લગ્ન પહેલાં જ પ્રેગ્નન્સી રહી ગઈ છે પેરન્ટ્સ અબૉર્શન કરાવી લેવા કહે છે, શું કરું?

Published: 1st August, 2012 05:57 IST

    ૨૮ વર્ષની વર્કિંગ વુમન છું. એકદમ વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ છું. ચાર વરસથી એક બૉયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં છું. મારા પેરન્ટ્સ પહેલેથી જ આ સંબંધના વિરોધમાં હતાં, પણ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તેમને માનવું પડે.

befor-marreag-pragnent(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : ૨૮ વર્ષની વર્કિંગ વુમન છું. એકદમ વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ છું. ચાર વરસથી એક બૉયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં છું. મારા પેરન્ટ્સ પહેલેથી જ આ સંબંધના વિરોધમાં હતાં, પણ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તેમને માનવું પડે. તાજેતરમાં મારો પ્રેગ્નન્સી રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. પહેલી વાર જ્યારે સમાચાર મળ્યાં ત્યારે તો ખરેખર જ શૉકિંગ હતું, પણ પછી મેં અને મારા બૉયફ્રેન્ડે તરત જ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. અત્યાર સુધી અમે પેરન્ટ્સ માની જાય અને ત્યાં સુધીમાં થોડુંક સેવિંગ થઈ જાય એની રાહમાં હતાં. જોકે સંજોગો જોતાં મારા પેરન્ટ્સ પણ માની ગયા છે, પણ તેમનું કહેવું છે કે લગ્નના સાત-આઠ મહિનામાં જ ડિલિવરી આવી જશે તો સમાજમાં બદનામી થશે. માટે આ પ્રેગ્નન્સી પડાવી નાખવી અને તરત જ લગ્ન કરી લેવાં. મેં અને મારા બૉયફ્રેન્ડે ખૂબ વિચાર્યું, પણ અમને નથી લાગતું કે ભગવાને જે ગિફ્ટ આપી છે એને અમારે સમાજના ડરે ઠુકરાવી દેવી જોઈએ. અમે તાત્કાલિક જ લગ્ન કરી લેવા તૈયાર છીએ, પણ મારા પેરન્ટ્સ લગ્ન પહેલાં અબૉર્શન થવું જ જોઈએ એનો આગ્રહ રાખીને બેઠા છે.

લગ્ન પહેલાં અમારે ફિઝિકલ સંબંધો હતા એવી સમાજમાં ખબર પડે તો બદનામી થાય એટલા કારણસર મારા પેટમાં જે માસૂમ બાળક ઊછરી રહ્યું છે તેને મારી નાખવાનું? હા, ધારો કે એ કોઈ બળાત્કારનું પરિણામ હોત તો સમજી શકાય એવી બાબત છે, પણ આ તો અમારા જ પ્રેમની નિશાની છે. લગ્ન પહેલાં પ્રેગ્નન્સી રહી જાય એવું તો અમે પણ નહોતું ઇછ્યું ને એટલે પ્રિકૉશન્સ પણ રાખેલાં, પરંતુ કોઈક રીતે એ ફેઇલ ગયું છે ત્યારે મારે શા માટે બાળકને મારી નાખવું? મમ્મી કહે છે કે લગ્ન પહેલાંના સંબંધો પાપ ગણાય છે ને એટલે આવા સંજોગોમાં બાળક ન આવવું જોઈએ. તેમના જડ આગ્રહને કારણે મને લાગે છે કે તેઓ પહેલાં અબૉર્શન કરાવી લેવા માગે છે ને પછી લગ્નની ના પાડી દેશે. મારે તેમના આ ઇરાદાને બર નથી આવવા દેવો.

- ખાર

જવાબ : તમારા પેરન્ટ્સ તેમની રીતે સાચા છે ને તમે તમારી દૃષ્ટિએ. લગ્ન પહેલાંના ફિઝિકલ સંબંધોને આજેય સામાજિક માન્યતા નથી મળી. લગ્ન ન થયાં હોય ત્યારે ગર્ભ પડાવી નાખવો એ જ લોકોને સાચું લાગ્યું છે કેમ કે લગ્ન પહેલાંના સંબધોને ભૂલ માનવામાં આવતા હતા. એટલે જ અબૉર્શન કરાવી લેવાથી તમારા આ સંબંધ વિશે સમાજમાં ખબર નહીં પડે અને એટલી પીઠ પાછળ ચણભણ ઓછી થશે.

તમે અબૉર્શન કરાવ્યા વિના જ લગ્ન કરી લેવા માગો છો એ પણ કંઈ ખોટું નથી. તમે તમારા પેરન્ટ્સને સમજાવી શકો છો કે જો લગ્ન પહેલાંના સંબંધો એ પાપ હોય તો તમે ઑલરેડી એ પાપ કરી નાખ્યું છે. બાળક પડાવી નાખવાથી લગ્ન પહેલાંના ફિઝિકલ સંબંધો ભૂંસાઈ નથી જવાના. તો પછી જે થઈ ચૂક્યું છે એનો સામનો કરવામાં તમને કોઈ વાંધો નથી. પણ હા, આ નિર્ણય લેતાં પહેલાં તમારે એક બાબતે સ્પષ્ટ થવું જરૂરી છે. શ્રીદેવી, સારિકાથી માંડીને સેલિના જેટલી સુધીની અભિનેત્રીઓ ઉચ્ચ સમાજમાં જીવતી હોવા છતાં લગ્ન પહેલાંની પ્રેગ્નન્સી માટે સમાજ હજીયે તેમની તરફ આંગળી ચીંધે જ છે. અલબત્ત, આંગળી ચીંધવા સિવાય બીજું કંઈ બગાડી પણ નથી શકતો, કેમ કે તેઓ પોતે જે કરી રહી છે એ બાબતે મક્કમ છે. જો તમે બન્ને સમાજની વાતો સાંભળી લેવાનું ધૈર્ય ધરાવતાં હો તો આગળ વધો. બાળકનો જન્મ થયા પછી થોડોક સમય વાતો ચાલશે ને પછી સમાજનું ધ્યાન પણ બીજે ફંટાઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK