મૉડલ બનવા માટે ભાગીને મુંબઈ આવી ને ઘરના દરવાજા બંધ થઈ ગયા, હવે શું કરું?

Published: 6th August, 2012 06:04 IST

    હું ૨૫ વરસની છું. નડિયાદની પાસેના એક ગામમાંથી ભાગીને મુંબઈ આવી છું. બે વરસ સુધી મેં સ્ટ્રગલ કરી, પણ કંઈ વળ્યું નથી. મારે મૉડલિંગ કરવું હતું ને એ માટે પહેલાં પૈસા કમાઈને પોર્ટફોલિયો તૈયાર કરવાનું વિચારેલું. પહેલું વરસ તો પૈસા ભેગા કરવામાં જ ગયું.

model-outhome(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૫ વરસની છું. નડિયાદની પાસેના એક ગામમાંથી ભાગીને મુંબઈ આવી છું. બે વરસ સુધી મેં સ્ટ્રગલ કરી, પણ કંઈ વળ્યું નથી. મારે મૉડલિંગ કરવું હતું ને એ માટે પહેલાં પૈસા કમાઈને પોર્ટફોલિયો તૈયાર કરવાનું વિચારેલું. પહેલું વરસ તો પૈસા ભેગા કરવામાં જ ગયું. છોકરાઓ તો રેલવે-સ્ટેશન કે દુકાનના પાટિયા પર પણ સૂઈ જઈ શકે, છોકરી ક્યાં જાય? ઘરેથી દસ હજાર રૂપિયા ચોરી લાવેલી એટલે અહીં પેઇંગ ગેસ્ટ તરીકે રહી. આ વાતને પૂરાં અઢી વરસ થશે, પણ મને કોઈ સફળતા નથી મળી. બલ્કે મૉડલિંગનું કામ અપાવવાની લાલચ આપીને ત્રણ દલાલ મારો ફાયદો પણ ઉઠાવી ગયા. તેમની સામે મેં પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી તો તેમણે મને વળતી ધમકી આપી કે જો હું એમ કરીશ તો તેઓ મને મૉડલિંગ કરવાને લાયક નહીં રહેવા દે. મુંબઈમાં મારું કોઈ નથી. ઑફિસના ફ્રેન્ડ્સ છે, પણ તેમના પર ભરોસો મૂકી શકાય એવું નથી. હવે તો હું પોતે પણ અંદરથી કંટાળી ગઈ છું ને મારે પણ અંદરથી ગંદી એવી ચમકીલી દુનિયામાં નથી જવું.

પહેલાં તો મારા મગજ પર ઝનૂન હતું, પણ હવે જાણે મને મુંબઈમાં કોઈ રસ જ નથી રહ્યો. નોકરી કરું છું, જીવન જીવવા જેટલા પૈસા કમાઉં છું અને રહું છું. મુંબઈની ચમકદમક પહેલાં મને આકર્ષતી હતી, પણ હવે ચૂભે છે. હું હારી ગઈ છું એનો મને રંજ નથી, પણ મારા પાગલપણને કારણે હું મારા પરિવારને છોડીને સાવ એકલી પડી ગઈ છું એનો વસવસો છે.

ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું નથી ગમતું, નોકરીમાં મન નથી લાગતું, મમ્મી-પપ્પા ખૂબ યાદ આવે છે. મારી ઑફિસની એક ફ્રેન્ડ કહે છે કે મારે હવે જીવનમાં સેટલ થવા વિશે વિચારવું જોઈએ, પણ ફૅમિલી વિના એવું કઈ રીતે થાય? છ મહિના પહેલાં મારી મમ્મી સાથે વાત થઈ હતી. પપ્પાએ મને મરેલી જાહેર કરી દીધી છે ને હવે તેઓ મારું મોં પણ જોવા નથી માગતા. પાછા ગામ જવાનો રસ્તો તો મેં જાતે જ બંધ કરી દીધો છે. હવે શું કરું?

- બોરીવલી  

જવાબ : તમારી હિંમતને ખરેખર દાદ આપવી પડે. એકલા હાથે કોઈ જ સપોર્ટ વિના તમે મુંબઈમાં અઢી વર્ષ સર્વાઇવ કર્યું એ કોઈ નાનું-મોટું અચીવમેન્ટ નથી. હા, તમે થોડુંક પ્લાનિંગ કરીને કોઈકના માર્ગદર્શન સાથે કામ કર્યું હોત તો કદાચ આજના જેવી પરિસ્થિતિ ન આવત. એકલી છોકરીનો લાભ ઉઠાવવાની માનસિકતા દુનિયાના કોઈ પણ છેડે રહેવાની જ અને મુંબઈ એમાંથી બાકાત નથી.

હા, કેટલીક ભૂલો તમે જરૂર કરી છે, પણ જીવન જ એનું નામ છે. ભૂલોમાંથી શીખવું અને ફરીથી એકની એક ભૂલ ન કરવી. હવે જ્યારે તમને પરિવારને છોડવાની તમારી ભૂલ સમજાય છે તો શા માટે એ સ્વીકારીને માફી નથી માગી લેતા? ભૂલનો પાત્તાપ કરવો જોઈએ, એને સુધારવા મહેનત કરવી જોઈએ. માફી માગવામાં જો નાનમ અનુભવાતી હોય તો સમજવું કે તમને તમારી ભૂલનો સ્વીકાર કરવામાં તકલીફ પડે છે. ધારો કે એમ હોય પણ ખરું તો જરાક શાંતિથી વિચારો કે આપણને જન્મ દેનાર, હંમેશાં આપણું ભલું જ ઇચ્છનાર માબાપની માફી માગવામાં વળી નાનમ શું?

તમે એક વાર તમારી મમ્મીને મળો અને કરેલી ભૂલ માટે માફી માગો. તેના ખોળામાં માથું મૂકીને રડી લો અને હળવાં થઈ જાઓ. હવે ભૂલ સુધારીને તમે નવેસરથી જિંદગી જીવવા માગો છો એવું જાણ્યા પછી પપ્પાનો ગુસ્સો પણ જરૂર શમી  જશે. ઑલ ધ બેસ્ટ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK