દિકરીની હાઇટ છોકરાથી વધુ હોવાથી હવે સાસરિયાં નથી સ્વીકારતાં, શું કરવું?

Published: 31st July, 2012 05:34 IST

    અમારી જ્ઞાતિમાં બાળકો ૮ વરસનાં થાય એ પહેલાં જ લગ્ન ગોઠવી દેવામાં આવે છે. જોકે એ પછી છોકરી ૧૬ વરસની થાય ત્યાં સુધી પિયરમાં જ રહે છે.

girl-hight(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : અમારી જ્ઞાતિમાં બાળકો ૮ વરસનાં થાય એ પહેલાં જ લગ્ન ગોઠવી દેવામાં આવે છે. જોકે એ પછી છોકરી ૧૬ વરસની થાય ત્યાં સુધી પિયરમાં જ રહે છે. મારી દીકરીનાં લગ્ન પણ એવી જ રીતે થયેલાં. અત્યારે મારી દીકરી ૨૧ વરસની છે, પણ તેનાં સાસરિયાં તેને બોલાવતાં નથી. ૧૬ વરસની થઈ ત્યારે તેનું આણું કરી નાખેલું, પણ મારી દીકરીની હાઇટ વધારે હતી અને જમાઈની હાઇટ વધી જ નહીં એને કારણે હવે તેમને કજોડું લાગે છે. આણું થયું એ વખતે તો જમાઈ પણ ચોરીછૂપીથી મારી દીકરીને ફોન કરતા હતા, પણ હવે તો સાસરિયાંઓ ભેગું તેમના ફોન પણ બંધ થઈ ગયા છે. આણું થયાના છ જ મહિનામાં મારી દીકરી પિયર પાછી આવી ગઈ છે. અમે ફોન કરીએ છીએ તો કહે છે કે તમારી ઊંટ જેવી છોકરી અમારે નથી જોઈતી. અમારામાં આણું થયા પછી છોકરી ભણી ન શકે એટલે અગિયારમા ધોરણથી તેને કૉલેજમાંથી પણ ઉઠાવી લીધી છે. શું અમે હવે જમાઈ અને તેનાં માબાપ પર કેસ કરી શકીએ? મારી દીકરી તો રડી-રડીને અડધી થઈ ગઈ છે. સાસરું નાનકડા ગામમાં છે એટલે તેને આમેય ત્યાં ગમતું નથી, એમાં સાસરિયાંઓએ કરેલા વર્તનને કારણે અમે સમજાવટથી તેને સાસરે મોકલવાનું કહીએ તોય ના પાડે છે. અમે તો બેઉ બાજુથી ફસાયા છીએ. મારી દીકરીએ એક વાર મચ્છર મારવાની દવા પણ પી લીધી હતી. ત્યારથી તેની ખૂબ ચિંતા થાય છે. તેની સામે તો હજી આખી જિંદગી પડી છે. બહેન, છોકરીની હાઇટ નહીં વધારવાનું તો અમારા હાથમાં નહોતું. છૂટાછેડાની વાત કરીએ છીએ તો સામેથી પૈસા માગે છે. જમાઈ ઢીલા છે એટલે તેમની મા જબરદસ્તી કરે છે. ભૂલ અમારી જ છે, પણ હવે ફસાણા છીએ ત્યારે શું કરવું?

- દહાણુ રોડ

જવાબ : આઠ વરસની ઉંમરે લગ્ન કરી નાખવાની પ્રથાને કારણે આજેય કેટલાંય છોકરા-છોકરીઓની જિંદગી ખેદાનમેદાન થઈ જતી હશે એ ખબર નથી. હજી જીવન શું છે એ સમજાતું ન હોય ત્યાં જીવનસાથી નક્કી થઈ જાય. જે લોકો દીકરીની હાઇટ જેવી કુદરતી બાબતોને સમજી ન શકે તેમની સાથેના સંબંધોને કોઈ રીતે ટકાવી રાખવાની કોશિશ વ્યર્થ છે. લગ્ન થઈ ગયાં હતાં એને ભૂલી જવામાં જ સાર છે. છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરો. કોર્ટ દ્વારા થયેલી અરજીમાં તેઓ કોઈ પૈસા નહીં માગી શકે. માગશે તો એ ગેરકાયદે ઠરશે.

તમારી ભૂલ છે એવું સ્વીકારો છો એ સારું છે, પણ માત્ર સ્વીકારી લેવાથી તમારી દીકરીની જિંદગી નૉર્મલ નથી થવાની. જો દીકરીનાં નાની ઉંમરે લગ્ન કરાવી નાખવા બદલ તમને સાચો પસ્તાવો થતો હોય તો સૌથી પહેલાં તેનું ભણવાનું પાછું શરૂ કરાવો. હજી તેની ઉંમર વીતી નથી ગઈ. બે-ચાર વરસમાં તે પગભર થઈ શકે એટલું આરામથી ભણી શકશે. ત્યાં સુધીમાં છૂટાછેડાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ હશે. બને તો આ બાળલગ્નનું કોઈ માનસિક ભારણ દીકરી પર ન પડવા દો. તેને નવી જિંદગીની મોકળાશ આપવાનું તમારા જ હાથમાં છે. આ સમયગાળા દરમ્યાન તે માનસિક આઘાતમાંથી પણ બહાર નીકળી શકી હશે તો નવેસરથી જિંદગી વસાવવા માટે તૈયાર હશે. ભલે તમારી જ્ઞાતિમાં જે કહેવાતું હોય, હવે ફરીથી ઝટપટ લગ્ન કરી નાખવાની ઉતાવળ પણ કરવી યોગ્ય નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK