ભણવામાં મારાથી ઉતરતો મિત્ર આજે મારો બોસ હોવાથી નોકરીની ઈચ્છા નથી થતી, શું કરું?

Published: 1st October, 2012 06:07 IST

હું ૨૬ વર્ષનો છું. મારા પપ્પા તેમના બિઝનેસમાં અવ્વલ છે ને બચણપથી જ મને ભણવામાં, કામમાં અને કોઈ પણ પ્રવૃત્તિમાં અવ્વલ રહેવાનો જ અભિગમ શીખવવામાં આવ્યો છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૬ વર્ષનો છું. મારા પપ્પા તેમના બિઝનેસમાં અવ્વલ છે ને બચણપથી જ મને ભણવામાં, કામમાં અને કોઈ પણ પ્રવૃત્તિમાં અવ્વલ રહેવાનો જ અભિગમ શીખવવામાં આવ્યો છે. સ્કૂલમાં હતો ત્યારથી હું જે કામ કરું એમાં મારો પહેલો નંબર જ હોય એવી એક જીદ રહી છે. કાં તો હું પહેલા નંબરે આવું, કાં હું એ કામ જ ન કરું. દસમા ધોરણથી મારી આ જીદને વારંવાર પડકાર મળતા રહ્યા. એસએસસીમાં હું મારી સ્કૂલમાં ત્રીજા નંબરે આવ્યો. ચાર મહિના ડિપ્રેશનમાં રહ્યો ને ફરી ભણવામાં મન પરોવ્યું. જુનિયર કૉલેજમાં અગેઇન હું અવ્વલ રહ્યો. પછી સૉફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું એમાં મને પડકાર આપવાવાળો મારો જ એક મિત્ર હતો. તેનાથી પણ હું હંમેશાં આગળ જ રહ્યો. સવાલ એ છે કે મારા પપ્પાનું કહેવું છે કે તું પહેલાં નોકરીમાં સફળ થા અને પછી મારો બિઝનેસ સંભાળ. શરૂઆતમાં તો હું એ માટે તૈયાર જ નહોતો. કોઈકને ત્યાં નોકરી કરવાની વાત મારા દિમાગમાં કેમેય બેસતી નહોતી. બે વરસ ઘરે બેસી રહ્યો ને પછી મેં નોકરી શરૂ કરી. જોકે આ બે વરસ દરમ્યાન મારો ફ્રેન્ડ તો જૉબમાં જામી ગયેલો. સમસ્યા એ છે કે હવે પેલો ફ્રેન્ડ પ્રમોશન અને અનુભવ લઈને મારી ઑફિસમાં મારો જ બૉસ બનીને આવ્યો છે. આ વાતથી ખૂબ જ ઈગો હર્ટ થાય છે. જેને મેં કદી ભણવામાં મારાથી આગળ જવા ન દીધો એ જિંદગીની રેસમાં આગળ થઈ ગયો. તે મારો સિનિયર છે અને મારા બૉસની સમકક્ષ છે. આને કારણે મને જૉબ કરવાની ઇચ્છા નથી થતી. પપ્પાના બિઝનેસમાં હવે મારે જોડાઈ જવું છે, પણ હજી પપ્પા કહે છે કે ઓછામાં ઓછાં બે વરસ હજી નોકરી કરવી પડશે. શું કરવું?

- બોરીવલી

જવાબ : જીવનમાં હંમેશાં અવ્વલ રહેવાની ધૂન ક્યારેક સારી નીવડે છે ને ક્યારેક ઘાતક પણ. એનું કારણ છે કે માણસ જ્યારે પ્રતિસ્પર્ધામાં ઊતરે છે ત્યારે પોતાનું સ્વત્વ ગુમાવી બેસે છે. પહેલો નંબર લાવવો સારી વાત છે, પણ જેનો બીજો નંબર આવે છે એ તેનાથી ઊતરતો નથી હોતો. મને લાગે છે કે તમને અત્યારે તમારો મિત્ર તમારી બૉસની પૉઝિશનમાં છે એ માટે નાનમ અનુભવાય છે. પરંતુ તમારા પપ્પા અત્યારે તમને બે વરસ નોકરી કરાવવા માગે છે એ યોગ્ય જ છે.

જીવનમાં બીજાને પોતાનાથી આગળ જતા રહેલા જોવાની સ્થિતિને અવૉઇડ કરવાનું મન તો સૌને થાય, પણ એ જ તો તમારી ખરી કસોટી છે. તમારા મિત્ર સિવાયની બીજી કોઈ વ્યક્તિ તમારી બૉસ છે એનાથી તમને તકલીફ નથી થતી, પણ તમારો જ હમઉમþ મિત્ર તમારા બૉસની પૉઝિશન પર આવી ગયો એનાથી તકલીફ થતી હોય તો એ ઈર્ષા જ છેને! જો તમે નોકરી માટે વેઇટ કરવામાં બે વરસ બગાડ્યાં ન હોત તો આજે તમારી પાસે પણ એટલો જ અનુભવ અને પદ હોત. જીવનમાં જાતે કરેલા નિર્ણયોની કિંમત દરેક વ્યક્તિએ ચૂકવવી પડે છે એટલી વાત ગળે ઉતારી લો અને તમારું ફોકસ માત્ર નોકરીમાંથી શીખવા પર કેન્દ્રિત કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK