(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : મારી ઉંમર ૪૧ વરસની છે ને લગ્નને અઢાર વરસ થઈ ચૂક્યાં છે. પ્રેમલગ્ન કરેલાં, પણ હવે જીવનમાં કે સંબંધોમાં ક્યાંય પ્રેમનું નામોનિશાન નથી રહ્યું. મેં પૈસેટકે બધી જ સુવિધાઓ મારા પરિવારને પૂરી પાડી છે, પણ મારી પત્નીને તો હવે જાણે મારી ચિંતા જ નથી. હું માંદો પડું તો તે સેવા કરે, પણ સાથે બોલે કે જો તમને કંઈ થઈ ગયું તો ઘર કોણ ચલાવશે? તેના પિયરિયાં મારા ઘરે પડ્યાંપાથર્યા જ હોય છે. મારી આખી જુવાની મેં કડી મહેનત કરીને ઘર સેટલ કરવામાં ગાળી છે. ગાડી, સારું ઘર અને વૅકેશનમાં ફરવા જવાનું બધું જ સુખ પરિવારને આપ્યું છે. એક દીકરો અને એક દીકરી છે, તેમને પણ માનો જ પ્રેમ જોઈએ છે. પપ્પા તો જાણે પૈસા છાપવાનું મશીન. પૈસાની જરૂર હોય ત્યારે આગળપાછળ ફરે ને પછી કામ નીકળી ગયું એટલે અગૅઇન મમ્મીના પાલવમાં પહોંચી જાય. સૌથી ખરાબ તો ત્યારે લાગે કે જ્યારે તેનાં પિયરિયાં આવે ત્યારે તો મને સાવ જ હાંસિયામાં ધકેલી દે. જાણે મારા જ ઘરમાં હું છું જ નહીં. પહેલાં જેવો પ્રેમ સંબંધોમાં રહ્યો જ નથી. ઇનફૅક્ટ, મને તો હવે સંબંધોમાંથી જ વિશ્વાસ ઊઠી ગયો છે. વષોર્ની મહેનત કરીને હવે બધું ઠીકઠાક થયું છે, પણ કદી ઘરમાં બેસીને પરિવાર સાથે સમીસાંજ માણી હોવાનું યાદ નથી. શું આ ઉંમરે છૂટાછેડા લેવાય?
- દહિસર
જવાબ : લગ્ન પહેલાં જે લાગણીઓ હોય એવી અને એટલી જ ઇન્ટેન્સ લાગણીઓ લગ્ન પછી પણ ટકાવી રાખવી એ એક કળા છે. સામાન્ય રીતે પતિદેવ ઘરને પૈસેટકે સમૃદ્ધ કરવા માટે કમાવામાં એવા લાગી પડે છે કે જાણે પરિવારની સાથે સમય વિતાવવાનું ભૂલી જાય છે. બાળકની પહેલી પાપા પગલી, સ્કૂલનો પહેલો દિવસ, પહેલો ઍન્યુઅલ ડે, સ્કૂલ ઍક્ટિવિટીઝ, બાળકના કુતૂહલને સંતોષવાની પ્રવૃત્તિઓથી એ વંચિત રહી જાય છે. એ વખતે તેને આનો વસવસો નથી હોતો, કેમ કે તેને તો લાગે છે કે પોતે પોતાનાં સંતાનો અને પરિવાર માટે આ બધું કરી રહ્યો છે. કમનસીબે જે વખતે પરિવારને કદાચ પૈસા કરતાં પપ્પાના પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, એ વખતે પપ્પા પૈસા કમાઈને વધુ ને વધુ સવલતો કમાવી આપવામાં વ્યસ્ત હોય છે. એટલે પરિવાર પણ પોતાની ખુશીઓ બીજે રસ્તે મેળવવા લાગે છે. પપ્પા નહીં તો મામા, મામા નહીં તો દાદા-કાકા કોઈ પણ તેમને ચાલી જાય. જોકે જ્યારે પપ્પા કમાવામાંથી થોડીક ફુરસદ મેળવે ત્યારે તેને આઘાત લાગે કે હાઇલા! મારો પરિવાર તો મારા વિના એકદમ ખુશ છે. તેમને મારા સાથની કોઈ પડી નથી. આવી ફીલિંગ તમને અત્યારે થઈ રહી છે ને એ ખૂબ માનવસહજ છે. તમારે સમજવાની જરૂર છે કે એ સંતાનો અને પત્ની તેમની ખુશીઓમાં તમને સામેલ નથી કરતા એ વાતે અકળાવાને બદલે તમે જ કેમ તેમની ખુશીઓમાં સામેલ નથી થતા? પોતાના જ પરિવારમાં કોઈએ કોઈને આગ્રહ થોડો કરવાનો હોય? સંતાનો કદાચ હવે મોટાં થઈ ગયાં હશે એટલે તેમની સાથે માત્ર એટીએમ મશીન બની રહેવાને બદલે મિત્ર પણ બનો. મેં તમને બધાને આ સુખસગવડો આપી છે એવો ભાર રાખીને ફરવાને બદલે તેમની સાથે હળવા થઈને મોજમસ્તી કરો. છૂટાછેડા લેવાનો વિચાર છૂ થઈ જશે.
મારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 ISTછેલ્લા ઘણા વખતથી મને સમાગમમાં ઉત્તેજના નથી આવતી. શું કરું?
13th January, 2021 12:29 IST