પ્રેમી જ્ઞાતિ સિવાય બીજે લગ્ન કરી ન શકવાનું બહાનું ઉપજાવે છે, શું કરું?

Published: 26th July, 2012 17:39 IST

મારી ઉંમર ૨૮ વરસ છે. ઉત્તર ભારતની છું, પણ વર્ષોથી ગુજરાત અને મુંબઈમાં જ રહી છું. મને છેલ્લાં અઢી વરસથી એક છોકરા સાથે પ્રેમ હતો. મેં તેના પર એટલોબધો વિશ્વાસ મૂકેલો કે ન પૂછો વાત. તે ગુજરાતી બ્રાહ્મણ છે.

girl-love-heat(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૮ વરસ છે. ઉત્તર ભારતની છું, પણ વર્ષોથી ગુજરાત અને મુંબઈમાં જ રહી છું. મને છેલ્લાં અઢી વરસથી એક છોકરા સાથે પ્રેમ હતો. મેં તેના પર એટલોબધો વિશ્વાસ મૂકેલો કે ન પૂછો વાત. તે ગુજરાતી બ્રાહ્મણ છે. મને ખબર હતી કે આંતરજ્ઞાતીય લગ્ન કરવાના હશે તો થોડીક તકલીફ પડશે, પણ હું એ બધા માટે લડી લેવા તૈયાર હતી. ગુજરાતી લખતાં-બોલતાં શીખી અને વાનગીઓ પણ બનાવતાં શીખી. અઢી વરસમાં મેં મારી જાતને પ્રેમ માટે થઈને સમૂળગી બદલી નાખી ને જ્યારે લગ્નની વાત છેડી ત્યારે મારો બૉયફ્રેન્ડ કહે છે અમે ચુસ્ત બ્રાહ્મણ છીએ એટલે બીજી જ્ઞાતિમાં લગ્ન કરું તો મને જ્ઞાતિ બહાર કરી મૂકે. આજના જમાનાનો પોસ્ટ ગ્રૅજ્યુએટ થયેલો મુંબઈમાં રહેતો યુવક આવું કહે તો શું સમજવાનું? મેં પહેલાં તો ખૂબ મનાવવાની કોશિશ કરી, પણ તે ટસનો મસ ન થયો. તેની સાથે મેં ફિઝિકલ રિલેશન્સ પણ રાખેલા અને એક વાર અબૉર્શન પણ કરાવેલું. તે મને છોડી દેશે એ વિચારે હું ખૂબ હેરાન હતી એટલે મેં તેના મિત્રોની હેલ્પ માગી તો નવું જ જાણવા મળ્યું. આ પહેલાં તે મારા જેવી બીજી બે બીજી કાસ્ટની છોકરીઓ સાથે અફેર કરી ચૂક્યો છે ને બધા સાથે તેણે સંબંધો પણ રાખેલા. તે બ્રાહ્મણ અને ઉચ્ચ કુળનો હોવાથી બીજી જ્ઞાતિમાં લગ્ન ન કરી શકે એમ કહીને તરછોડી દીધેલી. હવે તે પોતાના મમ્મીએ બતાવેલી છોકરી સાથે જ લગ્ન કરવાનો છે. આ વાત જાણ્યા પછી હવે હું બક્ષવાના મૂડમાં નથી. મારે તેને સમજાવવું છે કે એમ છોકરીઓની લાગણી સાથે રમત કરવાનો અંજામ કેવો આવી શકે છે. તેણે મારો પ્રેમ જોયો છે તો હવે રોષ પણ જોઈ લે. મેં જ્યારે તેને ધમકી આપી તો ઊલટાનું તે મને ધમકી આપે છે કે અત્યારે તારે જે કરવું હોય એ કર, તને કોઈની સાથે લગ્ન કરવાને લાયક નહીં રાખું. બહેન હું શું કરું? ચુપચાપ બેસી રહીશ તો મને જંપ નહીં વળે ને જો તે કંઈક આડુંઅવળું કરશે તો મારી જિંદગી નરક થઈ જશે.

- વિરાર

જવાબ : તમારો બૉયફ્રેન્ડ ધર્મની આડમાં પોતાના રંગીન મિજાજને ઢાંકવાની કોશિશ કરી રહ્યો છે. એનાથી ધર્મનું નામ ખરાબ થાય છે. તમારો ગુસ્સો એકદમ વાજબી છે. અત્યારે તે કહે છે કે પોતે ચુસ્ત બ્રાહ્મણ હોવાથી બ્રાહ્મણ સિવાય કોઈની સાથે લગ્ન ન કરાય તો શું પત્ની સિવાયની અને બ્રાહ્મણ ન હોય એવી પરજ્ઞાતિની સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ રાખવાની છૂટ તેમનો ધર્મ આપે છે?

જો તમે તેને પાઠ ભણાવી શકો તો ખૂબ સારું કહેવાય, પરંતુ હું ઇચ્છીશ કે પાઠ ભણાવીને આ માણસને મેળવવાની ઇચ્છા હોય તો એ બાજુએ રાખજો. જે વ્યક્તિ ઐયાશી ખાતર પ્રેમનું નાટક કરે અને પછી ધર્મને આગળ કરીને છટકી જાય એવા પુરુષને કદી પ્રેમ ન કરાય. હું તો કહીશ કે જો તમે આ સંબંધમાંથી બહાર નીકળવા માગતા હો તો તેને ધિક્કારવામાં કે પાઠ ભણાવવામાં પણ સમય બરબાદ ન કરવો જોઈએ.

જીવનના અનુભવો પરથી જે-તે ધર્મ કે જ્ઞાતિ માટે મનમાં પૂર્વગ્રહ બાંધી લેશો નહીં. હવે પછી સંબંધોને બરાબર તાવી જોજો અને પ્રેમમાં પડવાની ઉતાવળ કર્યા વિના સંબંધોને નાણશો તો તમને પણ હંમેશાં ખુશ રાખવાની તમન્ના ધરાવતો યુવક મળી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK