(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : હું કચ્છના એક નાનકડા ગામથી મુંબઈ નોકરી માટે આવ્યો હતો. છ વરસ થયાં ને હવે તો કાપડની દુકાનમાં સેટલ થઈ ગયો છું. હું જ્યાં કામ કરતો હતો ત્યાં એક છોકરી વારંવાર ખરીદી કરવા આવતી હતી. એ છોકરી હું જ્યાં પેઇંગ-ગેસ્ટ તરીકે રહેતો હતો એ વિસ્તારમાં જ રહેતી હતી એટલે ક્યારેક દુકાનની બહાર પણ અમારી મુલાકાત થઈ જતી. ધીમે-ધીમે કરતાં અમારી ઓળખાણ વધી અને વાતચીત શરૂ થઈ. ક્યારેક બસસ્ટૅન્ડ પર તો ક્યારેક સોસાયટીના નાકે તેને મળવા જતો ને જાણે અનાયાસે જ મળી જવાયું છે એમ તેની સામે નાટક કરતો. જોકે દરેક વખતે તે મને જોઈને એકદમ ઉમળકાથી જ વાત કરતી હતી. લગભગ છ મહિના સુધી આમ ચાલ્યું. હું જ્યોતિષમાં ખૂબ માનું છું. મારા જ્યોતિષીએ કહેલું કે તું જો શુક્રવારના દિવસે સવારે લાલ ગુલાબ લઈને મળવા જાય ને એ વખતે તે છોકરીએ પણ લાલ કપડાં પહેર્યા હોય તો તારે પ્રપોઝ કરી દેવું. એમ કરીશ તો પેલી છોકરી તરત જ સ્વીકારી લેશે. જે શુક્રવારે ચોથી, આઠમી અને તેરમી તારીખ હોય ત્યારે આ પ્રયોગ ન કરવો. જોકે હું રહ્યો અધીરો. આ સલાહ મળી એના બીજા જ શુક્રવારે હું નીકળી પડ્યો. હું ભૂલી ગયો કે એ દિવસે આઠમી તારીખ હતી. વળી તેણે ગુલાબી કપડાં પહેરેલાં એટલે મેં ખૂબ કાબૂ રાખ્યો છતાં ન રહ્યો ને મેં તેને પ્રપોઝ કરી જ દીધું. તેણે વાત હસી કાઢી. મેં વધુ આગ્રહ કરતાં તેણે કહી દીધું કે તે મને માત્ર ફ્રેન્ડ જ માને છે. ત્યારથી તેણે મને મળવાનું કે મારા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. આ વાતને પંદર દિવસ થઈ ગયા. મેં બીજા જ્યોતિષીને પૂછ્યું તો તેણે કહ્યું કે મારાં લગ્નનો યોગ હજી એક-બે વરસ પછી છે. મારી જ ઉતાવળને કારણે આજે હું માઠું પરિણામ ભોગવી રહ્યો છું. હવે આ માઠી અસરને રિવર્સ કરી શકે એ માટે શું કરવું?
- ડોમ્બિવલી
જવાબ : શું તમને એવું લાગે છે કે જો તમે આઠમી તારીખને બદલે બીજી કોઈ તારીખનું સારું મુરત જોયું હોત ને તેણે લાલ કપડાં પહેર્યા હોત તો તે તમારી વાત માની ગઈ હોત? એવું માનવું એ એક આશ્વાસન જ છે. ખરેખર મુરત કે તિથિ-વાર પસંદ કરવાથી કે અમુક-તમુક કલરનાં કપડાંથી આપણે જે ચાહીએ છીએ એ આપણને મળી જતું નથી.
આપણે જે મેળવવું હોય એ માટે મહેનત કરવી પડે છે. તે છોકરીએ તમારા દિલની વાત જાણ્યા પછી તમારી સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું છે એનું કારણ બીજું કંઈ પણ હશે પણ એ આઠમી તારીખ હતી એ તો ન જ હોઈ શકે. મૂળે તમે હજી તેના દિલમાં જગ્યા નથી બનાવી શક્યા એ હકીકત છે. જો તેને પણ તમારા પ્રત્યે પ્રેમની લાગણી હોત તો તમે કાળી ચૌદસના દિવસે પણ પ્રપોઝ કરો તોય તેના તરફથી પૉઝિટિવ જવાબ જ હોત. વાત મુરતની નહીં, લાગણીની અને બે દિલો વચ્ચેના જોડાણની છે. હજીયે તમે તમારા સંબંધોમાં શું ખૂટતું હતું એ તપાસવાને બદલે ખોટાં કારણોની પાછળ રડો છો એવું મને લાગે છે. આપણે હંમેશાં આપણી નિષ્ફળતાઓનો ભાર જ્યોતિષ અને ભાગ્યના ફાળે આપી દેતા હોઈએ છીએ. એને બદલે તમારા સંબંધો વિશે સભાનતાપૂર્વક વિચારો. ધારો કે એક સંબંધ શક્ય ન બન્યો તો એ શા માટે શક્ય ન બન્યો એ સમજો. એ સમજણ તમને અન્ય સંબંધોમાં કામ લાગશે.
ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકું?ક્યારે અને કેવી રીતે લેવાય?
24th February, 2021 11:52 ISTશું વિદેશી વાયેગ્રાની કોઇ આડઅસર થાય? લાંબાગાળે મુશ્કેલી આવી શકે?
23rd February, 2021 13:30 ISTવીકમાં ત્રણ-ચાર વાર મૅસ્ટરબેટ કરવાથી જલદીથી ચરમસીમા આવી જાય એવું બને?
22nd February, 2021 14:14 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
21st February, 2021 07:45 IST