બ્રેક-અપ થઈ ગયા બાદ ગર્લફ્રેન્ડને પાછી લાવવા શું કરવું?

Published: 9th November, 2012 05:34 IST

હું ૨૦ વર્ષનો છું. છ મહિના પહેલાં જ એક ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું છે. તેની સાથે મારાં બે વરસથી વધુ સમયથી સંબંધો હતા.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ :
હું ૨૦ વર્ષનો છું. છ મહિના પહેલાં જ એક ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ થયું છે. તેની સાથે મારાં બે વરસથી વધુ સમયથી સંબંધો હતા. અમે લડતા-ઝઘડતા તો ઘણી વાર હતા, પણ એક વાર ખૂબ જ નાની બાબતે અમારી વચ્ચે મોટી તકરાર થઈ ને ખબર નહીં મને શું થયેલું કે મેં બ્રેક-અપ કરી દીધું અને તેને મળવું ન પડે એ માટે વેકેશન દરમ્યાન મુંબઈની બહાર જતો રહ્યો. એક મહિના પછી હું પાછો આવ્યો ત્યારે પણ મારો ગુસ્સો શાંત નહોતો થયો. જોકે એ પછી જેમ-જેમ દિવસો જતા ગયા મને લાગ્યું કે મેં ખોટું રીઍક્શન આપ્યું છે. અમે બધા કૉમન ફ્રેન્ડ્સના ગ્રુપમાં છીએ એટલે હજીય અવારનવાર એકબીજાનો ભેટો થઈ જાય છે. અમે કૉલેજમાં કૉમન ફ્રેન્ડ્સની સાથે મળીએ છીએ, પણ હવે પહેલાં જેવું નથી રહ્યું. તે મારા જ ગ્રુપના એકબીજા છોકરા સાથે સેટ થઈ ગઈ છે એ જોઈને હું હર્ટ થાઉં છું. હવે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. હું તેને ભૂલી નથી શકતો અને તેને મારા જ ફ્રેન્ડ સાથે ફરતી જોઈને ખૂબ જ જલન થાય છે. હું શું કરું એ સમજાતું નથી. મેં એક વાર તેની સાથે ફરીથી એકાંતમાં થોડીક વાત કરવાની કોશિશ કરી, પણ તે વાત ઉડાડીને જતી રહી. મને ખબર છે કે ગુસ્સામાં હું ઘણુંબધું બોલી ગયેલો જેને કારણે હવે તે મારી સાથે વાત કરવા તૈયાર નથી. કોઈ એવો રસ્તો બતાવો જેથી તે ફરી મારી પાસે આવી જાય. હવે જ્યારે તે મારી સાથે નથી ત્યારે જ મને તેની સાચી કિંમત સમજાઈ રહી છે.

- ગોરેગામ

જવાબ : ગુજરાતીમાં ત્યાં કહેવત છે કે ધનુષ્ય પરથી છૂટેલું બાણ અને મોંમાંથી છૂટેલાં કડવાં વેણ કદી પાછાં નથી આવતાં. તમે તો ગુસ્સામાં આવીને તેનું હૃદય તો તોડ્યું પણ સાથે સંંબંધને બીજો મોકો ન મળે એ માટે પાછા દૂર ચાલી ગયા. જો બીજા દિવસે સવારે ઊઠીને તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો હોત અને તમે તેની માફી માગી લીધી હોત તો બાજી હાથથી ન જાત. હવે જ્યારે તે તમારા જ બેસ્ટ ફ્રેન્ડ સાથે જોડાઈ ગઈ છે ત્યારે હવે પસ્તાઈને ફાયદો નથી. તમારી ભૂલને કારણે તે તમારાથી છૂટી પડી છે અને હવે જ્યારે તે બીજે સંકળાઈ ચૂકી છે ત્યારે એ સંબંધને તોડવામાં નિમિત્ત ન બનવું જોઈએ.

તમે એક જ ગ્રુપમાં છો એને કારણે કદાચ પોતાની ગર્લફ્રેન્ડને બીજા સાથે જોઈને તકલીફ થતી હશે. જોકે એનો હવે કોઈ ઉપાય નથી. તમે જો ખરેખર તેને પ્રેમ કરતા હો અને તેની ખુશી ચાહતા હો તો તેને તેની ખુશીઓ મળે એવી ભાવના કેળવો એ જરૂરી છે. હવે બને તો તમારા ગુસ્સા પર કાબૂ કેળવતાં શીખજો. તમે હજીયે એક કામ કરી શકો છો. તમારી વચ્ચે જે ઝઘડો થયેલો એમાં તમને તમારી ભૂલ સમજાઈ છે એનો એકરાર જરૂર તેની પાસે કરી શકો છો. કદાચ એમ કરવાથી તમારા દિલને થોડુંક સારું લાગશે. ભૂલ સ્વીકારવાથી તે તમારી પાસે પાછી આવી જશે એવી આશા ન રાખતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK