સાસુ-સસરા પહેલેથી મારી સાથે જ રહેતા હોવાથી ક્યાંય બહાર નથી જઈ શકાતુ, શું કરું?

Published: 2nd August, 2012 06:05 IST

    આમ તો બહુ મોટી સમસ્યા નથી, પણ મનમાં થોડુંક ખટક્યા કરે છે એટલે મારા પરિવારની વાત કરવી છે. લગ્નને વીસ વરસ થયાં છે ને હું સાસરિયામાં બીજા નંબરની વહુ છું. મારી જેઠાણી જબરી માથાભારે છે. તેને બધું પોતાનું અને અલાયદું કરવાની લાય ખૂબ હતી એટલે ભાગ કરાવીને જુદી રહેવા જતી રહી છે.

not-going(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : આમ તો બહુ મોટી સમસ્યા નથી, પણ મનમાં થોડુંક ખટક્યા કરે છે એટલે મારા પરિવારની વાત કરવી છે. લગ્નને વીસ વરસ થયાં છે ને હું સાસરિયામાં બીજા નંબરની વહુ છું. મારી જેઠાણી જબરી માથાભારે છે. તેને બધું પોતાનું અને અલાયદું કરવાની લાય ખૂબ હતી એટલે ભાગ કરાવીને જુદી રહેવા જતી રહી છે. પાંચ વરસ પહેલાં જ જેઠાણી છૂટાં થઈ ગયાં ત્યારથી સાસુ-સસરા મારી સાથે રહે છે. આમ તો બન્નેની તબિયત સારી છે એટલે બહુ ધ્યાન નથી આપવું પડતું, પણ ક્યાંય બહાર જવું હોય તો નથી જવાતું. ઘરે એ લોકો એકલાં હશે એ વિચારીને શનિ-રવિ ક્યાંક બહાર જવું હોય તોય નથી જવાતું. મારાં સાસુને મારી સાથે સારું ફાવે છે ને તેઓ પણ ઘરના કામમાં ઘણી રીતે મદદરૂપ થાય છે. મારી જેઠાણી ખૂબ સ્માર્ટ છે. હંમેશાં કહ્યા કરતી હોય છે કે મમ્મીજીને તો નાની વહુ જ વધુ પસંદ છે એમ કરીને કદી તેમને પોતાને ત્યાં નથી લઈ જતી. મેં વચ્ચે છોકરાંઓની દસમાની પરીક્ષાનું બહાનું કાઢીને સાસુ-સસરાને જેઠને ત્યાં મોકલેલાં, પણ તેઓ બે જ મહિનામાં પાછાં આવી ગયાં. જેઠાણી સાથે તેમને જરાયે બનતું નથી. હું તેમને ખૂબ સારી રીતે રાખું છું એનો મતલબ એ તો ન જ હોયને કે તેમની પાછલી જિંદગીમાં બધું મારે જ સાચવવાનું? એકાદ વરસ મારે ત્યાં રહે તો છ-આઠ મહિના તો જેઠને ત્યાં રહેવું જોઈએને? ભાગ પડાવતી વખતે તો અડધો-અડધો ભાગ પાડેલો તો માબાપને રાખવાની બાબતમાં જેઠ-જેઠાણી કેમ કદી આગળ નથી આવતાં? જોકે ખાટલે મોટી ખોડ એ છે કે મારા સસરા પણ કહે છે કે મોટાને ત્યાં નથી ફાવતું. નવો પાડોશ, મંદિર-બાગ બધું દૂર-દૂર છે ને એકલાં-એકલાં રૂમમાં સડી મરાય. એના કરતાં પહેલેથી જ્યાં રહ્યાં છીએ ત્યાં જ સારાં.

એક રીતે જોઈએ તો મને પેરન્ટ્સને રાખવાનું જરાય ભારે નથી પડતું. ઊલટાનું એ લોકો તો પૈસાની મદદ પણ ઘણી કરે છે, પણ તેઓ ઘરે હોવાને કારણે વેકેશનમાં ક્યાંક લાંબે ફરવા જવાની વાત નથી થઈ શકતી.

- વિલે પાર્લે

જવાબ : જ્યારે પેરન્ટ્સને બે સંતાનો હોય ત્યારે આવી સમસ્યાઓ ઊભી થાય એ સ્વાભાવિક છે. તમે મનમાં વિચારોના દ્વંદ્વ છતાં સાસુ-સસરાને સારી રીતે રાખો છો એ ખૂબ જ સારી વાત છે. તેમને તમારી સાથે જ ફાવે છે એ એનો બોલતો પુરાવો છે. જેઠ-જેઠાણી તેમને નથી રાખતાં અથવા તો તેમની સાથે સાસુ-સસરાને નથી ફાવતું એનું કંઈ ન થઈ શકે. બીજા ખરાબ છે માટે મારે પણ ખરાબ થવું એવી સરખામણી કોઈ કાળે યોગ્ય નથી.

તમારા મનની દ્વિધા કદાચ સાચી છે, પણ એ જાતે ઊભી કરેલી છે. તમારાં સાસુ-સસરા હજી હરતાં-ફરતાં છે ત્યારે તમારી પાસે તો હજીયે બહાર ફરવા જવાની મોકળાશ છે જ. એક-બે અઠવાડિયાં તેઓ સાવ એકલાં ન રહી શકે એવું માની લેવાની જરૂર નથી. વરસમાં એકાદ વાર તેઓ આરામથી એકલાં રહી શકે ને બીજી કોઈક વાર તેમને ગમે એવા સ્થળે ફરવા જાઓ જેથી તેમને પણ બહાર ફરવાનો આનંદ મળે.

પાછલી વયની તકલીફો તમે સમજશો તો આ સવાલ નહીં થાય. શરીર ઓછો સાથ આપતું હોય ત્યારે એક દીકરાના ઘરેથી બીજાના ઘરે વારંવાર રહેવા જવાનું ન ફાવે એ પણ એટલું જ સ્વાભાવિક છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા ઉછેર અને ભણતર માટે થઈને આપણા પેરન્ટ્સ કેટલાંય વરસો સુધી ફરવા જઈ શક્યાં નહોતાં એ પણ આપણે ભૂલવું ન જોઈએ. તમારાં સંતાનો પણ આવાં જ કારણોસર તમને એક ઘરેથી બીજા ઘરે ફેરવતાં રહેશે તો શું તમને ગમશે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK