હસબન્ડ રોમેન્ટિક નથી, તેમને માત્ર સેક્સમાં જ રસ છે

Published: 11th October, 2012 06:28 IST

મારાં અરેન્જ્ડ મૅરેજને દસ મહિના થયા છે. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ છતાં અલાયદા રૂમને કારણે પૂરતી પ્રાઇવસી મળી શકે એમ છે. એ છતાં મેં જોયું છે કે મારા હસબન્ડ મારી સાથે બહુ વાતચીત નથી કરતા.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં અરેન્જ્ડ મૅરેજને દસ મહિના થયા છે. સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ છતાં અલાયદા રૂમને કારણે પૂરતી પ્રાઇવસી મળી શકે એમ છે. એ છતાં મેં જોયું છે કે મારા હસબન્ડ મારી સાથે બહુ વાતચીત નથી કરતા. મૅરેજ પહેલાં પણ અમારી વચ્ચે ભાગ્યે જ વાતચીત થતી. મળવાનું થાય તો પણ તેઓ વધુમાં વધુ ક્યાં ખાવા જઈશું એની ચર્ચા કરે અને પછી જાણે મને જમાડવા આવ્યા હોય એમ જમીને તરત જતા રહે. મેં તેમને ક્યારેય રોમૅન્ટિક થતા જોયા જ નથી. ઘરમાં પણ બધા પહેલેથી એવું કહેતા હતા કે તેમનો દીકરો તો ભગવાનનો માણસ છે. પહેલાં ઊઠીને સેવાપૂજા ન કરે તો ન ચાલે. જોકે લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ આમ બહારથી પોતાને આધ્યાત્મિક દેખાડે છે, પરંતુ અંદરખાને વાસનાથી ભરપૂર છે. લગ્નની પહેલી રાત્રે પણ તેમણે મારી સાથે ખાસ વાતચીત નહોતી કરી અને પીઠ ફેરવીને સૂઈ ગયા. જોકે એ પછીના થોડાક દિવસ પછી તેમણે મારી સાથે શરીરસંબંધ બાંધ્યો. મેં જોયું છે કે તેઓ મારી સાથે ખૂબ જ ઓછી વાતચીત કરે છે, માત્ર રાતે જ મારી નજીક આવે છે. બાકી જાણે હું ઘરમાં છું જ નહીં એ રીતે વર્તે છે. હવે તો તેઓ અઠવાડિયામાં ચાર વાર મારી સાથે સંબંધ રાખવાનો આગ્રહ રાખે છે. હું ખરેખર તેમને સાથ આપી શકવાની સ્થિતિમાં નથી હોતી, પણ નારાજ થશે એમ માનીને સાથ આપું છું. પોતાને સંતોષ મળી જાય એટલે નસકોરાં ફુલાવતા સૂઈ જાય છે. શું લગ્ન એટલે માત્ર સેક્સ જ હોય? શું એ સિવાય પતિ-પત્ની વચ્ચે બીજો કોઈ વાર્તાલાપ ન થાય? મારાં સગાંવહાલાંને ત્યાં જવા પણ નથી દેતા. સાસુને પણ પોતાનો દીકરો ખુશ તો બીજા બધા જખ મારે છે. તેઓ મને પસંદ નથી કરતાં એવું મારી નણંદ દ્વારા ખબર પડેલી ત્યારથી મારું મગજ વિચારે ચડ્યું છે. શું મારે આમ જ આ ઘરમાં રહેવાનું?

- સાન્તાક્રુઝ    

જવાબ : તમારો સવાલ વાજબી છે. લગ્ન માત્ર સેક્સ નથી. લગ્નના ઘણા મહિનાઓ પછી પણ તમે કહો છો કે શારીરિક સંબંધ સિવાય તમારી પતિ સાથે કોઈ જ વાતચીત નથી થતી તો એ જરા વધુપડતું કહેવાય. જો તેઓ ખરેખર તમને પસંદ ન કરતા હોત તો તમારી સાથેના ફિઝિકલ સંબંધોમાં પણ તેમને રસ ન હોત. માટે કોઈની કાનભંભેરણી દિલ પર ન લો. તમારા હસબન્ડને માત્ર સેક્સમાં જ રસ છે એવું ધારી લેવું સહેલું છે, પણ તેમને બીજીયે કોઈ તકલીફ હોઈ શકે એવું શક્ય છે? મને લાગે છે કે તમારે વાતચીતની પહેલ કરવી જરૂરી છે. ભલે તેઓ તમારી સાથે વાત ન કરતા હોય, પણ તમે તો સામેથી કરી શકોને? રાતના જ્યારે તેઓ રોમૅન્ટિક મૂડમાં હોય ત્યારે તમે પણ શરમાઈને ચૂપ રહેવાને બદલે હળવાશભરી વાતો શરૂ કરી શકો. તેમના રિસ્પૉન્સ પરથી ખબર પડશે કે તેમના મનમાં ખરેખર શું છે. ધારો કે એ પછી પણ વાતચીત ન કરે તો નજાકતથી છતાં સીધેસીધું જ તેમના આવા વર્તન બાબતે પણ પૂછી લઈ શકાય. તેમના દિમાગમાં શું છે એ તેમના સિવાય બીજું કોઈ નહીં કહી શકે એટલે તેમની પાસેથી જ જાણો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK