પાડોશી સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ મારી સાથે વાત નથી કરતા, શું કરું?

Published: 29th October, 2012 06:31 IST

હું ૩૯ વર્ષની પરિણીત સ્ત્રી અને એક દીકરાની મા છું. ખૂબ નાની ઉંમરે મારાં અરેન્જ્ડ મૅરેજ થઈ ગયેલાં.


(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૩૯ વર્ષની પરિણીત સ્ત્રી અને એક દીકરાની મા છું. ખૂબ નાની ઉંમરે મારાં અરેન્જ્ડ મૅરેજ થઈ ગયેલાં. એ વખતે મારા પતિને હું ગમતી નહોતી એટલે તેઓ મને ભાગ્યે જ પ્રેમ કરતા. સમય જતાં તેમણે મને સ્વીકારી લીધી, પણ આ સમયગાળા દરમ્યાન મને મારા જ બિલ્ડિંગમાં રહેતા બીજા એક પુરુષ સાથે મન મળી ગયું. શરૂઆતમાં તો તે મારા અને દીકરા માટે ગિફ્ટ લાવતા, પણ ધીમે-ધીમે કરતાં અમે ફિઝિકલ રિલેશનમાં પણ સરી પડ્યાં. મારા હસબન્ડને વારંવાર બહારગામ જવાનું થાય છે એટલે મારા જ ઘરમાં મળવાનું સહેલું થઈ જતું. આ વાતને સાત વરસ થશે. મારા હસબન્ડ મને પ્રેમ કરે છે, પણ ખબર નહીં, આ પડોશી જેટલા પૅશનથી મને સંતોષ આપે છે એવું મારા હસબન્ડનું નથી. છેલ્લા થોડાક વખતથી મારા પતિને પાડોશી સાથેના સંબંધો વિશે શંકા રહેતી હતી, પણ હું કંઈ સ્પષ્ટ કહેતી નહોતી. એક વાર તો પતિએ બપોરે અચાનક ઘરે આવી જઈને અમને રંગેહાથ પકડેલાં. અલબત્ત, એ વખતે પણ સમયસૂચકતા વાપરીને અમે દીકરાના હોમવર્ક માટે તેઓ ઘરે આવ્યા છે એવું કહી દીધેલું. એ પછીથી મારા પતિ મારી સાથે વાત પણ નથી કરતા. હું કંઈ પૂછું કે વાત કરું તો પહેલાં મારી પાસે જવાબ માગે છે. આ વાતને બે મહિના થઈ જશે. જો હું સાચી વાત કબૂલી લઈશ તો તેઓ મને છૂટાછેડા આપી દેશે એવું મને લાગે છે. આ ઉંમરે છૂટાં થઈએ તો દીકરાના ભવિષ્યનું શું? જ્યાં સુધી જવાબ નહીં આપું ત્યાં સુધી તેમના સવાલોનો સામનો કઈ રીતે કરવો એ સમજાતું નથી. સાચું બોલવું કે ખોટું? સાચું બોલું એ છતાં તેઓ સંબંધ ચાલુ રાખે એ માટે શું કરી શકાય? આમેય હું તેમને ગમતી નહોતી ને હવે તો તેમને બહાનું મળી જશે એટલે કોઈ હિસાબે સંબંધ નહીં જ રાખે. હવે શું કરવું એ તમે જ સૂચવો.

- બોરીવલી


જવાબ : આપણા ખોટા આચરણને છાવરવા માટે બોલેલું જુઠ્ઠાણું બહુ લાંબો સમય નથી ચાલતું. તમે હજીયે તમારા વર્તનને સાચું ઠેરવવાની કોશિશ કરી રહ્યાં છો એવું લાગે છે. જ્યારે ખોટું કરવું હોય અને છતાં લોકો તમારા એ જુઠ્ઠાણાને ચલાવી લે એવી ઇચ્છા હોય ત્યારે સામેવાળાના જ વાંકગુના દેખાય છે. અને એટલે જ હજી તમે બીજો કોઈ સહેલો રસ્તો શોધી રહ્યાં છો. જોકે એક વાત સમજી લો કે ચેનથી જીવવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં સાચું બોલવાનો કોઈ વિકલ્પ નથી હોતો.

તમે કહો છો કે તમારા પતિએ તમને અને પાડોશીને રંગેહાથ પકડ્યાં છે. એ પછી પણ તમે કબૂલાત નથી કરી. શું તમે હજી માનો છો કે શાબ્દિક કબૂલાત ન કરવાને કારણે તમારા પતિએ તમને છૂટાછેડા નથી આપ્યા? તમારા પતિ શું રીઍક્ટ કરશે એ વિચારવા કરતાં તમને શામાં વધારે સ્વસ્થતા લાગે છે એ વિચારો. પતિને સચ્ચાઈ કહેવી કે ન કહેવી એ વિશે વિચારવા કરતાં જે પરિસ્થિતિ છે એ કેટલી સાચી છે એ વિશે વિચારો. તમારી જાતને અરીસામાં જુઓ અને આંખમાં આંખ પરોવીને તમારી જાતને પૂછો કે આ પરિસ્થિતિમાં શું કરવું. આપણી આંખો કદી ખોટું નથી બોલતી એટલે અંતરાત્માના અવાજને સાંભળવા માટે અરીસાની જરૂર હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK