ડિવૉર્સી છું અને જેને પ્રેમ કરું છું તે મારા માટે ખૂબ લાગણી ધરાવે છે, શું કરું?

Published: 27th November, 2012 06:29 IST

હું ૨૯ વર્ષની ડિવૉર્સી છું. સાત વરસ પહેલાં મારાં અરૅન્જ્ડ મૅરેજ થઈ ગયેલાં ને સાસરે વિતાવેલું દોઢ વરસ મારા માટે નરક સમાન હતું.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૯ વર્ષની ડિવૉર્સી છું. સાત વરસ પહેલાં મારાં અરૅન્જ્ડ મૅરેજ થઈ ગયેલાં ને સાસરે વિતાવેલું દોઢ વરસ મારા માટે નરક સમાન હતું. મારા પતિને માત્ર હું ઘરમાં નિયમિત ખાવાનું બનાવું અને સાફસફાઈ રાખું એનાથી જ મતલબ હતો. ફિઝિકલ ઇન્ટિમસી વખતે રંગપરિવર્તન થાય, બાકી દિવસભર જરાય પર્સનલ કાળજી જેવું નહોતું. તેને બીજી છોકરી સાથે અફેર હતું એ સાબિત થયું અને અમે છૂટાછેડા લીધા. મેં ક્યારેય તેના તરફથી કોઈ પ્રકારની લાગણીની અભિવ્યક્તિ નહોતી નિહાળી. એના બદલે હમણાં મારી જ ઑફિસમાં છ મહિના પહેલાં આવેલા એક છોકરા સાથે મનમેળ થઈ ગયો છે. તે મારા પ્રત્યે ખૂબ જ કાળજી દાખવે છે. કદાચ ખૂબ પઝેસિવ કહી શકાય એટલો બધો મારા માટે પ્રોટેક્ટેટ બિહેવિયર છે. હું ક્યાં છું, ક્યારે આવીશ, કેવી રીતે જઈશ એની તેને ચિંતા હોય છે. સાચું કહું તો જે લાગણી હું મારા પતિ તરફથી ઝંખતી હતી એ બધું જ મને તેના તરફથી મળી રહ્યું છે. જોકે મારી ફ્રેન્ડ્સ મને કહે છે કે વધુપડતી પઝેસિવનેસ પણ બહુ સારી નહીં. વધુપડતો પ્રેમ પણ ગૂંગળાવી મારે છે એટલે મારે તેનાથી પણ ચેતતા રહેવું જોઈએ. મને સમજાતું નથી કે કોઈ આપણી પ્રત્યે કાળજી અને લાગણી બતાવે એમાં શું ખોટું? મારે જીવનમાં બીજી વાર પછડાટ નથી ખાવી.

-  મલાડ

જવાબ : પઝેસિવનેસ એ બેધારી તલવાર જેવી છે. એ પ્રેમને વધુ ગાઢ પણ બનાવે છે ને જો એમાં જરાક પણ સંતુલન ખોરવાય તો એ સામેવાળી વ્યક્તિ માટે ગળામાં ફંદાની જેમ ફસાઈ જાય છે. પરસ્પર માટે કાળજી અને લાગણી હોય એ પ્રેમની પ્રાથમિક જરૂરિયાત છે, પણ જ્યારે લાગણી અતિશય બળવત્તર હોય અને એ સામેવાળી વ્યક્તિની સ્વતંત્રતાને ગૂંગળાવી નાખે એટલીબધી પ્રબળ હોય તો એવા સંબંધમાં મુશ્કેલી પેદા થઈ શકે છે.

તમે પહેલા સંબંધમાં ખૂબ જ રુખાપણું જોયું છે એટલે મીઠી કાળજી તમારા દિલને જીતી લે એ સ્વાભાવિક છે. ખૂબ ટૂંકા ગાળામાં તમને પેલા યુવક પ્રત્યે કૂણી લાગણીઓ પ્રગટી છે ત્યારે થોડોક સમય જવા દો. મિત્રતા દરમ્યાન જરાક ઑબ્જેક્ટિવ થઈને તેના પ્રેમને સમજવાની કોશિશ કરો. કોઈ કાળજી દર્શાવે એનો મતલબ એ પણ નથી કે તમે સાવ જ ઓળઘોળ થઈ જાઓ. જીવનમાં પરસ્પરના વિચારો માટે માન હોય, એકમેકના ગમા-અણગમા અને સ્વતંત્રતાને આદર આપીને પછી પઝેસિવનેસ દાખવતા હો તો એવા સંબંધો ઉષ્માથી ભરપૂર હોય અને પ્રેમથી લથબથ. પણ આમાં અસંતુલન સર્જાતાં તકલીફો ચોક્કસપણે થઈ શકે છે. તમે એક સંબંધમાંથી કડવાશથી છૂટા પડ્યા છો ત્યારે બીજા સંબંધ માટે બહુ ઉતાવળ ન કરો. હજી છએક મહિના સંબંધોના ઊંડાણને સમજવાની કોશિશ કરો. આગળ શું કરવું એ માટે દિલનો નહીં, અંતરાત્માના અવાજને અનુસરજો તો કંઈ વાંધો નહીં આવે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK