મારી મમ્મીને ભાઈ-ભાભી ખૂબ જ ત્રાસ આપે છે, શું કરું?

Published: 30th July, 2012 06:14 IST

અમે બે બહેનો અને એક ભાઈ છીએ. મારા પિતાજી હવે નથી રહ્યા ને મમ્મી ૬૯ વર્ષની છે. છેલ્લાં ચારેક વરસથી મારાં ભાઈ-ભાભી મારી માને ખૂબ હેરાન કરે છે. હવે મમ્મીથી ખાસ કામકાજ નથી થતું છતાં રસોઈ અને બીજાં કામો તેણે કરવાં જ પડે છે.

mummy-problems(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : અમે બે બહેનો અને એક ભાઈ છીએ. મારા પિતાજી હવે નથી રહ્યા ને મમ્મી ૬૯ વર્ષની છે. છેલ્લાં ચારેક વરસથી મારાં ભાઈ-ભાભી મારી માને ખૂબ હેરાન કરે છે. હવે મમ્મીથી ખાસ કામકાજ નથી થતું છતાં રસોઈ અને બીજાં કામો તેણે કરવાં જ પડે છે. જો તે માંદી હોય તો મારી ભાભી તેને કદી દવાખાને નથી લઈ જતી. મારા પપ્પાના નામે ત્રણ રૂમો છે, એ બધાનું ભાડું મારા ભાઈ જ ઉઘરાવે છે ને છતાં માની સારવાર માટે એક રૂપિયો છૂટો નથી કરતા. વચ્ચે કેટલોક સમય તો તેમણે મને પણ મારી મા સાથે મળવા દીધી નહોતી. તેમના પાડોશીઓને મળવા પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો. છેક છેલ્લે કંટાળીને મારી મા પાડોશીની મદદથી મારાં ઘરડાં કાકા-કાકીને ત્યાં જતી રહી હતી. મારા ભાઈએ માના તમામ દાગીના પોતાના હસ્તગત લઈ લીધા છે. મારી મમ્મી છેલ્લા છ મહિનાથી કાકા-કાકીને ત્યાં જ રહે છે. હવે ત્રણેય ઘરડાં થઈ ગયાં છે ને ઉંમરને કારણે માંદગી રહ્યા કરે છે. મારો ભાઈ એક રૂપિયો પણ મદદ નથી કરતો ને ઊલટાનું રૂમો પોતાના નામે લખાવી દેવા માટે બળજબરી કરે છે. મારાં કાકા-કાકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને વારસામાંથી સાવ નામ કાઢી નાખવાની ધમકી આપી એટલે ભાઈ મમ્મીને લેવા આવ્યો હતો, પણ મારી મમ્મી હવે ફરી એ નરકમાં જવા નથી માગતી. હું મારી મમ્મીને મદદ કરી શકું એમ નથી, કેમ કે મારું ઘર પણ ખૂબ નાનું છે. મારા હસબન્ડ મદદ કરે છે, પણ સાસુ-સસરાની બીક રહે છે. છતાં મેં મમ્મીને મારા ઘરે રહેવા આવવા કહેલું, પણ તે ના જ પાડે છે. મારી મોટી બહેનની સ્થિતિ સાવ જ ખરાબ છે એટલે તેની પાસેથી તો કોઈ જ મદદની આશા થઈ શકે એમ નથી.

- દહિસર

જવાબ : મને એક વાત સમજમાં નથી આવતી કે જ્યારે તમારાં મમ્મીને ભાઈ આટલો શારીરિક અને માનસિક ત્રાસ આપે છે ત્યારે તમે એ બધું ચૂપચાપ જોઈ કેવી રીતે શકો છો? આટલાં વષોર્માં તમે કેમ ક્યારેય મમ્મીની મદદે સામે ચાલીને ન ગયાં? માબાપને પાછલી જિંદગીમાં જાળવી લેવાની જવાબદારી એકલા છોકરાની નથી હોતી એ વાત કદાચ તમે પણ હજી નથી સમજ્યાં. ભાઈ ત્રાસ આપે છે તો તમે મૂકપણે એ ત્રાસ જોયા કરો છો. આજે તમારી માની જે સ્થિતિ છે એ માટે તમારો ભાઈ એકલો જ ગુનેગાર નથી, તમે બે બહેનો પણ એમાં મૂક ભાગીદાર છો. ને આ જ કારણસર તમારાં મમ્મીએ પીડાદાયક પરિસ્થિતિમાં તમને યાદ કરવાને બદલે પાડોશીની મદદ લઈને જેઠ-જેઠાણીને ત્યાં જવું પડ્યું.

હું સમજું છું કે તમે જો મમ્મીને રાખો તો કદાચ તમારાં સાસરિયાંઓને ન ગમે, પણ અહીં કોઈના ગમા-અણગમાને ધ્યાનમાં રાખવાનો સવાલ જ ઊભો નથી થતો. જે જનેતાએ તમને નવ મહિના કૂખમાં રાખ્યાં છે તેને પાછલી જિંદગીમાં આ રીતે રઝળવું પડે? ધારો કે તમારે ભાઈ ન હોત તો તમે શું કરત? ધારો કે તેમની પાસે એક નયા પૈસાની પણ મિલકત ન હોત તો તમે શું કરત? જરા વિચારજો.

આટઆટલા ત્રાસ છતાં તમારાં મમ્મી દીકરીનું ઘર તો પારકું કહેવાય એવું માને છે એનું કારણ તેની રૂઢિવાદી માનસિકતા તો છે જ સાથે તમારો વ્યવહાર પણ છે. ચિંતા કરવાથી જ નથી ચાલી જતું, જાતે જવાબદારી પણ લેવી જરૂરી છે. જો તમારા દિલમાં સાચો પ્રેમ છલકાતો દેખાય તો આજે પણ તમારાં મમ્મી તમારી સાથે રહેવા માની જશે. તેમની પાસે મિલકત છે કે નથી એની ગણતરી હોવી જ ન જોઈએ. શું આપણે જન્મેલા ત્યારે આપણો ઉછેર કરવા માટે પેરન્ટ્સને કોઈ માલમિલકત આપી હતી? નહીંને?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK