ભાગીને લગ્ન કર્યા ને પકડાઈ ગયાં, હવે પત્ની સાથે રહેવાનો ઈનકાર કરે છે, શું કરું?

Published: 7th August, 2012 06:04 IST

    હું ૨૫ વર્ષનો છું. કૉલેજના પહેલા જ વરસથી મારે એક ગર્લફ્રેન્ડ હતી. ભણવાનું પૂરું થયું એ પછી જ્ઞાતિ અલગ, રીતરિવાજો અલગ અને સોશ્યલ સ્ટેટસમાં પણ ઘણો તફાવત હોવાને કારણે તેના પેરન્ટ્સને વાંધો હતો.

wife-love-marriage(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૫ વર્ષનો છું. કૉલેજના પહેલા જ વરસથી મારે એક ગર્લફ્રેન્ડ હતી. ભણવાનું પૂરું થયું એ પછી જ્ઞાતિ અલગ, રીતરિવાજો અલગ અને સોશ્યલ સ્ટેટસમાં પણ ઘણો તફાવત હોવાને કારણે તેના પેરન્ટ્સને વાંધો હતો. અમારા પ્રેમ વિશે મારાં મમ્મી-પપ્પાને ખબર પડી ગઈ હતી. મેં મારી ગર્લફ્રેન્ડને મળવા પણ બોલાવી હતી. મમ્મી તેનાથી બહુ ઇમ્પ્રેસ નહોતી થઈ, પણ તેમણે સ્પષ્ટ ના પણ નહોતી પાડી. તેમણે કહેલું કે એક વાર પગભર થઈ જાઓ, પછી લગ્ન કરજો. આમેય તેના પેરન્ટ્સ તો મને જોઈને જ અકળાઈ ઊઠતા હતા. તેમને સમજાવવાની કોશિશ કરવા જતાં તેમણે તો પોતાની છોકરી માટે બીજે છોકરા જોવાનું પણ શરૂ કરી દીધું. આ સંજોગોમાં મારી પાસે એક જ ઑપ્શન હતો, ભાગીને લગ્ન કરી લેવાનો. અમને એમ કે એક વાર લગ્ન થઈ જશે પછી વાંધો નહીં આવે. પાંચ મહિના પહેલાં અમે ભાગી જવાનું નક્કી કર્યું. ઘરેથી ભાગીને અમે સુરત નજીકના એક ગામમાં છુપાઈ રહ્યાં. જોકે ત્રણ જ દિવસમાં તેના પેરન્ટ્સે અમને શોધી કાઢ્યાં. તેમણે મને પોલીસને હવાલે કર્યો અને પોતાની દીકરીને મારી જ સામે ખૂબ જ માર માર્યો. મને સમજાતું નથી કે આટલો ઢોરમાર કોઈ પોતાના જ સંતાનને કઈ રીતે મારતું હશે? મારા પેરન્ટ્સ પણ મને છોડાવવા આવ્યા ત્યારે તેમની સાથે પણ ખૂબ જ ગંદી ભાષામાં ગાળાગાળી કરી. જો મને તેમની છોકરી સાથે પ્રેમ ન હોત તો આવા લોકોને મોંએ થૂંકવા પણ ન જાઉં. જોકે મારી સમસ્યા એ છે કે આ ઘટના પછી મારી ફ્રેન્ડનો કોઈ જ રિસ્પૉન્સ નથી. ફોન ઉપાડતી નથી. મેસેજ કરું છું ને મને મળવાનું કહું છું તો તેનો જવાબ આવે છે કે તે લગ્ન ફોક કરવા માગે છે.

હું એક વાર તેના ઘરે ગયો અને અમારાં લગ્ન થઈ ગયાં છે એવું કહ્યું તો કહે કે લગ્ન થયાં છે તો ડીવૉર્સ પણ થઈ શકે છે. અમે લગ્ન કોર્ટમાં રજિસ્ટર નહોતાં કરાવ્યાં, પણ જસ્ટ અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા. છેલ્લા મહિનામાં હું તેને ચાર વાર મળ્યો છું ને દરેક વખતે હવે તે કહે છે કે તારી સાથે ભાગી જવાનું પગલું એ મારી ભૂલ હતી, હવે મારે તારી સાથે નથી રહેવું. મળવા આવે ત્યારે પણ જાણે મારા પર મહેરબાની કરતી હોય એમ આવે છે. તેના ભાઈને તો કહે છે કે આ છોકરો હજી મારો પીછો નથી છોડતો. તો શું કરવું?  

- ચારકોપ

જવાબ : તમારી ગર્લફ્રેન્ડ લગ્ન કરવા તમારી સાથે ભાગી નીકળી, પણ એક વાર પકડાઈ ગયા પછી તેનું વલણ બદલાઈ ગયું છે એની પાછળ બે કારણો હોઈ શકે. એક તો પકડાવાને કારણે તમારી અને તેની સાથે જે થયું એ પછી તેની બીજી વારની હિંમત ન હોય. ને બીજું, હિંમત તો હોય; પણ હવે તે પેરન્ટ્સને વધુ દુ:ખી કરવા ન માગતી હોય અને એટલે તમારી સાથે જીવન વિતાવવાનો વિચાર પડતો મૂક્યો હોય.

મને લાગે છે કે તમારે એક વાર તેને મળીને આ બેમાંથી કયું કારણ છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ. સાચું કારણ સમજાય તો આગળ શું કરવું એ નક્કી કરવામાં મદદ થશે. જો તેનામાં હિંમત ન હોય તો તમે લગ્ન થઈ ગયાં છે એ વાત પર કોર્ટમાં જઈને પણ તમારી પત્નીને પાછી મેળવી શકો છો, પણ જો તેને એમ લાગતું હોય કે તમારી સાથે ભાગીને લગ્ન કરવાં એ તેની ભૂલ હતી તો તમારે પણ એ ભૂલ સુધારવામાં તેને મદદ કરવી જોઈએ. હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય, પણ રજિસ્ટર્ડ ન કરાવ્યાં હોય તોપણ એ લગ્ન તો ગણાય જ છે. એટલે જો તમે છૂટાં પડવાનું વિચારતા હો તોપણ કાયદેસરનાં પગલાં લઈને પછી જ છૂટાં પડવું તમારા બન્નેના ભવિષ્ય માટે હિતાવહ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK