જો મારી કમાણીમાંથી કંઈક લાવવાનું કહું છું તો પતિ ખૂબ જ ચિડાઈ જાય છે, શું કરવું?

Published: 22nd October, 2012 06:23 IST

અમે ભાગીને લવમૅરેજ કર્યા છે. હજી સાસરિયાંઓએ અમને સ્વીકાર્યા નથી. મુંબઈ આવીને અમે એકડેએકથી ઘર વસાવ્યું છે.સવાલ સેજલને - સેજલ પટેલ

સવાલ : અમે ભાગીને લવમૅરેજ કર્યા છે. હજી સાસરિયાંઓએ અમને સ્વીકાર્યા નથી. મુંબઈ આવીને અમે એકડેએકથી ઘર વસાવ્યું છે. મારા પતિની સાથે હું પણ કામ કરીને થોડુંક કમાઉં છું. મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા હતાં ને હવે ઘરમાં એકેએક ચીજ નવી વસાવવાની હોવાથી હાથ જરાક ટૂંકો રહે છે. મારા પેરન્ટ્સે પણ કહેલું કે લગ્ન કરવાં હોય તો ગામ છોડીને બીજે રહેવા જતાં રહો, સમાજની સામે ન રહેતાં.

શરૂઆતમાં વાંધો ન આવ્યો, પણ ધીમે-ધીમે મારા પતિનો સ્વભાવ ચીડિયો બની ગયો છે. ગામનાં મોટાં ઘરોની સરખામણીએ એક રૂમ-રસોડાના ઘરમાં ખૂબ જ અગવડ પડે છે. શરૂઆતની બધી જ તકલીફો અમે બન્નેએ ખૂબ મોજથી સહી લીધી હતી, પરંતુ હમણાંથી તેઓ ખૂબ જ ચીડચીડા રહે છે. ઘરમાં હજી બધી જ સુખ-સુવિધાઓ નથી એટલે થોડીક અગવડ પડે છે. કંઈ પણ વાતમાં હું આપણને અમુક ચીજ નહીં પોસાય એવું વિચારું તો તેમને લાગે છે કે હું તેમની કમાવાની ક્ષમતા પર પ્રશ્નાર્થ કરી રહી છું. મેં તેમને કહેલું કે આપણે સેટ થઈ જઈએ પછી જ બાળકનું પ્લાનિંગ કરીએ, પણ તેમને એમાંય હું સંભળાવતી હોઉં એમ લાગે છે. અમારી એજ હજી ૨૯-૩૦ની આસપાસ જ છે ને જો બે વરસ રાહ જોઈએ તો કોઈ વાંધો આવે એમ નથી. જો મારી બચતમાંથી ઘરમાં કંઈક ખરીદવાની વાત કરું તો એમાં પણ તેમને તકલીફ પડે છે. શું કરું કંઈ સમજાતું નથી.

- મલાડ 

જવાબ : પરસ્પરના પ્રેમમાં તરબોળ એવી બે વ્યક્તિઓમાં પૂરક સમજણ હોય તો આવી નાની-મોટી ગેરસમજોમાં પણ ટકી જાય છે. જ્યારે તમારે નવેસરથી રોજના ધાનથી માંડીને ઘરવખરી બધું જ કરવાનું હોય ત્યારે હાથ ટૂંકો તો પડવાનો જ. ઘણી વાર પોતાનાથી ઘરની પ્રાથમિક ચીજો પણ સરખી રીતે મૅનેજ નથી કરી શકાતી એ વાતનો પુરુષોને એટલો માનસિક ભાર હોય છે કે વાતે-વાતે ગુસ્સો આવી જાય છે. આ ગુસ્સો વાજબી કહેવાય કે નહીં એની ચર્ચામાં પડવા જેવું નથી, પરંતુ આવા સમયે સ્ત્રીઓએ ખોટું લગાડીને સામો ગુસ્સો કરવો ઠીક નથી. પૈસાની સંકડાશ હોય અને ઘણુંબધું કરવાની મહkવાકાંક્ષા હોય ત્યારે પુરુષો અંદરથી ખૂબ જ ભીંસ અનુભવતા હોય છે. આ ભીંસને ઘણી વાર અવળી રીતે તેઓ પત્ની પર ઉતારે છે.

તમારે બાળક હમણાં કેમ નથી જોઈતું એ વિશે ઉગ્ર ચર્ચા કરવાની જરૂર નથી. આમેય આર્થિક સમસ્યાને કારણે તમારા પતિ ચિડાયેલા જ રહે છે. આવા સમયે ઑલ વર્ક નો પ્લે એવું ન થવું જોઈએ. સાંજે ઑફિસથી આવીને સાથે બેસીને ચાની ચુસકીઓ લેતાં-લેતાં હળવી વાતો કરો. હંમેશાં ઘરની તકલીફોની ચર્ચા કરવાને બદલે પ્રેમની પળો માણો. જીવનમાં સમસ્યાઓ કરતાં પ્રેમનો ડોઝ વધી જશે એટલે આસપાસની સમસ્યાઓ સરી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK