ઑફિસના સહકર્મચારી સાથે શારીરીક સંબંધો બંધાયા ને હવે તે લગ્ન કરવા તૈયાર નથી, શું કરું?

Published: 27th August, 2012 05:44 IST

      હું ૨૬ વર્ષની વર્કિંગ વુમન છું. કૉલેજમાં એક-બે સંબંધો હતા, પણ એ ઉપરછલ્લા હતા. મારી ઇચ્છા હતી કે મને કોઈ એકદમ રૉમેન્ટિક રાજકુમાર મળે, પણ એવું સપનું ક્યારેય પૂરું ન થયું.

one-side-love(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૬ વર્ષની વર્કિંગ વુમન છું. કૉલેજમાં એક-બે સંબંધો હતા, પણ એ ઉપરછલ્લા હતા. મારી ઇચ્છા હતી કે મને કોઈ એકદમ રૉમેન્ટિક રાજકુમાર મળે, પણ એવું સપનું ક્યારેય પૂરું ન થયું. છેક જૉબ કરવાનું શરૂ કર્યું એ પછી ઑફિસમાં એક ફ્રેન્ડ મારી ખૂબ કાળજી રાખવા લાગ્યો. હું પણ તેના પ્રત્યે ખેંચાતી જતી હતી. અમે બન્ને એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હોવાથી અમારા પ્રોજેક્ટ્સ પણ સાથે જ ચાલતા હતા. લગભગ દિવસના ૯ કલાક અમે સાથે ગાળતાં અને એ દરમ્યાન તે મારી ખૂબ જ કૅર કરતો અને અમે હસી-મજાક પણ ખૂબ કરતાં. એક વાર કામસર અમારે બન્નેએ સાથે પુણે જવાનું થયું. ત્યાં લગભગ ૪ દિવસનો સ્ટે હતો. એ દરમ્યાન અમારી નજદીકી ક્યારે વધી ગઈ એની ખબર જ ન પડી. અમે ભાન ભૂલીને ફિઝિકલ થઈ ગયાં. તે ખૂબ પૅશનેટ અને પ્રેમાળ હતો અને હું તો તેના પ્રેમમાં નાહીને જાણે ધન્ય થઈ ગઈ હોઉં એવું ફીલ કરવા માંડેલી. ૪ દિવસ પછી અમે પાછાં આવ્યાં ત્યારે મેં તેની સાથે લગ્ન વિશે તે શું વિચારે છે એની વાત કરી ત્યારે જે જાણ્યું એનાથી મારા પગ તળેથી ધરતી સરકી ગઈ. તે ઑલરેડી બીજી છોકરીના પ્રેમમાં છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાનો છે. તો તેણે મારી સાથે પુણેમાં કરેલું એ શું હતું? એવું જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે સાદો જવાબ આપ્યો કે એ તો બન્નેની મરજીથી થયેલું. એ પહેલાં કોઈ લગ્નનું કમિટમેન્ટ પણ નહોતું. હું કેટલી ડફોળ છું કે તેના વન નાઇટ સ્ટૅન્ડને હું પ્રેમ સમજતી રહી અને તેને હજીય કોઈ ફરક નથી પડતો. હવે મને તેની સાથે વાત કરવામાં પણ તકલીફ પડે છે. તેની સાથે કામ કરવાનું મારે માટે ખૂબ કપરું બની ગયું છે. પુરુષો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. એકલી પડું એટલે આંખમાંથી આંસુ વહ્યા જ કરે છે. શું કરું?

- ગોરેગામ

જવાબ : રડવાથી હળવાશ અનુભવાતી હોય તો મન થાય એટલું રડી લેવું. જોકે એ પછી વાસ્તવિકતાનો સ્વીકાર કરવા કાળજું કઠણ કરવું જ પડશે. પ્રેમમાં હોઈએ ત્યારે ઘણીબધી ચીજો ધારી લેવાનું મન થાય છે. ઠીક છે, જાગ્યા ત્યારથી સવાર. જે ભૂલ અજાણતાંમાં થઈ ગઈ એ હવે ભ્રમ દૂર થયા પછી ફરી ક્યારેય ન કરી બેસો એટલું ધ્યાન ચોક્કસ રાખવું.

તમારે માટે કદાચ જીવનનો આ સૌથી પીડાદાયક અનુભવ છે. કદાચ એટલે જ પુરુષો પરથી ભરોસો ઊઠી ગયો છે એવું તમે કહો છો. પુરુષો ફિઝિકલ ઇન્ટિમસી માગે એટલે લગ્ન કરવા ઇચ્છે છે એવું તમે ધારી લીધું, પણ ખરેખર એવું નથી હોતું. તમે કોઈ સ્પષ્ટતા કર્યા વિના જ ધારણાઓ બાંધી લીધી એટલે જે કાંઈ થયું એમાં તમે પણ ફિફ્ટી પર્સન્ટ ભાગીદાર હતાં જ. હું તો માનું છું કે આ બાબતમાં પોતાની સેફ્ટી ઇચ્છતી વ્યક્તિએ અડધોઅડધ નહીં, પૂરી ૧૦૦ ટકા જવાબદારી લેવાની તૈયારી હોય તો જ આગળ વધવું. તમે બીજા કોઈ પણ સંબંધમાં આવો ત્યારે આ બાબત અચૂક યાદ રાખજો. પુરુષો વિશ્વાસપાત્ર નથી એવું કહી દેવું અને ભૂલોનો ટોપલો તેમના માથે નાખી દેવો સહેલો છે, પરંતુ ભૂલો ન થાય એની તમામ જવાબદારી પોતાના માથે લઈને હવે પછી કોઈ પણ ફ્રેન્ડશિપમાં આગળ વધશો તો જરૂર સાચી દિશા મળશે. આવા સંબંધો વિશ્વાસના પાયા પર રચાશે અને લાંબા ગાળે સંતોષકારક પણ હશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK