કૉલેજમાં સિનિયર છોકરી ગમે છે, પણ ‘આઇ લવ યુ’ કહેવાની હિંમત નથી

Published: 14th September, 2012 07:04 IST

હું વીસ વર્ષનો છું. મારી કૉલેજમાં સિનિયર ક્લાસમાં ભણતી એક છોકરીને જોતાં જ મારું દિલ મોહી પડ્યું છે. મને તે ખૂબ જ ગમે છે. દિવસ-રાત તેના જ ખયાલો આવે છે.(સવાલ સેજલને-સેજલ પટેલ)

સવાલ : હું વીસ વર્ષનો છું. મારી કૉલેજમાં સિનિયર ક્લાસમાં ભણતી એક છોકરીને જોતાં જ મારું દિલ મોહી પડ્યું છે. મને તે ખૂબ જ ગમે છે. દિવસ-રાત તેના જ ખયાલો આવે છે. છેલ્લાં બે વરસથી હું તેને પસંદ કરું છું, પણ અમારું ગ્રુપ ડિફરન્ટ છે એટલે તેની સાથે ફ્રેન્ડશિપ આગળ નથી વધતી. જ્યારે પણ મેં તેની સાથે કોઈ બહાને વાત કરવાની કોશિશ કરી ત્યારે તેનો ખૂબ ઠંડો રિસ્પૉન્સ હોય છે. એટલે જ મેં તેને ભૂલી જવાની કોશિશ કરી, પણ એય નથી થતું. તેને કૉલેજમાં બીજા કોઈ છોકરાની સાથે હસીને વાત કરતાં જોઉં છું તોય જલન થાય છે. હવે તો મને એવું લાગે છે કે તેના વિના હું નહીં રહી શકું. હું કોઈ પણ રીતે તેને મારા મનની વાત જણાવવા માગું છું. ‘આઇ લવ યુ’ કહેવાની હિંમત નથી થતી. કદાચ તે મને જવાબમાં ના પડશે તો હું નહીં જીવી શકું. મૅડમ, કંઈક એવું હું શું કરું જેથી તેને પણ હું ગમવા લાગું. મારી બુક્સમાં પણ મને તો તેનો જ ચહેરો દેખાય છે. મૅડમ, હું તેની આગળપાછળ ખૂબ ફયોર્ છું, પણ તેણે કદી મારી સામે પ્રેમથી નજર પણ નથી કરી અને મોં પણ નથી બગાડ્યું. કદાચ તે મારાથી સિનિયર ક્લાસમાં છે એટલે તેને મારી ફ્રેન્ડશિપમાં વાંધો હશે, પણ મને એવું કંઈ નથી એ વાત કેવી રીતે સમજાવું? તે મારી ફ્રેન્ડ બની જાય એવું કંઈક કરવું છે, પણ શું કરું? 

- ગાયવાડી

જવાબ : મને પ્રેમ થઈ ગયો છે... તેના વિના જીવી નહીં શકાય... પ્રેમ કરું છું, પણ હજી દોસ્તી નથી કરી શકતો... તેની સાથે એકેય વાર વાત નથી કરી છતાં મારે તેની સાથે લગ્ન કરવાં છે... આંખ ખોલું કે બંધ કરું સામે તેનો ચહેરો દેખાય છે... આ પ્રકારની ફિલ્મી રોમૅન્ટિક ફીલિંગ્સ પહેલી નજરે તો ખૂબ સારી લાગે, પણ જો આ લાગણીઓને વાસ્તવિકતાના પાયા સાથે જોડીને ન સમજીએ તો એ ખતરનાક પુરવાર થઈ શકે છે. કોઈકને જોઈને પ્રેમમાં પડી જવું એ ખૂબ સામાન્ય લાગણી છે. જુવાનીમાં આવી લાગણીઓ દિવસે પણ સપનાં દેખાડે છે, પરંતુ પ્રેમ એ માત્ર લાગણી નથી.


તમારા તમામ પ્રયત્નોને સાવ ટાઢોબોળ રિસ્પૉન્સ છે એ જોયા પછી તેની ઇચ્છા આ સંબંધમાં આગળ વધવાની નથી એ સ્પષ્ટ દેખાય છે, પણ તમે એ જોવા છતાં ન જોયું કરવા માગો છો. તમને પણ મનમાં તો ખબર છે કે અત્યારે જો તેને જઈને ‘આઇ લવ યુ’ કહેશો તો થપ્પડ ખાવી પડશે ને એટલે જ તમારી એમ કરવાની હિંમત નથી થતી. તો પછી શા માટે સચ્ચાઈ સ્વીકારી નથી લેતા? પ્રેમ એ માત્ર આકર્ષણ અને લાગણી જ નથી. ગમતી વ્યક્તિ પોતાની થઈ જશે એવી કલ્પનામાં રાચવું અને રાહ જોયા કરવી શરૂઆતમાં સારી લાગે છે, પણ અમુક હદ કરતાં વધુ સમય વહી જાય તો એ પીડાકારક બની જાય છે. તમે જેટલી જલદી હકીકત સ્વીકારીને આગળ વધશો એટલું તમારા ભલામાં છે. પ્રેમમાં કદી એક હાથે તાળી ન પડે એટલું યાદ રાખો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK