પપ્પા જાણે કે હું તો તેમનો દુશ્મન હોઉં એમ મારી સાથે વર્તે છે, શું કરું?

Published: 27th December, 2012 06:47 IST

હું ૩૬ વર્ષનો છું. પહેલાં તો અમે મમ્મી-પપ્પાથી અલગ રહેતાં હતાં, પણ મારી મમ્મીનું બે વરસ પહેલાં જ અવસાન થયું હોવાથી પપ્પાને અમારા ઘરે રહેવા બોલાવી લીધા છે. શરૂઆતમાં તો તેઓ ખૂબ જ શાંત હતા.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૩૬ વર્ષનો છું. પહેલાં તો અમે મમ્મી-પપ્પાથી અલગ રહેતાં હતાં, પણ મારી મમ્મીનું બે વરસ પહેલાં જ અવસાન થયું હોવાથી પપ્પાને અમારા ઘરે રહેવા બોલાવી લીધા છે. શરૂઆતમાં તો તેઓ ખૂબ જ શાંત હતા. કોઈની સાથે ખાસ વાતચીત કરતા નહીં, બહાર પણ બહુ ઓછું ભળતા. નવા એરિયામાં નવા પાડોશ સાથે તેઓ હળેમળે એ માટે અમે તેમને બિલ્ડિંગના કેટલાક ઘરડેરાઓ સાથે ઓળખાણ કરાવી આપી. એ પછીથી તેઓ સાંજે-સાંજે ફરવા જાય છે. હમણાંથી તેમનું વર્તન સાવ જ બદલાઈ ગયું છે. કંઈ પણ ખાવાનું બનાવ્યું હોય તેમને ન જ ભાવે. તેમને ગમતી વાનગી બનાવી હોય તો કહે કે આજે મને ભૂખ નથી. ઘરમાં બાળકો મસ્તી કરતાં હોય તો એ અવાજ પણ સહન ન થાય. છોકરાંવને નીચે રમવા મોકલીએ અને કંઈક વગાડીને આવે તો કહે કે તમને દીકરાની પડી જ નથી. નીચે છોકરાને રમવા ન મોકલો. શાકભાજી લેવા માટે પોતે જ જાય ને પછી ઊપડે નહીં એટલે નીચે બેસી જાય. બહારનાઓ આગળ અમારું ભૂંડું લાગે કે અમે વૃદ્ધ પપ્પા પાસે કામ કરાવીએ છીએ. મારી વાઇફને કંઈ ન બોલે, પણ મને ખૂબ જ સંભળાવે. મારા દીકરા સાથે તેમને ફાવે છે. કોઈ પણ વાત મનાવવી હોય તો મારા દીકરા થકી કહેવડાવો તો તરત માની જાય, પણ અમે લોકો તો જાણે તેમના દુશ્મન જ હોઈએ એમ વર્તે છે.

- સાન્તાક્રુઝ

જવાબ : પાછલી જિંદગીમાં એકલતા સાલે ત્યારે ભલભલાનો સ્વભાવ બદલાઈ જાય. આપણે ત્યાં કહેવાય છે કે મોટી ઉંમરે એકલી સ્ત્રી કઠણ થઈને અવસ્થાને જીરવી જાય છે, પણ પત્નીના ગયા પછી પતિ ખૂબ જ એકલવાયું ફીલ કરે છે. દીકરા-વહુની અલગ દુનિયામાં વયસ્ક પુરુષ પોતાને ફિટ નથી કરી શકતો. તમે પિતાની ખૂબ કાળજી રાખો છો એ સારું છે, પણ તેમનું આવું વિચિત્ર વર્તન તેમના પોતાના કન્ટ્રોલમાં નથી એટલું સમજશો તો તમારી અકળામણ શમી જશે. પિતા આપણને દુનિયાનું ડહાપણ શીખવે છે, પણ વૃદ્ધાવસ્થામાં સાવ નાદાનીભરી હરકત કરે ત્યારે સમજવું કે એ માનવીનું બીજું બાળપણ છે.

જેમ આપણે નાના હતા ત્યારે મા-બાપે આપણી સાચીખોટી તમામ બાબતોને પોષીને માત્ર પ્રેમ જ આપ્યો હતો એમ મા-બાપના ઘડપણમાં આપણે તેમને સાચવી લેવાનાં હોય છે. કદાચ તદ્દન ધડમાથા વિનાની, સાવ અસંદિગ્ધ લાગે એવી બાબતો માટે તમારાં સાસુ

તમને સંભળાવે ત્યારે પણ આ વાત યાદ રાખવી જરૂરી છે. તેમની વાતોથી મગજ ખરાબ કરવાની જરૂર નથી. તેઓ તમારી કોઈ ખોડખાંપણ નથી કાઢી રહ્યા, તેમનો સ્વભાવ જ એવો ચીડિયો થઈ ગયો છે એ વાત સમજશો તો વાંધો નહીં આવે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK