ કરે એ તેમની ભવિષ્યની હેલ્થ માટે બેસ્ટ કહેવાય.’

સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ શરૂ કરતાં પહેલાં હાલની હેલ્થની તપાસ કરાવી લેવી. મિડલ એજની વ્યક્તિએ બે માળથી શરૂઆત કરવી અને કેટલો સમય લાગ્યો એ નોટ કરવું. અઠવાડિયા પછી બે માળમાં ઝડપ વધી હોય તો વધુ એક માળ ચડો. આમ માળ વધારતા જવું. ઉપરના પગથિયા પર ચડવા માટે પગ ઊંચો કરતી વખતે પાછળના પગ પર ભાર ન લાગવો જોઈએ. દાદરા પર આખો પગ મૂકવો અન્યથા ઘૂંટણ પર પ્રેશર આવે છે. પગને યોગ્ય રીતે મૂકવાથી બૅલૅન્સ જળવાઈ રહે છે. દાદરા ઊતરવામાં ઇન્જરીની શક્યતા વધુ હોવાથી સ્પીડ વધારવાની આવશ્યકતા નથી

- કિંજલ ગડા, ફિટનેસ એક્સપર્ટ

દાદરા ચડવાથી હાર્ટને સો ટકા ફાયદો થાય છે, પરંતુ મેન્ટલ પ્રેશરમાં આવી એમ જ દાદરા ચડવા લાગે તો ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા જુદી હોય છે. ગઈ કાલે તમે જે ઝડપથી દાદરા ચડી શકતા હતા એના કરતાં વધુ ઝડપથી આજે દાદરા ચડી શકો એ તમારું બેસ્ટ વર્ઝન કહેવાય. દાદરા ચડવાની સગવડ ન હોય એવા લોકો માટે બ્રિસ્ક વૉક, જૉગિંગ અને રનિંગ જેવી બીજી અનેક કાર્ડિયો એક્સરસાઇઝ છે

- ડૉ. નારાયણ ગડકર, કાર્ડિયોલૉજિસ્ટ

ઇન્ટરનૅશનલ ઇવેન્ટ્સ

સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ છે. વિશ્વના અનેક દેશોની ઊંચી ઇમારતોમાં વર્ષે ૧૦૦થી વધુ સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ ઇવેન્ટ્સનું આયોજન થાય છે જેમાં એક હજારથી વધુ દાદરા ચડવાના હોય છે. સ્વિટ્ઝરલૅન્ડ જેવા કેટલાક દેશોમાં આઉટડોર સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ ઇવેન્ટ્સ પણ થાય છે. અહીંના પર્વતીય રેલવે વિસ્તારમાં યોજાતી નિસેન ટ્રેપન લોફ ઇવેન્ટ દુનિયાભરના સ્ટેર ક્લાઇમ્બર્સમાં પૉપ્યુલર છે. ૧૧,૬૭૪ વર્ટિકલ એલિવેશન (સીધા ચઢાણના દાદરા) ધરાવતો આ વિશ્વનો સૌથી લાંબો સ્ટેરકેસ છે. દર વર્ષે આશરે પાંચસો જેટલા સ્પર્ધકો એમાં ભાગ લઈ લાખો રૂપિયાનું ઇનામ જીતે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK