પતિની કમાણી ઓછી અને ખર્ચ વધારે છે તો શું કોઈની મદદ માંગવી જોઈએ?

Published: 23rd October, 2012 05:44 IST

મારી ઉંમર ૨૮ વર્ષ છે. મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. પિયર કરતાં સાસરીની સ્થિતિ પાતળી છે.(સવાલ સેજલન - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. પિયર કરતાં સાસરીની સ્થિતિ પાતળી છે. જોકે મારા કાકાજીસસરા અને તેમના દીકરાઓ અમારા કરતાં સારી સ્થિતિના છે. મારે ત્રણ વરસની દીકરી છે. મારાં સાસુ વારંવાર કહ્યા કરે છે કે ઘરમાં એક દીકરો તો હોવો જોઈએ. મારે એક જ નણંદ છે, જેનાં લગ્ન થઈ ગયાં છે. તેનાં લગ્નમાં પણ અમે ઘણું દેવું કરીને ખર્ચ કરી નાખ્યો હતો. છેલ્લા એક વરસમાં ત્રણ વાર પ્રેગ્નન્સી રહી, પણ કંઈક ને કંઈક તકલીફ થઈ હોવાથી મિસ થઈ ગઈ હતી. એને કારણે દવાના ખર્ચા પણ ખૂબ ચાલે છે. થોડા-થોડા કરીને ઘણા પૈસા અમે પપ્પા પાસેથી લીધા છે. ક્યારેક કાકાજીસસરા મદદ કરે છે. ઘરમાં દીકરીને સારી સ્કૂલમાં મૂકવાના પૈસા નથી. એ માટે પણ મારા ભાઈએ પૈસા આપ્યા છે. મારા હસબન્ડની દુકાન ઠીકઠાક ચાલે છે. હજી બે મહિના પહેલાં મારું મિસકૅરેજ થયું હતું અને હવે ફરી પ્રેગ્નન્સી રહી છે. સાડાત્રણ મહિના થયા છે. પ્રેગ્નન્સીમાં ફરી કૉમ્પ્લિકેશન્સ આવી ગયાં છે. બાળક રાખવું હોય તો મોંઘી દવાઓ કરવી પડે. એને બદલે હું પડાવી નાખવાના મતની છું, પણ મારાં સાસુને એમ છે કે કદાચ છોકરો હોય તો પડાવવું નથી. બીજી તરફ મારા હસબન્ડ ટેન્શનમાં છે, કેમ કે બે મહિનાનું ભાડું ભર્યું ન હોવાને કારણે મકાનમાલિક દુકાન ખાલી કરાવવાની ધમકી આપે છે. આ વખતે મારા કાકાજીસસરા કે પપ્પાએ પણ મદદ કરવાની ના પાડી દીધી છે. બહેન, બધી જ બાજુએથી અમે ફસાયાં છીએ. કોઈ મદદ કરે એમ નથી. આવા સંજોગોમાં શું કરવું?

- ચેમ્બુર

જવાબ : અત્યારે કદાચ મારા શબ્દો તમને કડવા લાગશે, પણ એક વાત કહું? તમે હાથે કરીને ખાડો ખોદો છો, એમાં પડો છો અને પછી બૂમો પાડો છો કે કોઈ મદદ કરનારું નથી. તમે આર્થિક રીતે સધ્ધર નથી થતાં એની પાછળ બીજું કોઈ જ નહીં, તમે અને તમારા પતિ જ જવાબદાર છો. એક તરફ તમે કહો છો કે પહેલા બાળકને સ્કૂલમાં મૂકવાના પૈસા નથી તો પછી બીજા બાળકની શું કરવા તૈયારી કરો છો? દીકરા-દીકરીઓ પેદા કરી નાખવાથી વંશ સચવાઈ જવાનો છે એવું તમે માનો છો?

તમે સાસુના દબાણને વશ થઈને બાળક માટે તૈયાર થઈ જાઓ છો કે પછી તમને પોતાને બાળકની જવાબદારી કેવી રીતે નિભાવવી એનું ભાન નથી? સાસુએ કહ્યું માટે તમે પ્રેગ્નન્સી ધારણ કરી એવું તમે કહેતાં હો તો તમારા જેવું અબુધ બીજું કોઈ ન કહેવાય. દરેક વ્યક્તિએ ચાદરની લંબાઈ જોઈને પછી જ પછેડી તાણવી જોઈએ. અત્યાર સુધી તમને કાકાજીસસરા અને પપ્પાએ મદદ કરી એ જ ખોટું હતું. તમારું ઘર કે વેપાર ચલાવવા શા માટે બીજા કોઈએ તમને મદદ કરવી જોઈએ એ કહેશો?

કરકસરથી રહો તો ૫૦૦૦ રૂપિયાની આવકમાં પણ પરિવાર શાંતિથી જીવી શકે છે અને ઘણાને ૨૫,૦૦૦ રૂપિયા પણ પૂરતા નથી. હવેથી કસમ ખાઓ કે એક પણ પૈસો ઉધાર લેતાં પહેલાં જૂની બધી ઉધારી પૂરી કરશો. તમારા હસબન્ડે નિયમિત કમાણી થાય એ માટે નોકરી જેવો વિકલ્પ થોડા સમય માટે અપનાવવો જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK