લગ્ન આડે માંડ એક મહિનો બાકી છે ત્યારે ફિયાન્સેની એક્સ-ગર્લફ્રેન્ડ ફોન આવે છે, શું કરું?

Published: 29th November, 2012 06:24 IST

મારું એન્ગેજમેન્ટ છ મહિના પહેલાં જ થયું છે. જ્યારે અમે પહેલી વાર સામાજિક મેળાવડા થકી મળેલાં ત્યારે અમે એકબીજાને રિજેક્ટ કરી દીધેલાં.

(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારું એન્ગેજમેન્ટ છ મહિના પહેલાં જ થયું છે. જ્યારે અમે પહેલી વાર સામાજિક મેળાવડા થકી મળેલાં ત્યારે અમે એકબીજાને રિજેક્ટ કરી દીધેલાં. જોકે એ પછી અમે કૉમન ફ્રેન્ડ્સની મૅરેજ પાર્ટીમાં મળ્યાં અને ત્યાં અમારી સારી ઓળખાણ થઈ અને અમને બન્નેને લાગવા લાગ્યું કે અમે એકબીજા માટે પરફેક્ટ છીએ. સગાઈ પહેલાં તેણે મને તેના ભૂતકાળનાં અર્ફેસની વાત કરેલી. તેને કૉલેજમાં એક છોકરી સાથે અને ઑફિસમાં એક છોકરી સાથે એમ બે અફેર હતાં. અલબત્ત, એ બધી હાઇ સ્ટેટસ ધરાવતી હોવાથી તેને ફાવ્યું નહીં અને બ્રેક-અપ થઈ ગયું. તેની આ નિખાલસ કબૂલાતથી મને કોઈ વાંધો નહોતો, કેમ કે કૉલેજમાં મને પણ ક્રશ હતો અને મેં પણ પ્રેમમાં ઠોકર ખાધેલી. હવે એક મહિના પછી અમારાં લગ્ન છે ત્યારે તેની જૂની ગર્લફ્રેન્ડનો ફોન મને આવે છે. તે કહે છે કે તે હજીયે મારા ફિયાન્સેને મળે છે અને તેમની વચ્ચે હજીયે અફેર ચાલે છે. તે હંમેશાં પબ્લિક ફોન પરથી મને ફોન કરે છે એટલે હું તેને સામેથી કૉન્ટૅક્ટ પણ નથી કરી શકતી. મને સમજાતું નથી કે આ છોકરી ખોટું બોલે છે કે ફિયાન્સે મારી સાથે ચીટિંગ કરી રહ્યો છે? પ્રૅક્ટિકલી કહું તો હજી સુધી તો મને ફિયાન્સેના વર્તનમાં કશુંક છુપાવતો હોય એવું લાગતું નથી. તે હંમેશાં ક્યાં છે, કોની સાથે છે એ બધું જ ફ્રીલી મને કહેતો હોય છે. અલબત્ત, મેં તેને તેની એક્સ-ગર્લફ્રેન્ડના ફોન આવવા વિશે વાત નથી કરી. વિશ્વાસ મૂકવો કે ન મૂકવો એ જ સમજાતું નથી.

 - મલાડ

જવાબ : તમે આજના જમાનાના કમ્યુનિકેશનમાં માનનારા યુવાનો છો. સગાઈ પહેલાં પણ તમારા ભૂતકાળની વાતો પરસ્પરને કહી દીધી અને એ બન્નેએ સ્વીકારી પણ લીધી એ બતાવે છે કે ખુલ્લા દિમાગથી વિચારવાની ક્ષમતા તમારા બન્નેમાં છે. રહી વાત ફોનકૉલની. લગ્ન પહેલાં જ કોઈ ચેતવણી આપતા ફોન કરે ત્યારે અસમંજસ અનુભવાય એ સ્વાભાવિક છે. એટલું સારું છે કે તમે આંખ બંધ કરીને પેલીની વાતને સાચી

Demo Pic

નથી માની લીધી. તેણે જે ટાઇમિંગ પર ફોન કર્યો છે અને પબ્લિક ફોનમાંથી પોતાની આઇડડેન્ટિટી છુપાવીને અવિશ્વાસ પેદા થાય એવો મમરો મૂક્યો છે એ બતાવે છે કે તેનો ઇરાદો સાચો નથી. જો કોઈ વ્યક્તિ તમને ચેતવવા માગતી હોય તો તેને પોતાની આઇડેન્ટિટી છતી થવાનો ડર ન હોવો જોઈએ.

એ છતાં સાવ જ આંધળો વિશ્વાસ મૂકવાને બદલે એક વાર તમારા ફિયાન્સેને તમારા પર આવતા ફોનકૉલ્સની વાત કરો. તમને અવિશ્વાસ છે એ રીતે નહીં, પણ કોઈક તમને ઉશ્કેરવા માટે આવું કરી રહ્યું છે એ રીતે વાત કરો. શું આ વાત સાચી છે કે ખોટી એ તેની પાસેથી જ જાણો. સગાઈ પહેલાં જ જ્યારે તમે બન્નેએ પ્રામાણિકતાથી એકમેકને આ વાત કહી દીધી છે એ જોતાં તે તમારાથી કંઈ છુપાવતો હોય એવું નથી લાગતું. જો તેને છુપાવીને મળવું હોત તો તેમના સંબંધ વિશે તેણે કદી તમને કહ્યું જ નહોત.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK