રોજ પર કામ કરું છું અને મેં એક હૉરર વાર્તા લખી છે, એની ફિલ્મ બનાવવા શું કરવું?

Published: 4th September, 2012 05:42 IST

હું ૩૨ વર્ષનો પરિણીત છું. સિવિલ વર્કનું મારું કામકાજ છે. મારા ધંધામાં સમસ્યા એ છે કે કામ મળે ત્યારે લેબર ન હોય અને લેબર હોય ત્યારે કામ ન હોય.

(સવાલ સેજલને - સેજલ પટેલ) 

સવાલ : હું ૩૨ વર્ષનો પરિણીત છું. સિવિલ વર્કનું મારું કામકાજ છે. મારા ધંધામાં સમસ્યા એ છે કે કામ મળે ત્યારે લેબર ન હોય અને લેબર હોય ત્યારે કામ ન હોય. લેબર અને કામ બન્ને હોય ત્યારે ઘરધણી કે આર્કિટેક્ટ પૈસા માટે રખડાવે. આ બધાથી કંટાળીને છેલ્લાં સાત વરસથી રોજ એટલે કે હાજરી પર કામે જાઉં છું. એમાં પણ રામભરોસે જ ગાડું ચાલે છે.

હવે મુદ્દાની વાત એ છે કે આજથી દોઢ વર્ષ પહેલાં મેં એક હૉરર ફિલ્મની સ્ટોરી લખી છે. એના પર સરસ ફિલ્મ બની શકે એમ છે. બહેન, મારે મારી આ સ્ટોરી ફિલ્મના કોઈ પ્રોડ્યુસર કે ડિરેક્ટરને આપવી હોય તો શું કરવું જોઈએ? મારા એક મિત્રે મને કહ્યું કે ફિલ્મની સ્ટોરીનું પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડે. એ રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરવાનું હોય તેમ જ ફિલ્મ બનાવવા બીજું શું કરવું પડે એ બાબતે મને કંઈ જ ખબર નથી. મારી ફિલ્મની સ્ટોરી પ્રોડ્યુસર કે ડિરેક્ટરને પસંદ આવે તો મારે એના કેટલા પૈસા લેવા અને કઈ રીતે ડીલ કરવી? વિગતવાર બધી જ બાબતો જણાવશો.

- દહિસર

જવાબ : ફિલ્મો રૂપાળી અને મનોરંજક દેખાય છે, પણ ખરેખર એને બનાવવાનું કામ એટલું મનોરંજક નથી હોતું. તમે ફિલ્મમેકિંગ બાબતે કોઈ ગુલાબી કલ્પનાઓમાં રાચતા હો એવું લાગે છે. ફિલ્મની સ્ટોરી લખવી એટલી સહેલી નથી. તમે આ સવાલ પૂછવા માટે જે પત્ર લખ્યો છે એમાં પણ તમારા મનની વાત સ્પષ્ટ અને શુદ્ધ વાક્યોમાં વ્યક્ત નથી કરી. તમારાં ત્રૂટક વાક્યોને જોડીને અહીં સવાલ બનાવવો પડ્યો છે. કહેવાનો મતલબ એ છે કે ફિલ્મની સ્ટોરી લખવા માટે માત્ર કલ્પનાશીલતાની જ જરૂર નથી, એક ઍવરેજ વ્યક્તિ કરતાં અનેકગણી સ્પષ્ટ અને ધારદાર અભિવ્યક્તિની પણ જરૂર પડે છે.

આ બધું તમને નાસીપાસ કરવા માટે નથી કહ્યું, પણ તમે ખોટાં સપનાંઓમાં રાચવાનું બંધ કરીને જીવનની વાસ્તવિકતાઓને સમજી શકો એ માટે તમારે આ સમજવું જરૂરી છે. ફિલ્મની સ્ટોરી રજિસ્ટર્ડ કરાવવાની કે પછી એનું વળતર કેટલું મળી શકે એ બાબતે વિચારવાને બદલે તમારે પહેલાં તો તમારી સ્ટોરી કેવી છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. દરેક માને પોતાનું બાળક વિશ્વનું સૌથી સુંદર બાળક લાગતું હોય છે. એ ન્યાયે તમને તમારી હૉરર સ્ટોરી સારી જ લાગશે, પણ બીજા સામાન્ય લોકોને એ કેવી લાગે છે એ બાબતે મંતવ્ય લો. ભાષાના જાણકાર હોય અને તમને સાચો ઓપિનિયન આપી શકે એવા બે-પાંચ મિત્રોને તમારી વાર્તા બતાવો. જો તેમને ગમે તો કોઈ મૅગેઝિન કે છાપામાં તમારી વાર્તા મોકલો. જો ખરેખર તમારી વાર્તા આઉટસ્ટૅન્ડિંગ હશે તો જરૂર એ લોકો છાપશે. ફિલ્મની સ્ટોરી લખતાં પહેલાં નાની-મોટી નવલિકાઓ પર હાથ અજમાવો ને વારાફરતી પગથિયું ચડો.

અને હા, એક ખૂબ જ અગત્યની વાત. ફિલ્મના ચક્કરમાં તમારું કામ ન અટકાવતા. એમાં દિલ દઈને કામ કરો, કેમ કે કુટુંબનું ભરણપોષણ તમારી પહેલી જવાબદારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK