ગર્લ્ડફ્રેન્ડને કારણે બરબાદ થયો ને હવે કોઈ મારી સાથે વાત કરવા તૈયાર નથી, શું કરં?

Published: 10th September, 2012 06:13 IST

હું ૧૯ વર્ષનો છું. છેલ્લા એક વરસમાં મારી જિંદગીમાં ખૂબ મોટા ઉતારચડાવ આવી ગયા.(સવાલ સેજલને - સેજલ પટેલ)


સવાલ : હું ૧૯ વર્ષનો છું. છેલ્લા એક વરસમાં મારી જિંદગીમાં ખૂબ મોટા ઉતારચડાવ આવી ગયા. પહેલાં હું ભણવામાં એકદમ અવ્વલ હતો અને રંગીન મિજાજી પણ હતો એટલે મારી આસપાસ ફ્રેન્ડ્સનું ટોળું જામેલું રહેતું. હું મ્યુઝિક અને અન્ય ઍક્ટિવિટીઝમાં પણ ખૂબ આગળપડતો હતો. હતો એટલા માટે કે અત્યારે મારી પાસે આમાંનું કશું નથી. કૉલેજના ફસ્ર્ટ યરમાં મારી એક ગર્લફ્રેન્ડ હતી ને એની પાછળ મેં મારી કરીઅર અને શોખ બધું જ ભુલાવી દીધું. હંમેશાં ક્લાસમાં ફસ્ર્ટ ફાઇવમાં આવનારો હું સેકન્ડ યરમાં ફેલ થયો છું. એ બધા ઉપરાંત મારી ગર્લફ્રેન્ડે મને દગો દીધો ને છોડીને જતી રહી. આ બધાથી હું ખૂબ જ ડિસ્ટર્બ અને હર્ટ છું. છેલ્લા કેટલાય વખતથી હું ગર્લફ્રેન્ડને કારણે મારા અન્ય ફ્રેન્ડ્સને ઇગ્નોર કરતો હતો, હવે જ્યારે મારા જૂના ફ્રેન્ડ્સની પાસે જાઉં છું તો જાણે મને ઓળખતા જ નથી એમ વર્તે છે. મારી પાસે કશું જ નથી રહ્યું. ભણવામાં ભોપાળું મારવાને કારણે પ્રોફેસર્સનો પણ પેટ રહ્યો નથી. કૉલેજમાં બધા મને રોમિયો કહીને બોલાવે છે. પહેલાં રૉકસ્ટાર હતો ને હવે કોઈ પૂછતું પણ નથી. બધા નસીબના ખેલ છે. મારા સારા દિવસો હતા ત્યારે બધા મારી ફ્રેન્ડશિપ રાખવા ઇચ્છતા હતા ને હવે ખરાબ દિવસોમાં મારી સાથે વાત કરવામાં પણ તેમને નાનમ લાગે છે. ખૂબ ડિપ્રેશન આવે છે. શું કરું?

- દાદર

જવાબ : તમે જાણો છો કે હંમેશાં ઊગતા સૂરજની જ પૂજા થાય છે, પરંતુ એ સ્વીકારતાં તકલીફ પડે છે; બરાબરને? પ્રેમમાં પાગલ બનીને તમે ભણતર બગાડ્યું અને મિત્રો પણ ગુમાવ્યા. આ બધાનો તમને આઘાત હશે જ, એમાં વળી આસપાસના લોકોનું વર્તન તમને શાતા આપવાને બદલે વધુ ને વધુ વિચલિત કરી રહ્યું છે. એક વાત સદાય યાદ રાખવા જેવી હોય છે. જ્યારે પણ આપણને લોકોના વર્તનથી તકલીફ થાય છે ત્યારે એનો કોઈ ઉકેલ નથી હોતો. આપણે તેમના વર્તનને પચાવતાં શીખવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. લોકોએ તમારી સાથે કેવું વર્તન કરવું એ તમે ક્યારેય કન્ટ્રોલ નથી કરી શકવાના. તેઓ તમારી સાથે ગમે તે રીતે વર્તે, એનાથી તમારા મૂડ પર અસર ન થાય એ શીખવું જરૂરી છે. તેઓ તમારી આગળ-પાછળ ફરે અને મોટા ભા બનાવે ત્યારે ફુલાવું નહીં તેમ જ અવગણના કરે ત્યારે દુ:ખી થવું નહીં. જો આટલું કરતાં આવડી જશે તો દુ:ખ નહીં થાય.

બીજું, અત્યારે લોકો તમારી સાથે કેવી રીતે વર્તે છે એના કરતાં આ પરિસ્થિતિમાં તમે કેટલી હિંમત અને સૂઝબૂજથી કામ લો છો એ અગત્યનું છે. જે કંઈ ગુમાવ્યું છે એ ફરી ઊભું થાય એ માટે મન દઈને મહેનત કરવા લાગી જવું એ જ એકમાત્ર ઉકેલ છે. એક વરસમાં ફેલ થયા છો, પણ ફરી ભણવામાં મહેનત કરીને ખોયેલી પ્રતિભા પાછી મેળવી લો. જો આ કટોકટીમાંથી તમે સફળતાપૂર્વક બહાર આવી ગયા તો ફરી લોકો તમને પૂછતા આવશે એની નવાઈ નથી. એ વખતે જરૂર યાદ રાખજો કે તેઓ તમારા નહીં, તમારી ચડતીને કારણે તમારી આસપાસ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK