પોતાનું ઘર ન હોવાથી ગર્લફ્રેન્ડના પેરન્ટ્સ લગ્નની ના પાડે છે, શું કરું?

Published: 21st August, 2012 06:01 IST

    મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં. એવી જ હાલત મારી છે. અત્યારે કાકાને ત્યાં રહીને અહીં નોકરી કરું છું. મારી ઉંમર ૨૫ વરસ છે ને છેલ્લાં પાંચ વરસથી અહીં છું. હવે તો સારી નોકરી છે ને ટૂંક સમયમાં બચતમાંથી હું મારો પોતાનો ધંધો કરવાનું પણ વિચારું છું.

boy-marriage-depress(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં. એવી જ હાલત મારી છે. અત્યારે કાકાને ત્યાં રહીને અહીં નોકરી કરું છું. મારી ઉંમર ૨૫ વરસ છે ને છેલ્લાં પાંચ વરસથી અહીં છું. હવે તો સારી નોકરી છે ને ટૂંક સમયમાં બચતમાંથી હું મારો પોતાનો ધંધો કરવાનું પણ વિચારું છું. મારા માટે અત્યાર સુધીમાં ચાર માગાં આવી ગયાં; પણ બધાએ ના પાડી દીધી, કેમ કે મારી પાસે મુંબઈમાં ઘર નથી. મારા ગામની છોકરીઓ પરણવા તૈયાર છે; પણ એય હું ગામ જાઉં તો જ, મુંબઈમાં નહીં. હમણાં મારી જ જ્ઞાતિની સગાએ દેખાડેલી એક છોકરી મને પસંદ આવી ગઈ છે ને તેને પણ હું પસંદ છું. જાણે અરેન્જ્ડ લવ થયો છે એમ કહું તોય ચાલે. જોકે એમાંય તેના પેરન્ટ્સ તરફથી એ જ માગણી છે કે મુંબઈમાં ઘર ન હોય તો લગ્ન નહીં. પેલી છોકરી તો ભાગીનેય લગ્ન કરવા તૈયાર છે, પણ મારે નાહકની બદનામી નથી વહોરવી. હવે તો મારી પાસે એક જ રસ્તો રહ્યો છે કે કાં પાછા વતન જતા રહેવું કાં મુંબઈમાં પોતાનું ઘર લેવું. જો ઘર માટે બચત વાપરી લઈશ તો ધંધો નહીં કરી શકું. આ બધામાં કોને પ્રાયોરિટી આપવી એ સમજાતું નથી. એક તરફ વિચાર આવે છે કે ગામ જતો રહીશ તો મારો વિકાસ અટકી જશે ને અહીં રહીશ તો મારાં લગ્ન આ છોકરી સાથે નહીં થાય ને જો ઘર લઈને અહીં સેટ થઈ જઈશ તો ધંધા માટેની બચત કરવા બીજાં ચાર વરસ નોકરીમાં કાઢવાં પડશે. બેઉ બાજુથી મારી તો સૂડી વચ્ચે સોપારી જેવી જ હાલત છે. શું કરવું?

-થાણે

જવાબ : તમે જેટલી પણ છોકરીઓ જુઓ છો એ બધાની માગણી તમારું પોતાનું ઘર હોવાની છે એમાં કંઈ ખોટું નથી. પોતાની દીકરીની આર્થિક સલામતી દરેક મા-બાપ જુએ છે. જોકે તમે આ આખાય સંજોગોમાં એવું માની બેઠા છો કે કાં તો દેશમાં જતા રહેવું પડે કાં કુંવારા રહેવું પડે. આ અથવા પેલું બેમાંથી એક જ થઈ શકે એમ છે એવી મનની ગાંઠ છોડવાની જરૂર છે.

તમે પાંચ વરસથી કાકા સાથે રહો છો તો આજ નહીં તો કાલે ક્યારેક તો તમારે મુંબઈમાં પોતાનું ઠામ શોધવું જ પડવાનું છેને? તો શેની રાહ જુઓ છો? ધારો કે પોતાનું ઘર ન લઈ શકો એમ હો તો ભાડે પણ રહી શકો છો. લોકો તમને જે સવાલ કરે છે એને સ્ટેપિંગ સ્ટોન બનાવીને આગળ વધશો તો તમારો અંગત વિકાસ પણ થશે અને સમસ્યા પણ સૂલઝશે. મુંબઈમાં ઘર નથી એટલે દેશમાં જતા રહેવાનો નિર્ણય કરવો એ તો ભાગેડુવૃત્તિ કહેવાય. હજી તો તમારી કારકર્દિીની શરૂઆત થઈ રહી છે. તમે સપનું સેવશો કે તમારે કાકાને ત્યાંથી નીકળીને પોતાનું ઘર વસાવવું છે તો જરૂર એ સાકાર થઈ શકશે.

જીવનમાં આવી સમસ્યાઓ તો આવતી જ રહે, એમાં નાસીપાસ થઈ જાય એ નાપાસ થઈ જાય. સમાજ શું કહેશે એની ચિંતા છોડી દો. ને હવે તો તમારી કાબેલિયતમાં વિશ્વાસ મૂકીને તમને પસંદ કરનારી જીવનસાથી પણ મળી ગઈ છે ત્યારે વધુ મૂંઝાશો નહીં. ધંધો શરૂ કરો. ભાડે ઘર લો અને પરણી જાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK