દીકરીને વહેંચીને વાપરવાના સંસ્કાર આપ્યા હોવા છતાં કોઈ ખાસ ફરક નથી, શું કરું?

Published: 31st August, 2012 06:23 IST

    મારે પાંચ વરસની દીકરી છે. એકનું એક સંતાન હોવાથી પહેલેથી જ ખૂબ લાડકોડથી ઊછરી છે. જોકે મને લાગે છે કે એને કારણે તેને વહેંચીને ખાવા-વાપરવાની જરાય આદત નથી. કદાચ આજના સિંગલ બાળકના જમાનામાં મોટા ભાગનાં માબાપની આ સમસ્યા હશે.

mom-single(સવાલ સેજલ - સેજલ પટેલ)

સવાલ : મારે પાંચ વરસની દીકરી છે. એકનું એક સંતાન હોવાથી પહેલેથી જ ખૂબ લાડકોડથી ઊછરી છે. જોકે મને લાગે છે કે એને કારણે તેને વહેંચીને ખાવા-વાપરવાની જરાય આદત નથી. કદાચ આજના સિંગલ બાળકના જમાનામાં મોટા ભાગનાં માબાપની આ સમસ્યા હશે. દેખીતી રીતે એ બહુ મોટી ન લાગે, પણ મોટા થયા પછીયે એકલપેટાપણું વિકસે એ ઠીક તો ન જ કહેવાયને? તે નાની હતી ત્યારથી બીજાં બાળકો સાથે પોતાની ચીજો શૅર કરતાં શીખવું છું, પણ એ ખૂબ અઘરું પડી રહ્યું છે. આપણે એવું કહીએ છીએ કે નાનાં બાળકોને બાળપણથી જ શૅરિંગ શીખવવું જોઈએ, પણ કેવી રીતે શીખવવું એ અઘરું છે. તેને સારું જ્ઞાન અને સંસ્કાર મળે એ માટે અમે તે નાની હતી ત્યારથી તેના હાથે ગરીબોને કંઈક ને કંઈક દાન અપાવતા. જોકે હવે તે સ્કૂલમાં આવી છે ત્યારે તેને પોતાનાં ટૉય્ઝ કે ખાવાની ચીજ તેના ફ્રેન્ડ્સ સાથે વહેંચવાનું નથી ગમતું. તે હંમેશાં પોતાનાં રમકડાં તો લઈ જ લે છે, બીજાનાં રમકડાં પણ ખેંચીને મેળવી લેવાની જીદ કરે છે. ક્યારેક ખિજાઈને આપણે તેના હાથમાંથી રમકડાં લઈને બીજા બાળકને રમવા આપીએ તો તે મોટો ભેંકડો તાણે અને પછી આપણા પરની દાઝ કાઢવા બીજાં રમકડાંથી પણ રમે નહીં. પહેલાં આવું નહોતું, હવે કેમ એવું કરતી હશે?

 - બોરીવલી  

જવાબ : સૌથી પહેલાં તો એક ભ્રમણા આપણે સૌએ કાઢી નાખવી જોઈએ કે બાળકને આપણે શીખવીએ તો જ તે શીખે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણા શીખવ્યા વિના જ આપણું વર્તન જોઈને બાળક આપમેળે શીખી જતું હોય છે. તમારી દીકરી સાવ નાની હતી ત્યારે તેને પોતાની ચીજો બીજાને આપવામાં કોઈ વાંધો નહોતો, પણ હમણાંથી તે રમકડાં અને ખાવાપીવાની ચીજો શૅર નથી કરતી એ એક સ્વાભાવિક પરિવર્તન છે.

તમારી દીકરી હજી પાંચ વર્ષની છે. માંડ કેજીમાં ભણતી હશે ને દિવસના અમુક કલાકો મમ્મી અને ઘરથી દૂર ટીચર્સ અને ફ્રેન્ડ્સની સાથે રહેવાનું હમણાં જ ચાલુ થયું હશે, બરાબરને? ઘરમાં રહેતી હતી ત્યારે તે ઘરની તમામ ચીજોની માલિક હતી, પણ હવે સ્કૂલમાં ગયા પછી તારું-મારું શીખવા મળ્યું. આ મારું નથી તેથી ન લેવાય એવું પણ આપણે બાળકોને શીખવવું પડે છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે કોઈ પણ ચીજ વહેંચતી વખતે પહેલાં તેને કોઈ પણ ચીજ મારી પોતાની છે એવી ફીલ આવે એ જરૂરી છે. શું આપણે આટલા મોટા થયા છીએ છતાં આપણને ખૂબ જ ગમતી હોય એવી સાડી દેરાણી કે નણંદને એમ જ આપી દઈ શકીએ છીએ? તો આ તો બાળમન છે. તેને ગમતી ચીજો પાસે રાખવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમે દબાણ કરશો તો તેની ચીજો માટેની અસલામતી વધતી જશે. એને બદલે શીખવવું હોય તો તમે પોતે તેની સામે દરેક ચીજ વહેંચીને વાપરો. કેટલીક ચીજો શીખવવાનો સમય હોય છે એમ કેટલીક ચીજો ન શીખવવાનો પણ સમય હોય છે એ યાદ રાખો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK