સાસરિયા માન નથી આપતા એટલે પત્નીથી છુટા પડી જવું યોગ્ય છે?

Published: 28th September, 2012 06:18 IST

મારાં લગ્નને ૩૫ વરસ થયાં છે. હું મારા સાસરે જવલ્લે જ જાઉં છું, પણ જ્યારે કોઈ સારામાઠા પ્રસંગે જવું પડે ત્યારે મારું માન જળવાતું નથી.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને ૩૫ વરસ થયાં છે. હું મારા સાસરે જવલ્લે જ જાઉં છું, પણ જ્યારે કોઈ સારામાઠા પ્રસંગે જવું પડે ત્યારે મારું માન જળવાતું નથી. એમ કહો કે સાવ અપમાન જ થાય છે. એ છતાં મારાં સાસરિયાં ઘરે આવે ત્યારે મારી પત્ની તેમને  ભરપૂર પ્રેમથી રાખે છે. મારે શું સમજવું? મેં મારા ઘરવાળાને બધું જ સુખ આપ્યું છે. ગાડી, ઘર, ફૉરેન ટ્રિપ જે કહો એ બધું જ. આ માટે મેં ૧૪ જગ્યાએ પાર્ટ ટાઇમ નોકરી કરીને મેળવ્યું છે. શું આટલાં વરસ પછી છૂટા પડવું યોગ્ય ગણાય? આ ઉંમરે છૂટા પડીએ એ કેવું લાગે?

-  દહિસર

જવાબ : તમારા પત્રથી પૂરેપૂરી માહિતી નથી મળતી. છતાં તમે જેટલું લખ્યું છે એ પરથી ધારી લઉં છું કે તમારાં સાસરિયાં તરફથી થતાં ખરાબ વર્તન સિવાય તમારા લગ્નજીવનમાં બીજી કોઈ સમસ્યા નથી. માત્ર સાસરિયાં તમને માન નથી આપતા એટલા ખાતર છૂટા પડી જવું એ કંઈ વાજબી નથી લાગતું.

તમને કોઈ પણ સલાહ આપતાં પહેલાં મારા માટે જાણવું એ જરૂરી છે કે એ સિવાય તમારા ઘરમાં કેવું વાતાવરણ હોય છે? શું પિયરિયાંની વાત વચ્ચે ન હોય ત્યારે તમારી પત્ની સાથે તમે સુખશાંતિ અને પ્રેમથી જીવન જીવો છો? પતિ-પત્નીના સંબંધો બીજા કોઈના માન-અપમાનથી પર હોવા જોઈએ. જેમ તમારાં સાસરિયાં તમને ક્યારેક અપમાનિત કરે છે એમ ક્યારેક તમારા પેરન્ટ્સે પણ તમારી વાઇફને માઠું લાગે એવા ચાર શબ્દો કીધા જ હશેને? સંબંધને સાચવવો હોય તો બીજા લોકોનાં થોડાંક માઠાં વેણ ગળી જવાં પડે. હું તમારી પત્નીનો પક્ષ નથી લેતી, પણ માત્ર આટલાં જ કારણોસર તમારાં લગ્નને અંત લાવી દેવા જેવું અંતિમ પગલું વિચારવાનું કંઈક ઠીક નથી લાગતું.

જરાક શાંતિથી બેસીને વિચાર કરો કે શું તમારા સંબંધોમાં કવચિત તમે સાસરે જાઓ ત્યારે થતું અપમાન એટલુંબધું ઇમ્પોર્ટન્ટ છે? શું પત્ની સાથેના ૩૫ વર્ષના સહવાસ દરમ્યાન તમે સાથે ગાળેલી સુંદર પળો કરતાંય વધુ?

પરિવારજનોને પૈસો, ગાડી અને સવલતો આપી દેવા માત્રથી ફરજ પૂરી નથી થઈ જતી ને તમે તો હજી આ બધું તમે આપ્યું છે એ ગણાવો પણ છો. ‘મેં આપ્યું’ એવો ભાવ કેમ આવે? એ તો તમારી ફરજ છે.

તમારાં લગ્નને ૩૫ વરસ થયાં છે એટલે ધારી લઉં છું કે તમારાં સંતાનો પણ હવે તો પરણીને ઠરીઠામ થઈ ગયાં હશે. હવે માત્ર હુતો અને હુતી બેઉ જ છો ત્યારે બીજા લોકો તમારી સાથે શું કરે છે એને મનમાં લઈને બળવાની જરૂર નથી. અપમાન થાય ત્યારે અહમ ઘવાય એ વાત સમજી શકાય એવી છે, પણ બીજા લોકોના ખરાબ વર્તનને કારણે તમે પત્ની સાથેના સુખમય જીવનને શું કામ તરછોડો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK