લગ્ન કર્યા વિના ફિઝિકલ રિલેશન્સ રાખવી યોગ્ય કહેવાય?

Published: 11th September, 2012 05:59 IST

હું ૨૭ વર્ષની છું. એક કંપનીમાં નોકરી કરું છું અને થોડીક સ્વતંત્રમિજાજી હોવાને કારણે પહેલેથી લગ્ન બાબતે મારા વિચારો હંમેશાં ચિત્રવિચિત્ર રહ્યા છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૭ વર્ષની છું. એક કંપનીમાં નોકરી કરું છું અને થોડીક સ્વતંત્રમિજાજી હોવાને કારણે પહેલેથી લગ્ન બાબતે મારા વિચારો હંમેશાં ચિત્રવિચિત્ર રહ્યા છે. અત્યાર સુધી મારી લગભગ બધી જ ફ્રેન્ડ્સનાં લગ્ન થઈ ચૂક્યાં છે. જેમનાં લગ્નને ત્રણ-ચાર વરસ થઈ ગયાં છે એમાંથી ૮૦ ટકા છોકરીઓ જાણે લગ્નને વેંઢારી રહી છે. ઘરની જવાબદારીઓમાં તેમની અંગત જિંદગી સાવ જ ભૂંસાઈ ગઈ છે. મોટા ભાગની ફ્રેન્ડ્સનું માનવું છે કે લગ્ન ન જ કરવાં જોઈએ. મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે જેણે બાવીસ વર્ષે લવ-મૅરેજ કરી લીધેલાં તેના હાલમાં ડિવૉર્સ થવાની વાતો ચાલી રહી છે.

હવે મારી વાત. મારે અત્યાર સુધી બે બૉયફ્રેન્ડ રહી ચૂક્યા છે એ બન્ને સાથેના અનુભવ પરથી મને લાગે છે કે આજકાલના છોકરાઓ મજા માણી લેવાનો ઍટિટ્યુંડ ધરાવે છે. લગ્ન પહેલાં કંઈક હોય અને લગ્ન પછી કંઈક બીજું જ બતાવે છે. મેં મનથી નક્કી કરી લીધું છે કે હવે તો મારે લગ્ન જ નથી કરવાં. મારી સ્વતંત્રતા જોખમમાં મૂકીને હું કોઈની ગુલામી કરવાની ઇચ્છા નથી ધરાવતી. લગ્ન વિના મારા બૉયફ્રેન્ડ સાથે અત્યારે હું ફિઝિકલ રિલેશન્સ રાખું છું એ શું યોગ્ય કહેવાય? લોકો એને ખરાબ જ ગણશે.

- ખાર

જવાબ : આપણે દુનિયામાં અન્યોના અનુભવમાંથી શીખવાનું હોય છે. એની કૉપી કરવાની નથી હોતી. પેલાના જીવનમાં આમ થયું એટલે મારા જીવનમાં પણ આમ થશે એવો સીધોસાદો તાળો બેસાડવો એ નાદાનિયત છે. તમે તમારી જિંદગી અને લગ્ન વિશે વિચારો છો એ ખૂબ સારી બાબત છે. તેમના જીવનમાં અમુક ચીજ થઈ તો મારા જીવનમાં પણ એવું જ થશે એવું ધારી લેવું એ નરી મૂર્ખાઈ છે. જેમ બધા ધંધો કરનારા ધીરુભાઈ અંબાણી નથી બની જતા એમ બધા ધંધો કરનારા ખોટ કરીને કરજમાં પણ નથી ડૂબી જતા. વ્યક્તિ પોતાની સમજણ, સૂઝબૂઝ અને પુરુષાર્થ મુજબ પામે છે અથવા ગુમાવે છે.

કોઈ બાબતે જ્યારે આપણે નિર્ણય લેવાનો હોય ત્યારે સૌથી પહેલો સવાલ મને પોતાને શું જોઈએ છે એ કરવો જોઈએ. બીજી કોઈ વ્યક્તિના ડિવૉર્સ થાય એનાથી તમારા નિર્ણયમાં શા માટે ફરક પડે? બીજી કોઈ વ્યક્તિને લગ્ન ન કરવાં હોય એનાથી તમારી ઇચ્છાઓ કેમ બદલાઈ જાય છે? ટૂંકમાં કહીએ તો, કોઈ લગ્ન ન કરે, કરે કે પછી ડિવૉર્સ લે એ બધાની સાથે તમારી જિંદગીના નિર્ણયને કોઈ ફરક ન પડવો જોઈએ. તમારે અલ્ટિમેટલી કેવી જિંદગી જીવવી છે એ તમારે પોતે નક્કી કરવાનું છે.

એક વાત યાદ રાખજો કે લગ્ન કરો કે ન કરો, જીવનમાં સમસ્યાઓ તો આવવાની જ છે. વ્યક્તિને સંબંધોની હૂંફ જોઈતી હોય તો પરસ્પરને સમજવાની અને બાંધછોડ કરવાની તૈયારી રાખવી જ પડે અને જો એકલપંડે જિંદગી વિતાવવાનું નક્કી કરવું હોય તો પછી પાછલી વયે કદાચ કોઈનોય સાથ નહીં હોય એટલે એ વિશે વિચારી લેવું જોઈએ. જે છોકરાઓ અત્યારે તમારી સાથે ફરવા ઇચ્છે છે તેઓ અમુક ઉંમર પછી નહીં જ હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK