પપ્પાને થયેલી ખોટ માટે મેં સામેથી કબૂલ્યું તો તેમણે મને જ અડધી ખોટ ભરપાઈ કરવા કહ્યું, શું કરું?

Published: 25th October, 2012 06:17 IST

હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. ક્યારેક પપ્પાની ઑફિસે જાઉં છું ને કામ શીખું છું અને થાય એટલી મદદ કરું છું.



(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. ક્યારેક પપ્પાની ઑફિસે જાઉં છું ને કામ શીખું છું અને થાય એટલી મદદ કરું છું. થોડાક દિવસ પહેલાં મારાથી ઑફિસમાં એક ભૂલ થઈ ગઈ અને એને કારણે પપ્પાને પચીસેક હજાર જેટલું નુકસાન થયું. એ ભૂલ મારાથી થઈ છે એવી એક-બે વ્યક્તિઓને બાદ કરતાં કોઈને ખબર નહોતી. છતાં મને થયું કે ભૂલ થઈ છે તો માફી માગી લેવી જોઈએ. મારી મિસ્ટેકનો ભોગ ઑફિસના બીજા લોકો ન બનવા જોઈએ. એટલે મેં પપ્પા પાસે જઈને સામેથી ભૂલ સ્વીકારી લીધી. પણ પપ્પાએ તો મારી સચ્ચાઈના બદલામાં મને જ ફાઇન ભરવાનું કહ્યું. તેમણે મને જાતે કમાણી કરીને અડધી રકમ કમાવી લાવવાનું કહ્યું.

તમે કહેતા હો છો કે ભૂલ થાય તો સ્વીકારી લેવી જોઈએ. હંમેશાં સચ્ચાઈનો જ સાથ આપવો જોઈએ, પરંતુ મેં જોયું છે કે ભલાઈનો જમાનો નથી. મેં ભૂલ સ્વીકારી લીધી, પણ એનો અંજામ શું આવ્યો? હું સારી ભાવનાથી મદદ કરતો હતો, ત્યારે ભૂલનો દંડ મારે ભોગવવાનો? બોલો, તમને લાગે છે કે હંમેશાં સારું અને સાચું જ કરવું કે કહેવું યોગ્ય છે? દીકરો ભૂલ કરે છે તો એને છુપાવતો નથી, આવીને કહી દે છે એ વાત તેમને સમજાતી નથી? મને ફાઇન ભરાવીને, નીચું દેખાડીને તેમને શું મળે?

- વિલે પાર્લે

જવાબ : તમારી લાગણી સમજી શકું છું. તમે ભૂલ સ્વીકારી અને એને કારણે તમારે દંડ ભોગવવો પડ્યો. તમને થતું હશે કે ધારો કે મેં સામેથી ભૂલ ન સ્વીકારી હોત તો આવી નોબત ન આવત. કદાચ એમ બન્યું હોત તો તમારામાં ભૂલને છાવરી લેવાની હિંમત પણ આવી જાત.

હું જ્યારે કહું છું કે ભૂલ સ્વીકારી લેવી જોઈએ ત્યારે સાથે કોઈ ગૅરન્ટી નથી આપી કે એમ કરવાથી તમે કરેલી ભૂલનાં પરિણામો ભોગવવામાંથી તમને મુક્તિ મળી જશે. આપણું મન ધારી લે છે કે આપણે ભૂલ સામેથી સ્વીકારી એ બહુ સારું કામ કર્યું છે. એટલે આપણને એનો બદલો માફીથી મળવો જોઈએ. કોઈ જ મૂલ્ય ચૂકવ્યા વિના માફી મળી જાય એ માટે ભૂલનો સ્વીકાર કરવો એ તો સોદો જ થયોને? આપણે ભૂલનો સ્વીકાર આપણા પોતાના વિકાસ માટે ને ફરીથી આપણે એ પ્રકારની ભૂલ ન કરીએ એની સભાનતા વધે એ માટે કરવો જોઈએ. આપણી ભૂલનો સ્વીકાર કરવામાં આપણે કોઈના પર ઉપકાર નથી કરતા કે એ માટે સામેવાળા પાસેથી આપણે બોનસની અપેક્ષા રાખીએ. તમારાથી જે નુકસાન થયું હતું એ તમે બીજા પાસે સ્વીકારો કે ન સ્વીકારો, એ તમારાથી જ થયું છે એ સત્ય કોઈ ભૂંસી નથી શકવાનું. બીજું, ધારો કે તમે તમારી ભૂલ છાવરવામાં કામિયાબ થઈ જાત તો તમને તમે કેટલું નુકસાન કર્યું છે એની પ્રતીતિ પણ ન થાત. પપ્પાએ કહેલી રકમ કમાવા માટે મહેનત કરવાથી તમે હવે પછી વધુ સભાન રહેશો. ભૂલ સંતાડી દીધી હોત તો કદાચ દંડ નિવારી શકાયો હોત, પણ ફરી ભૂલ ન થાય એ માટેની તમારી સજ્જતા ઘટી ગઈ હોત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK