પતિને ખુશ કરવા માટે હું તેને ગમતી ચીજો શીખું છું ને છતાં તેને એની કોઈ કદર નથી

Published: 10th August, 2012 08:53 IST

  હું ૨૭ વર્ષની છું. લગ્નને ચાર વરસ થયાં છે. મેં મારા હસબન્ડ માટે મારાથી થાય એટલું બધું જ કર્યું છે, પણ આખરે તો તેમના તરફથી મને નિરાશા જ મળે છે.

 

(સવાલ સેજલને- સેજલ પટેલ)


સવાલ : હું ૨૭ વર્ષની છું. લગ્નને ચાર વરસ થયાં છે. મેં મારા હસબન્ડ માટે મારાથી થાય એટલું બધું જ કર્યું છે, પણ આખરે તો તેમના તરફથી મને નિરાશા જ મળે છે. હું એક કરીઅર ઓરિયેન્ટેડ ગર્લ હતી. શરૂઆતમાં હું જૉબ પરથી મોડી ઘરે આવતી હોવાથી મારી સાસુને તકલીફો થતી હતી એટલે મેં પરિવારને મહત્વ આપીને જૉબ છોડી દીધી. એ પછી મારાં સાસુ જેઠને ત્યાં રહેવા જતાં રહ્યાં, પણ એ પછી પ્રેગ્નન્સીને કારણે ફરી જૉબ શરૂ ન કરી. હું કામ નહોતી કરી શકતી એટલે મૂડ ખરાબ રહેતો હતો એને કારણે અમારી વચ્ચે ઝઘડા પણ વધુ થતા હતા. મારું મિસકૅરેજ થઈ ગયું ને અમારી વચ્ચે તનાવ વધવા લાગ્યો. મારે કોઈ પણ રીતે આ મતભેદો ઘટાડવા હતા. અમારાં લગ્ન પહેલાં ઘણી વાર અમે મળીએ ત્યારે તે પાસ્તા બનાવી લાવવાનું કહેતા. મને બનાવતાં આવડતા નહીં એટલે હું મારાં ભાભી પાસે બનાવડાવીને લઈ જતી. મને એટલી ખબર હતી કે તેમને અવનવું ખાવું ભાવે છે ને મને બનાવતાં આવડતું નથી. જોકે તેમણે ક્યારેય મારી રસોઈ બાબતે ફરિયાદ નહોતી કરી છતાં મને લાગતું હતું કે મારે અમારી વચ્ચેનો તનાવ ઓછો કરવો હોય તો તેને ગમતી હોય એવી કોઈ ચીજ કરવી જોઈએ. એટલે મેં કુકિંગ ક્લાસ જૉઇન કર્યા ને અવનવું બનાવતાં શીખી. રૂટીન આઠ-દસ આઇટમ સિવાય આ પહેલાં મેં ક્યારેય એક્સપરિમેન્ટ્સ નહોતા કર્યા. શરૂઆતમાં તો બધું સારું થયું. તેને પણ ગમતું હતું. થોડા દિવસ પછી પાછું હતું એનું એ. હવે તે કહે છે કે આખો દિવસ કિચનમાં ભરાઈ રહેવાની જરૂર નથી. હું તેના માટે આ બધું શીખી, મહેનત કરીને અવનવું બનાવવા લાગી; પણ એની તેને તો જરાય કદર જ નથી. મને લાગે છે કે પતિઓ માટે કશું કૉમ્પþોમાઇઝ કરવું જ ન જોઈએ. તેમને ખુશ કરવા પત્નીઓ કેટકેટલું કરતી હોય છે, પણ તેમને એની કોઈ કદર જ નથી હોતી. અમારી વચ્ચે આજેય નાની-નાની બાબતે મતભેદો થયા જ કરે છે ને મને સમજાતું નથી કે આ સંબંધમાં મને શાંતિ ક્યારે મળશે?  

 

- વિલે પાર્લે

 

જવાબ : લગ્નસંબંધનાં સમીકરણો ખૂબ સંકુલ હોય છે. તમારી બે વ્યક્તિઓ વચ્ચે કેવાં ડાયનૅમિક્સ રચાય છે એનો એકદમ સ્પષ્ટ અંદાજ તો મને તમારા પત્ર પરથી નથી આવતો, પણ એટલું સમજાય છે કે ક્યાંક કમ્યુનિકેશન-ગૅપ છે. ક્યાં એ શોધવું પડશે ને એ માટે તમારે જ થોડીક વૈચારિક કસરત કરવી પડશે.

 

પતિ-પત્ની વચ્ચે જો સૌથી મોટી તકલીફ થતી હોય તો એ છે અસ્પષ્ટ અપેક્ષાઓ. ઘણી વાર પતિ શું ઇચ્છે છે એ તમને ખબર નથી હોતી, પણ તમે ધારી લો છો કે તેને અમુક વસ્તુ ગમે છે એટલે હું આવું કરીશ તો તેને ગમશે; પણ આપણી આ ધારણા જ ખોટી હોય એવું બની શકે? મતલબ કે તમે પતિને રીઝવવા માટે રસોઈ શીખ્યાં, પણ શું તમારી સાથેના મતભેદોમાં તમને રસોઈ નથી આવડતી એ ક્યારેય ઇશ્યુ હતો ખરો? તમે પતિને ગમતું કામ શીખ્યા એ સારું કામ કર્યું, પણ એનાથી તમારી મૂળભૂત સમસ્યા મટી જાય એ અપેક્ષા યોગ્ય નથી.

 

સહજીવનમાં બન્ને સાથીઓ એક છત હેઠળ રહે છે એટલું પૂરતું નથી. બન્ને પોતપોતાની અપેક્ષાઓ સ્પષ્ટ કરે એ ખૂબ જ અગત્યનું છે. તમે શું અપેક્ષા રાખો છો એ તમારે તેમને જણાવવી જરૂરી છે અને તેઓ શું અપેક્ષા રાખે છે એ તમારે પણ સમજવું જરૂરી છે. જ્યાં સુધી પરસ્પરની અપેક્ષાઓ બાબતે એક સમજણ નહીં બને ત્યાં સુધી આવી નાની-મોટી તકરારોનો અંત નહીં આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK