બે યુવતીઓને મારા માટે ફીલિંગ્સ છે, પણ મારે કોની અને કેવી રીતે પસંદગી કરવી?

Published: 26th October, 2012 06:09 IST

મારી ઉંમર ૨૫ વર્ષ છે. કૉલેજના લાસ્ટ યરમાં ભણતો હતો ત્યારે મારા જ ગ્રુપની એક છોકરી સાથે મન મળી ગયું. જોકે એ વખતે તેનો રિસ્પૉન્સ સાવ ઠંડો હતો.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષ છે. કૉલેજના લાસ્ટ યરમાં ભણતો હતો ત્યારે મારા જ ગ્રુપની એક છોકરી સાથે મન મળી ગયું. જોકે એ વખતે તેનો રિસ્પૉન્સ સાવ ઠંડો હતો. હિંમતના અભાવે એ વખતે તો હું તેને પ્રપોઝ કરી શક્યો નહીં. બે વરસ પછી અચાનક ઑફિસના કામથી મળવાનું થયું. એ વખતે પણ મેં સહેજ ટ્રાય મારી જોઈ, પણ રોજ તેને લેવા મૂકવા માટે આવતા એક બીજા ફ્રેન્ડને જોઈને મારી જીભ ઊપડતી જ નહીં. એ પછી મારી જ ઑફિસમાં કામ કરતી બીજી છોકરીને મેં પ્રપોઝ કરવાનું વિચાર્યું. તે થોડીક વધુ ફ્રેન્ડલી છે અને વાતોડિયણ પણ એટલે તેની સાથે નજદીકી કેળવવામાં પહેલાં જેટલી તકલીફ નહોતી પડી. આડકતરી રીતે મેં તેના માટે મને સૉફ્ટ ફીલિંગ્સ છે એવું જતાવ્યું છે, પણ ખબર નહીં તેનો ડાયરેક્ટ જવાબ શું હશે. અમે સાથે બહાર ફરવા જવાનું કે નાસ્તો કરવા જવાનું શરૂ કર્યું છે. તે પણ મારા માટે કાળજી ધરાવે છે. હું માંદો પડું તો દિવસમાં પાંચ વાર ફોન કરે છે અને ઑફિસ છૂટ્યા પછી સાથે જ સ્ટેશને આવવાનો આગ્રહ રાખે છે. મને શું ગમે છે એવું એક વાર તેને કહું તો તે થોડા દિવસ પછી એવું જ કંઈક કરે છે, જે મને ગમતું હોય. હવે સમસ્યા એ છે કે મને કૉલેજમાં જે છોકરી પર ક્રશ હતો ને આઇ લવ યુ નહોતો કહી શક્યો એ પણ મારા માટે ફીલિંગ્સ બતાવે છે. તે સામેથી મને મળવા માટે ફોન કરે છે, સાંજની કોઈ ઇવેન્ટમાં જવા માટે પણ મને લઈ જાય છે. હવે મને સમજાતું નથી કે આ બેઉ મને પસંદ કરે છે ત્યારે મારે બેઉ સાથે ફરીને બન્નેને દગો નથી કરવો. મારે કમિટમેન્ટ આપવાનું આવે તો કોને આપવું ને કોને નહીં એ હું નક્કી નથી કરી શકતો. બન્ને સુંદર છે, કૉમ્પિટન્ટ છે ને લગભગ સરખું જ સોશ્યલ સ્ટેટસ ધરાવે છે. પસંદગી માટેનો ક્રાઇટેરિયા શું હોવો જોઈએ?

- મલાડ

જવાબ : અત્યારે તમને બન્ને યુવતીઓ તરફથી ફીલિંગ્સ હોવાના સિગ્નલ્સ મળી રહ્યા છે, પણ હજી સુધી તમે બેમાંથી એકેયની સાથે આગળ વધી શક્યા નથી. મને લાગે છે કે તમને સંબંધોમાં પહેલ કરવામાં તકલીફ થાય છે. ખેર, હજીય આમ જ પહેલ કર્યા વિના મૂંઝાતા રહેવું એટલે બન્નેને દગો કરવો. એ વાતની ગંભીરતા તમે સમજો છો એટલું સારું છે, પણ તમે જે દિશામાં વિચારી રહ્યા છો એ ઠીક નથી.

પેલી બન્ને યુવતીઓમાં શું સારું છે ને શું ખરાબ એ વિચારીને બન્નેની કમ્પેરિઝન કરીને નક્કી કરવાની વાત કરો છો એ થોડુંક ખટકે છે. પ્રેમમાં ક્યારેય માપતોલ ન હોય. ફલાણામાં શું સારું છે ને શું મૅચિંગ છે અથવા મિસમૅચ છે એવું વિચારીને કદી પ્રેમ થતો નથી. પ્રેમમાં તમે માત્ર અને માત્ર પેલી વ્યક્તિ જેવી પણ છે એને તેના મૂળ સ્વરૂપે જ પ્રેમ કરો છો. તમારે એ નક્કી કરવાની જરૂર છે કે જ્યાં માપતોલ કરવાનું મન ન થાય, પણ સહવાસ માત્રથી તમને ખૂબ સારું લાગતું હોય અને તમે પણ તમારા સ્વત્વને જાળવીને સંબંધને માણી શકતા હો એવી વ્યક્તિને પસંદ કરી લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK