મારી એક્સ-ગર્લફ્રેન્ડની સરખામણીએ મારી વાઇફ મને હજીય સમજી શકતી નથી, શું કરું?

Published: 28th November, 2012 05:56 IST

હું ૨૯ વર્ષનો છું. મારી જ સોસાયટીમાં રહેતી એક સાઉથ ઇન્ડિયન છોકરીને હું ટીનેજથી પ્રેમ કરતો હતો, પણ જ્ઞાતિભેદ અને પરિવારના વિરોધને કારણે તેને પરણી શક્યો નહીં.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૯ વર્ષનો છું. મારી જ સોસાયટીમાં રહેતી એક સાઉથ ઇન્ડિયન છોકરીને હું ટીનેજથી પ્રેમ કરતો હતો, પણ જ્ઞાતિભેદ અને પરિવારના વિરોધને કારણે તેને પરણી શક્યો નહીં. તેને પહેલાં તો મારા માટે પ્રેમની લાગણી નહોતી, પણ મારા પ્રેમમાં તે ભીંજાઈ ગઈ અને તેણે ઘણા વખત પછી મારી પ્રપોઝલ સ્વીકારેલી. તેની સાથે મારાં લગ્ન તો ન થઈ શક્યાં, પણ આ છોકરી એટલી સમજુ અને સહનશીલ છે કે આજે પણ અમે ખૂબ જ સારા દોસ્તો છીએ. અલગ ધર્મો હોવાથી અમારા પેરન્ટ્સનો વિરોધ અમે પાંચ વર્ષ સુધી ઝીલ્યો. આખરે તેઓ નહીં જ માને એવું સમજાતાં મ્યુચ્યુઅલી છૂટા પડવાનું નક્કી કર્યું. પેરન્ટ્સે નક્કી કરેલાં પાત્રો સાથે અમે લગ્ન કરી લીધાં. એક વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં છે. હું મારી જિંદગીનો પહેલો પ્રેમ ભૂલીને મારી પત્નીને ખૂબ પ્રેમ કરવા માગું છું, પરંતુ તે હજી સુધી જાણે મનમેળ થતો જ નથી. તે ક્યારેય મને સમજી શકતી જ નથી. આજની તારીખે પણ મારી કોઈ લાગણી હોય એ મારી એક્સ-ગર્લફ્રેન્ડ કહ્યા વિના જ સમજી જાય છે, પરંતુ મારી પત્ની સાથે એમ નથી થતું. હું તેને કહું છું તોય તે નથી સમજતી. મારા કામમાં પણ મને પત્ની તરફથી કોઈ હેલ્પ નથી મળતી. મારી પત્ની સાથે મને હંમેશાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. બધું જ હોવા છતાં મને કંઈક ખૂટતું હોય એવું લાગે છે. મારી પત્ની સાથેના કમ્યુનિકેશનમાં કંઈક કમી હોય એવું લાગે છે. અમે પતિ-પત્ની છીએ, પણ પ્રેમી નથી બની શક્યાં. એનું કારણ શું હશે?

 - મલાડ

જવાબ : જ્યારે પ્રેમની બાબતમાં આપણે બે વ્યક્તિઓની સરખામણી કરીએ છીએ ત્યારે એ બન્નેને અન્યાય કરીએ છીએ. તમારી ફ્રેન્ડને તમે નાનપણથી ઓળખો છો. એમ કહી શકાય કે ટીનેજથી તમે સાથે જ મોટા થયા છો. જ્યારે બીજી તરફ તમારી પત્નીને મળ્યે હજી માંડ એક વર્ષ પણ નથી થયું. ફ્રેન્ડશિપ દરમ્યાન તમે ફ્રેન્ડ સાથે કેટલો બધો સમય વિતાવ્યો હતો અને વાતો વાગોળી હતી? એમાંનો દસમો ભાગ પણ હજી તમે પત્ની સાથે શૅર નથી કયોર્. આ બધી ગણતરીની વાત નથી, પરંતુ જ્યારે તમે દિલથી આ સંબંધ સ્વીકારવાનું નક્કી કરતા હો ત્યારે એ સંબંધ મજબૂત થાય એ માટે થોડીક ધીરજ કેળવવાની જરૂર છે.

તમે કહો છો કે તમે ભૂતકાળને પૂરેપૂરો ભૂલી ગયા છો, પરંતુ આજેય તમે તમારી પત્નીના પદ સાથે પેલી ગર્લફ્રેન્ડને હજીય સરખાવો તો છો જ. જ્યાં સુધી આ સરખામણી ચાલુ છે ત્યાં સુધી તમે ભૂતકાળને ભૂલ્યા નથી એમ સમજવું.

દરેક વ્યક્તિ સાથેનો સંબંધ હંમેશાં યુનિક હોય છે. એને સરખાવવાની કોશિશ કરવી એ મહામૂર્ખામી છે. જે ચીજ તમારી ફ્રેન્ડ કરી શકે છે એ ચીજ તમારી પત્ની નથી કરી શકતી. જો એવી જ રીતે જોવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કે જે ચીજો તમારી પત્ની કરી શકે છે એ તમારી ફ્રેન્ડ નહીં કરી શકતી હોય. સૌથી પહેલાં તો સરખામણી બંધ કરવી જરૂરી છે. એ નહીં થાય ત્યાં સુધી પતિ-પત્નીના સંબંધો પાંગરી નહીં શકે.   

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK