ગર્લફ્રેન્ડના તેની બેસ્ટ ફ્રેન્ડ સાથેના ઝઘડાના કારણે અમારા સંબંધો ખતરામાં છે, શું કરું?

Published: 6th September, 2012 06:04 IST

છેલ્લા છ મહિનાથી હું મારી ઑફિસની એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. તેની બેસ્ટ ફ્રેન્ડ અમારી કૉમન ફ્રેન્ડ છે જેના થકી અમે મળેલાં. હમણાં તેને કારણે અમારી વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં એ બન્ને વચ્ચે એક કામ બાબતે ઝઘડો થયો.

girlfriend-fight(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : છેલ્લા છ મહિનાથી હું મારી ઑફિસની એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. તેની બેસ્ટ ફ્રેન્ડ અમારી કૉમન ફ્રેન્ડ છે જેના થકી અમે મળેલાં. હમણાં તેને કારણે અમારી વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં એ બન્ને વચ્ચે એક કામ બાબતે ઝઘડો થયો. શરૂઆતમાં વાત નાની હતી, પણ બન્નેની નાદાનિયતને કારણે વાત વધુ ને વધુ વકરતી જ ચાલી. ત્રણ-ચાર દિવસ સુધી તેમની વચ્ચે અબોલા ચાલ્યા ને તેઓ લિટરલી કૅટ ફાઇટ કહેવાય એ રીતે લડી રહી હતી. શરૂઆતમાં તો મેં તેમના ઝઘડામાં પડવાનું ટાળેલું ને તમે બન્ને જ ફોડી લો એમ કહીને હાથ ઊંચા કરી દીધેલા, પણ ખબર નહીં કેમ પણ મારી ગર્લફ્રેન્ડે મને કહ્યું કે તેને કારણે હવે હું પણ તેની સાથે વાતચીતનો સંબંધ ન રાખું. મને એ યોગ્ય ન લાગ્યું. વાત નાની હતી ને તેમના બન્ને વચ્ચેની હતી, મારે શા માટે એને કારણે મારી ફ્રેન્ડશિપ તોડવી? એમાંય જ્યારે મને આખાય ઇશ્યુ વિશે ખબર પડી એ પછી તો મને મારી જ ગર્લફ્રેન્ડ પર ગુસ્સો આવેલો. તેણે પોતાની નોકરી બચાવવા માટે થઈને ખોટું બોલેલું જેને કારણે અમારી કૉમન ફ્રેન્ડને તેના બૉસ તરફથી ખૂબ સાંભળવું પડેલું અને શો-કૉઝ નોટિસ મળેલી. એવું તો ન જ હોય કે પોતે ખોટું કરવું ને પછી તેની જ સાથે ઝઘડો કરીને બમણો અન્યાય કરવો. બધી વાત જાણ્યા પછી મને આ ઇશ્યુમાં મારી કૉમન ફ્રેન્ડ સાચી છે એવું લાગ્યું એટલે ગર્લફ્રેન્ડના કહેવા પ્રમાણે મને તેની સાથે સંબંધો પૂરા કરવાનું જરાય ઠીક ન લાગ્યું. ઇનફૅક્ટ મેં તો તેને એટલે સુધી કહ્યું કે તારી ભૂલ માટે પેલી પાસે હું માફી માગવા તૈયાર છું. હવે તેણે જીદ પકડી છે કે હું તેની સાથે બોલવાનું બંધ કરું તો જ અમારા સંબંધો ટકશે. મારે શું કરવું એ નથી સમજાતું.

- કાંદિવલી

જવાબ : તમે ધર્મસંકટમાં ફસાયા છો. સાચું બોલો અને સાચું કરો તો ગર્લફ્રેન્ડ છૂટી જાય ને ગર્લફ્રેન્ડને સારું લગાડવા ખોટાનો સાથ આપો તો સાચી વ્યક્તિને અન્યાય કર્યાનો દિલમાં ખટકો રહી જાય. હવે તમારે એ નક્કી કરવાની જરૂર છે કે તમને તમારી ગર્લફ્રેન્ડ વધુ વહાલી છે કે તમારો અંતરાત્મા.

એ બે છોકરીઓ વચ્ચે શું ઇશ્યુ હતો એ વિગતે નથી કહ્યો, પણ એક વાત સમજાય છે કે તમારી ગર્લફ્રેન્ડ પોતાના સ્વાર્થ માટે થઈને કંઈ પણ કરી શકે એમ છે. પોતાની નોકરી બચાવવા જે વ્યક્તિ પોતાની બેસ્ટ ફ્રેન્ડને મુસીબતમાં મૂકી દઈ શકે છે તે કંઈ પણ કરી શકે છે એટલું જ નહીં, તેના ખોટામાં તમે સાથ ન આપો તો તમને છોડી દેવાની ધમકી પણ આપે છે એ પરથી અનુમાન લગાવી શકાય કે તેને સંબંધોનું મૂલ્ય નથી. આજે તમે તેના જુઠ્ઠાણાને સાચવી લેશો તો આવનારા દિવસોમાં તેની આવી ખોટી આદતો અને જીદને તમારે પોષ્યા કરવી પડશે.

મને એવું લાગે છે કે તેને સાચી વાત શીખવવા માટે થઈને પણ તમારે તેને સાથ ન આપવો જોઈએ. અલબત્ત, એ પછીયે જો તે તમારી સાથે રહેવા માગતી હોય તો તેની આ આદતને સુધારવામાં જરૂર મદદ કરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK