જેઠાણી અને નણંદ મારૂ સતત અપમાન કરતી રહે છે, શું કરું?

Published: 31st October, 2012 05:55 IST

મારાં લગ્નને જસ્ટ સાત મહિના થયા છે. બે જેઠાણીઓ છે અને એક નણંદ. બધાં જ જાણે નવી આવેલી વહુ પર જોહુકમી કરવા ટાંપીને જ બેઠાં હોય એવાં.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને જસ્ટ સાત મહિના થયા છે. બે જેઠાણીઓ છે અને એક નણંદ. બધાં જ જાણે નવી આવેલી વહુ પર જોહુકમી કરવા ટાંપીને જ બેઠાં હોય એવાં. નવા ઘરના રીતરિવાજોની મને સમજ ન હોય અને હું કંઈક અવળું કરી નાખું તો એની વાત છેક મારાં પિયરિયાંને જ નહીં, ઘરની આજુબાજુમાં રહેતા આડોશીપડોશી સુધ્ધાંને ખબર પડી જાય. આમ બધું સારું હોય, પણ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે મને સંભળાવે કે પેલા દિવસે કરેલી એવી ગરબડ ન કરતી. મારાં સાસુ-સસરા સ્વભાવે શાંત છે. તેમની હાજરીમાં ઘરની બીજી સ્ત્રીઓ ખાસ ગરબડ કરી શકતી નથી. એ તો ઊલટાનું મને આવીને કહે કે તારે આ બધાનું મન પર ન લેવું. હું અત્યાર સુધી તો સૌની આમન્યા જાળવું છું, પણ હવે સમજાતું નથી કે તેમને સબક કઈ રીતે શીખવવો. જો સામો જવાબ આપીશ તો સાસુ-સસરાને નહીં ગમે અને જવાબ નહીં આપું તો આ લોકો મારા માથે ચડી બેસશે. કરવું તો શું કરવું?

- ભાઈંદર

જવાબ :
તમને ખૂબ સમજુ સાસરું મળ્યું છે, કેમ કે ઍટલીસ્ટ તેમને તો સાચું-ખોટું અને સારું-ખરાબની ખૂબ ઝીણવટભરી પરખ છે. કદાચ પ્રૅક્ટિકલ નહીં લાગે છતાં મારે કહેવું છે કે જ્યારે પણ એવો સવાલ મનમાં ઊઠે કે તમારે જેઠાણી કે નણંદ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ત્યારે હંમેશાં સિકંદર અને પોરસની વાત યાદ કરવી. કોઈ પણ સંજોગોમાં આપણે હંમેશાં એવું જ વર્તન કરવું જેવું વર્તન કોઈ આપણી સાથે કરે તો આપણને ગમે. આપણે બીજા સાથે એવું વર્તન કદીયે ન કરવું, જે આપણી સાથે થાય તો આપણને પીડા થાય. એવું વર્તન કરીએ, જેમાં પોતાની અને સામેવાળા બન્નેની ડિગ્નિટી જળવાઈ રહે.

તમે તેની વિરુદ્ધ કંઈક સમાજમાં વાતો ફેલાવશો એનાથી શું થશે? એટલું યાદ રાખવું કે જે માણસ ખરાબ બોલે છે તે જ ભૂંડો લાગે છે, જેના વિશે ખરાબ બોલાઈ રહ્યું છે એ નહીં. ઈંટનો જવાબ પથ્થરથી આપવાથી વાત વણસે છે, સુધરતી નથી. તમારી સાથે ખરાબ વર્તન કરનારને ઝાટકી નાખવાથી તમારા અહમ્ને સંતોષ મળશે, પરંતુ એનાથી પરિસ્થિતિ સુધરશે નહીં. જોકે એનો મતલબ એ નથી કે એ તમારી જિંદગીને પીંખી નાખે અને તમે મોઢું વકાસીને જોતાં રહો. જો કોઈ તમને ફસાવવા માટે કંઈક કરે તો જાતને એમાંથી બચાવી લેવાની સાવધાની અને સ્માર્ટનેસ રાખવી જરૂરી છે.

બીજું, જ્યારે પણ કોઈ આપણા વિશે ખરાબ બોલે ત્યારે પોતાની જાતને પ્રામાણિકતાથી ચકાસી લેવી કે ખરેખર તમે પેલી વ્યક્તિ જે કહી રહી છે એવી ખરાબી ધરાવો છો ખરાં? જો તમને તમારું દિલ સાફ દેખાય તો પછી ડરવાની જરૂર નથી અને જો કંઈક ખોટ લાગે તો એની સામે આંખ આડા કાન કરવા નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK