હું અને મારો બોયફ્રેન્ડ તદ્દન જુદી વિચારધારા ધરાવીએ છીએ, તો સંબંધો આગળ વધારાય ખરા?

Published: 24th October, 2012 05:53 IST

આજકાલ કૉલેજમાં ભણતી દરેક છોકરીને એક બૉયફ્રેન્ડ તો હોય જ છે. મને પણ હતો. જોકે કૉલેજના બે સંબંધોનું બ્રેક-અપ થઈ ગયું કેમ કે અમારા વિચારો અને દરેક બાબત માટેના મત એકદમ વિપરીત જ હતા.(સવાલ સેજલને - સેજલ પટેલ)


સવાલ : આજકાલ કૉલેજમાં ભણતી દરેક છોકરીને એક બૉયફ્રેન્ડ તો હોય જ છે. મને પણ હતો. જોકે કૉલેજના બે સંબંધોનું બ્રેક-અપ થઈ ગયું કેમ કે અમારા વિચારો અને દરેક બાબત માટેના મત એકદમ વિપરીત જ હતા. અત્યારે હું ૨૬ વર્ષની છું. કૉલેજના છેલ્લા વર્ષથી શરૂ થયેલી રિલેશનશિપમાં શરૂઆતમાં તો બધું જ ગુલાબી હતું. કૉલેજના છેલ્લા વર્ષમાં પ્રૅક્ટિકલ્સમાં તે મારો પાર્ટનર હતો. એ વર્ષે અમે ગમે તેવા અઘરા પ્રયોગો સરસ રીતે પતાવ્યા. ભણવાનું પૂરું થયા પછી અમારી વચ્ચે વાતે-વાતે વાંકું પડવા લાગ્યું અને અમે ઝઘડી પડતાં. એ છતાં એકબીજાનો સાથ ગમતો. અમારી વચ્ચે પસંદગીઓની બાબતમાં પણ ઐક્ય નથી. ખાવા-પીવાથી લઈને ફરવા બાબતે, સંબંધોમાં પેશ આવવા બાબતે, સંબંધીઓ સાથેના અભિગમમાં બધે જ અમારા વિચારો ખૂબ જ જુદા છે. મને સૂપ ભાવે તો તેને આઇસક્રીમ. હું કૉફી પીઉં તો તે ચા પીએ. આવી નાની બાબતોને કારણે અમે છૂટાં પડી ગયેલાં. છેલ્લાં ત્રણેક વરસથી અમારી વચ્ચે લાંબો સમય સુધી કોઈ કમ્યુનિકેશન નહોતું. એકાદ વરસ પહેલાં અમે કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળી ગયાં. ત્યાં તેણે અચાનક જ મને કહ્યું કે તે મને ખૂબ પ્રેમ કરે છે. હું પણ આ સમય દરમ્યાન તેને ખૂબ મિસ કરતી હતી એટલે મેં પણ હાથ લંબાવી દીધો. ફરી અમારી દોસ્તી શરૂ થઈ. એ પછી તેના ઘરનાઓ સાથે મારા વિશે વાત કરવા બાબતે પણ અમારી વચ્ચે તકલીફો થઈ. થતું પણ એવું કે તે એવી ચીજો કરવાનું કહેતો જે કરવાનું મને ક્યારેય પસંદ નહોતું. વચ્ચે હું માંદી પડી ત્યારે તેણે દિવસ-રાત હૉસ્પિટલમાં મારી ખૂબ જ કાળજી રાખી હતી. શું આવી રિલેશનશિપ સફળ થાય ખરી?

- વિલે પાર્લે 

જવાબ : તમારો પાર્ટનર તમે વિચારો છો કે ઇચ્છો છો એવું જ વિચારે અને કરે એવું જો કોઈ ઇચ્છતું હોય તો એ શક્ય જ નથી. બે અલગ વ્યક્તિઓ જ્યારે ભેગી થાય ત્યારે બન્નેના આગવા ગમા-અણગમા અને અલાયદી વિચારધારાઓ હોય જ એ તો સ્વાભાવિક છે.

સૌથી સારી વાત એ છે કે તમે એકબીજાથી મતભેદો છુપાવતા નથી. હા, આ એકમેકનાં મંતવ્યો સિદ્ધાંતની દૃષ્ટિએ ખોટાં લાગતાં હોય તો જરૂર ચેતી જવું. બાકી સ્પષ્ટવક્તા થઈને એકબીજાના દિલની વાતને સમજવાની અને વચલો માર્ગ શોધવાની તૈયારી બન્ને પક્ષે હોય તો એ સંબંધ જરૂર લાંબો ટકે.

દરેક સંબંધમાં મતભેદો તો રહેવાના જ. કદાચ મતભેદો ન હોય એવા સંબંધોમાં પડતાં પહેલાં વિચારવું જોઈએ, કેમ કે બન્ને જણ એક જ દિશામાં વિચારતા હોય એવું ભાગ્યે જ બને છે. તમે મતભેદ ન હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કરશો તોય લગ્ન પછી લડાઈ-ઝઘડા જરૂર થશે. આ સંબંધમાં તમને જો એવું લાગતું હોય કે એકબીજાના મતભેદોને સમજવાની તૈયારી છે, જતું કરવાની ભાવના છે અને સૌથી અગત્યનું એકમેકની નબળી ક્ષણોમાં પડખે ઊભા રહેવાની લાગણી છે તો જરૂર આગળ વધો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK