મને અને મારા બેસ્ટ ફ્રેન્ડને એકજ છોકરી પસંદ છે, શું કરું?

Published: 6th November, 2012 07:56 IST

મારી ઉંમર બાવીસ વર્ષ છે. હું છેલ્લાં ચાર વર્ષથી જે છોકરીને પ્રેમ કરું છું તેને જ મારો બેસ્ટ ફ્રેન્ડ પણ ખૂબ પ્રેમ કરે છે.

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર બાવીસ વર્ષ છે. હું છેલ્લાં ચાર વર્ષથી જે છોકરીને પ્રેમ કરું છું તેને જ મારો બેસ્ટ ફ્રેન્ડ પણ ખૂબ પ્રેમ કરે છે. તકલીફ એ છે કે અમે બધા એક જ ગ્રુપમાં હરીએ-ફરીએ છીએ. થોડાક વખત પહેલાં મેં તેને અચાનક જ પ્રપોઝ કરી નાખ્યું હતું ત્યારે તે પહેલાં તો થોડીક મૂંઝાઈ ગયેલી ને પછી કહેલું કે અત્યારે તો ફ્રેન્ડ્સ જ રહીએ, ભણવાનું પૂરું કરીને પછી વિચારીશું. એ પછીયે અમારા સંબંધો હતા એવા ને એવા જ રહ્યા. થોડા દિવસ પહેલાં અમે બધા સાથે પિકનિક પર ગયેલાં ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડે મને તેની લવલાઇફ વિશે વાત કરી. તેને પણ આ જ છોકરી ગમે છે. મને એવું પણ સમજાયું કે પેલી છોકરી પણ મારા ફ્રેન્ડ સાથે જરા વધારે જ પ્રેમથી અને અંગતતાથી વાત કરે છે. અફકૉર્સ, તેમની વચ્ચે કોઈએ હજી પ્રપોઝ કર્યું હોય કે એક્સેપ્ટ કયું હોય એવું કંઈ જ નહોતું થયું. જોકે એ છતાં મેં મનોમન નક્કી કરી લીધું કે મારે આ સંબંધમાંથી નીકળી જવું જોઈએ, ભલે મને ગમતી છોકરી મારા બેસ્ટ ફ્રેન્ડની થાય.

વાત ત્યારે ગૂંચવાઈ, જ્યારે મને જે છોકરી ગમે છે તેની બેસ્ટ ફ્રેન્ડે મારા પ્રેમની વાત મારા બેસ્ટ ફ્રેન્ડને કહી દીધી. તેણે પણ પોતાને ગમતી છોકરી મારા માટે છોડવાનું વિચારી લીધું. અમે બન્નેએ તેની સાથે વાતચીત કરવાનું અને હળવામળવાનું બંધ કરી દીધું. એટલે તેણે મને સામેથી બોલાવ્યો. મેં તેને સાચેસાચું કહી દીધું કે તેના અને મારા પેલા ફ્રેન્ડ સાથેની વાતચીત આગળ વધે એ પર્પઝથી હું નીકળી ગયો છું. આ વાત સાંભળીને તે ખૂબ જ ગિન્નાઈ અને તેણે અમને બન્નેને બોલાવીને સંબંધો તોડી નાખ્યા.

સમજાતું નથી કે અમે એકમેક માટે સારું કર્યું, પણ થયું કંઈક ઊલટું જ.

- સાંતાક્રુઝ

જવાબ :
તમારી ફ્રેન્ડનો ગુસ્સો એકદમ વાજબી છે. ઘણી વાર સારો ઇરાદો પણ લોકોને હર્ટ કરી જતો હોય છે. તમે એવું નક્કી કરી લીધું કે તમારી ફ્રેન્ડે પેલા યુવક સાથે રહેવું જોઈએ અને પેલા યુવકે એવું નક્કી કરી લીધું કે તેની પ્રેમિકાએ તેના નવા દોસ્ત સાથે જિંદગી વિતાવવી જોઈએ. તમે બે મિત્રોએ એકબીજાની લાગણીને માન આપ્યું, તમારા બન્નેમાંથી કોઈએ એ વિચાર્યું કે તમારી દોસ્તની ઇચ્છા શું છે ને તે શું ઇચ્છે છે?

તમે જ્યારે તેને છોડવાનું નક્કી કર્યું હશે એ ખરેખર કપરી પળ હશે. એમ કરતાં તમારા દિલ પર શું વીતી હશે એ હું સમજું છું, પરંતુ અહીં તમારે જે વ્યક્તિ મૂંઝવણમાં છે તેને સમજવાની જરૂર છેને? હું માનું છું કે આવા સમયે તમારે માત્ર ચૂપ રહીને પેલી છોકરી તમારા બેમાંથી જે પણ વ્યક્તિને પસંદ કરે એને સ્વીકારી લેવું જોઈએ. તેણે કોની સાથે પ્રેમ કરવો કે લગ્ન કરવાં એ તમે કે પેલો યુવક કેવી રીતે નક્કી કરી શકો? હવે થોડોક સમય જવા દો. તેની દુભાયેલી લાગણી શાંત થવા દો. હળવું કમ્યુનિકેશન ચાલુ થશે પછી ત્રણે જણ મળીને એનો નિવેડો લાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK