લોન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં ગેરસમજ થાય તો શું કરવું?

Published: 24th August, 2012 06:43 IST

    હું ૨૭ વર્ષનો છું. એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર હું એક છોકરીને મળેલો. તેની સાથે પહેલાં દોસ્તી થઈ ને પછી મેં તેને પ્રપોઝ કર્યું.

love-distence(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૭ વર્ષનો છું. એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર હું એક છોકરીને મળેલો. તેની સાથે પહેલાં દોસ્તી થઈ ને પછી મેં તેને પ્રપોઝ કર્યું. છેલ્લાં ત્રણ વરસથી અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. ચૅટિંગ થ્રૂ સંબંધો બંધાયેલા, પણ એ પછી તો રોજ દિવસમાં ત્રણેક કલાક વાતચીત થતી. હું મુંબઈનો છું ને તે બૅન્ગલોરમાં. ત્યાં તે એકલી રહે છે ને તેના પેરન્ટ્સ હૈદરાબાદ પાસેના એક ગામમાં રહે છે. મેં પ્રપોઝ કર્યું પછી તેણે થોડોક સમય માગેલો. એ વખતે હું તેને મળવા બૅન્ગલોર પહોંચી ગયો. ત્યાં હું બે દિવસ રોકાયેલો ને અમે સારુંએવું સાથે ફયાર઼્ ને તેણે હા પાડી દીધી. આ વાતને લગભગ વરસ થઈ ગયું છે. કરીઅર પહેલાં હોવાથી અમને લગ્નની કોઈ ઉતાવળ નથી. હા અમે મહિનામાં એકાદ વાર તો મળી જ લઈએ છીએ. જોકે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેનું વર્તન બદલાયેલું લાગે છે. તે ખૂબ ઓછો સમય વાત કરે છે ને મળવાનું પણ ટાળે છે. વાત કરે ત્યારે પણ પહેલાં જેવી હૂંફ નથી વર્તાતી. બીજી તરફ મારી હાલત કફોડી છે. હું તેના વિચારોમાં એટલો ખોવાઈ જાઉં છું કે ક્યાં ઊભો છું, ક્યાં બેઠો છું, શું કરું છું એ બધાનું ભાન ભૂલી જાઉં છું. હું તેને આવું કહું ત્યારે તે હસી નાખે છે ને કહે છે કે કામમાં મન પરોવ, અત્યારે આપણે કરીઅર બનાવવાની છે. ક્યારેક મને થાય છે કે તે કરીઅરને નામે મને અવૉઇડ તો નહીં કરતી હોયને? જો તે ખરેખર તેની કરીઅર માટે જ અતિવ્યસ્ત રહેતી હોય તો મને એનો જરાય વાંધો નથી, પરંતુ લૉન્ગ ડિસ્ટન્સને કારણે તેના મનમાં ખરેખર શું છે એ સમજી નથી શકાતું. જ્યારે તેને મારી લાગણીઓની કદર ન હોય ત્યારે મને હર્ટ તો થાય જને? લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં આવી ગેરસમજ થાય એનું શું કરવું?  

- સાયન  

જવાબ : જ્યારે પણ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ લાંબી ચાલે ત્યારે કોઈક ને કોઈક તબક્કે ઓછા કમ્યુનિકેશનને કારણે આવી ગેરસમજો થવાની સંભાવના વધી જાય છે. તમે ત્રણ વર્ષથી મિત્રો છો. મળીને એકબીજાને જોઈ લીધાં છે એ સારું છે, પરંતુ તમે એક જ વાર મળ્યાં છો. કોઈ સંબંધને આગળ લઈ જવો હોય તો તમારી મળવાની ફ્રીક્વન્સી ઓછી તો કહેવાય જ.  

મને લાગે છે કે તમારા મનમાં જે ગડમથલ ચાલે છે એને દૂર કરવા માટે ફરી એક વાર મળી લેવું જરૂરી છે. ફોન પર ટુકડે-ટુકડે થતી વાતોમાં આખી પરિસ્થિતિનો અંદાજ લગાવવો ખરેખર અઘરો છે. તમે જેમ પહેલાં મળવા જતા હતા એમ એકાદ-બે દિવસ માટે ફરી બૅન્ગલોર પહોંચી જાઓ. તેને ફુરસદ હશે કે નહીં એ નક્કી કરીને જજો. શાંતિથી તેની કરીઅર વિશે વાત કરો. તેના ભવિષ્યના પ્લાનિંગ વિશે વાત કરો. આ બધું કરવાથી તમને સમજાઈ જશે કે ખરેખર હકીકત શું છે. જો તે તમારા સિવાય બીજું કંઈક વિચારતી હશે તો તેના વર્તન અને રિસ્પૉન્સ પરથી કળી શકાશે. ખાલી ધારણાઓ કરવા કરતાં આ વિશે તેને જ પૂછી લો તો સાચા જવાબ મળી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK