લગ્ન પછી ભણવા માટે થઈને ફૅમિલી પ્લાનિંગ પાછું ઠેલી શકાય કે પછી લગ્ન જ પાછા ઠેલવું?

Published: 9th August, 2012 05:20 IST

  મારી ઉંમર ૨૮ વર્ષ છે. પોસ્ટ-ગ્રૅજ્યુએશન પછી હું છેલ્લાં ચાર વર્ષથી જૉબ કરું છું. આગળ ભણીને હું એમાં પીએચડી કરવા માગું છું. એ માટે લગભગ ચાર વર્ષ લાગશે.

 

(સવાલ સેજલને - સેજલ પટેલ)

 

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. પોસ્ટ-ગ્રૅજ્યુએશન પછી હું છેલ્લાં ચાર વર્ષથી જૉબ કરું છું. આગળ ભણીને હું એમાં પીએચડી કરવા માગું છું. એ માટે લગભગ ચાર વર્ષ લાગશે. છેલ્લાં બે વર્ષથી હું એની એક્ઝામ આપતી હતી, પણ પાસ નહોતી થતી. આખરે પાસ થઈ ત્યારે લગ્નની વાતો ચાલી રહી છે. લવ-મૅરેજ હોવાથી  મારો ફિયાન્સે ખૂબ જ સમજુ, હાઇલી એજ્યુકેટેડ અને પૈસેટકે ખૂબ જ સુખી ઘરનો છે. તેને મારા આગળ ભણવા માટે કોઈ જ વાંધો નથી. જોકે હું અત્યારે એ કોર્સ જૉઇન કરું તો ભણવાનું ૩૨ વર્ષે પૂરું થાય. ત્યાં સુધી અમારે ફૅમિલી પ્લાનિંગ કરવાનું ટાળવું પડે. મારો ફિયાન્સે તો રેડી છે, પણ તેના પેરન્ટ્સને ખચકાટ છે. ઇનફૅક્ટ, મને પોતાને એમ લાગે છે કે જો હું ભણવાનું આગળ વધારીશ તો બાળકો અને એ બધું જ મોડું થશે. મને કંઈ જ સમજાતું નથી કે પહેલાં ઘર અને જવાબદારીને ગણવી કે મારા ભણવાના સપનાને. ફિયાન્સેનું કહેવું છે કે પરણ્યા પછી તું ભણી લે અને ભણ્યા પછી જ આપણે  બાળકો કરીશું. લગ્ન પછી તરત ફરીથી સ્ટુડન્ટ-લાઇફમાં પાછા જતા રહેવાનું તેના પેરન્ટ્સને ગમશે કે નહીં? સામાન્ય રીતે વહુ ઘરમાં આવે એટલે બધી જવાબદારી ઉઠાવી લે એવી માન્યતા હોય છે. શું એ બધું મને નહીં નડે? પીએચડી માટે મેં છેલ્લાં બે વર્ષથી ખૂબ જ મહેનત કરી છે. પીએચડી પછી મને ખૂબ સારી જૉબ પણ મળી શકશે. બીજી તરફ મારી મમ્મી તો કહે છે કે આમ જ ડિગ્રીઓ ભેગી કરવાનો મોહ રાખવી હોય તો પરણવાની વાત જ છોડી દે. મેં એ પણ વિચાર્યું, પણ મારે આજકાલની સિંગલ વર્કિંગ વુમન નથી બનવું કે જેના માટે કરીઅર જ બધું હોય. હું તો મારાં બાળકો સાથેનો પરિવાર માટેના પણ રંગીન સપનાં જોઈ રહી છું. પણ અત્યારે જે સ્થિતિ છે એમાંથી શું પસંદ કરવું એ સમજાતું નથી.  


- ગિરગામ


જવાબ : અત્યારે સવાલ છે કે પહેલાં લગ્ન કરવાં કે ભણવાનું પૂરું કરવું? એક વાર પીએચડી થઈ જશે પછી નવી સમસ્યા આવશે કે ડિગ્રીને તિજોરીમાં સાચવી રાખવી કે પછી ઊંચા હોદ્દાની નોકરી કરવી? ને પછી ત્રીજો સવાલ આવશે કે કરીઅર બનાવવી કે બાળકો પેદા કરવાં?


એક વાત ચોક્કસ છે કે સ્ત્રીઓ માત્ર અને માત્ર પોતાના જ વિશે વિચારીને જીવી નથી શકતી. તેમણે ઘર, બાળકો અને પરિવારની સ્થિતિને સમજવી પડે છે. એનો મતલબ એ જરાય નથી કે તમે ભણવાનું સપનું બાજુએ મૂકી લગ્ન કરીને બાળકોમાં વ્યસ્ત થઈ જાઓ. મારો કહેવાનો મતલબ એ જ છે કે તમારી આ અસમંજસ ટૂંક સમય માટેની નથી. કરીઅર ઑરિયેન્ટેડ યુવતીઓને કરીઅર કે પરિવાર એ બેમાંથી એકની પસંદગી કરવાની નોબત વારંવાર આવતી હોય છે. એવા સમયે વ્યક્તિએ ખૂબ જ બૅલેન્સ જાળવીને આગળ વધવું પડે છે. તમને માત્ર કરીઅર નથી બનાવવી, તમને પ્રેમાળ પરિવાર મેળવવાની પણ ઝંખના છે.


એવા સમયે વચગાળાનો વિકલ્પ શોધવો જોઈએ. લગ્ન પછી પહેલાં એક-બે વર્ષ તો આમેય તમને ભણવામાં વાંધો નહીં આવે. એ પછીથી પીએચડી કે અન્ય કોર્સને તમે પાર્ટટાઇમ આગળ ધપાવો. એમ કરવાથી તમે પરિવારની જવાબદારીઓ પણ નિભાવી શકશો અને ભણતર પણ. ફુલટાઇમ કોર્સ કરીને તમે ફટાફટ ભણતર પૂરું કરી લેશો, પરંતુ એ પછી જૉબનો સવાલ આવશે અને જો જૉબ નહીં કરવા મળે તો ભણતરનું શું કરશો? એને બદલે પહેલેથી જ બૅલેન્સ જાળવીને બન્ને સાથે-સાથે કરવાનો રસ્તો શોધી કાઢો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK