ગર્લફ્રેન્ડ ખુબ જ ખર્ચાળ છે, બચત કરવાની વૃત્તિને તે અવગણે છે, શું કરું?

Published: 26th December, 2012 06:12 IST

હું ૨૭ વર્ષનો છું. ત્રણ વરસથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બન્ને મધ્યમ વર્ગના છીએ અને બન્ને નોકરી કરીએ છીએ.


(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું ૨૭ વર્ષનો છું. ત્રણ વરસથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બન્ને મધ્યમ વર્ગના છીએ અને બન્ને નોકરી કરીએ છીએ. હું મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરીને સારું કમાઉં છું. પણ ઘરનો એકનો એક દીકરો હોવાથી મારા પેરન્ટ્સની જવાબદારી પણ મારી જ છે અને એટલે આજકાલના યુવાનો જેવા ખોટા ખર્ચા કરી શકું એમ નથી. મારી ગર્લફ્રેન્ડ ફૅશનેબલ છે અને તેનું સપનું રહ્યું છે કે લગ્ન પછી તે હાઇફાઇ રીતે રહે. પૈસાદાર વ્યક્તિથી તે બહુ સરળતાથી અંજાઈ જાય છે. બ્રૅન્ડેડ ચીજો જ વાપરવાનો તેનો અભરખો છે એટલે પોતાની આખી સૅલરી તે પર્સનલ ખર્ચમાં જ વાપરી કાઢે છે. મોંઘવારી વધી છે ત્યારથી ઇટિંગ આઉટ અને મૂવી વગેરેમાં બચત કરવાનું હું પસંદ કરું છું જ્યારે તેને લાગે છે કે હું તેને પ્રેમ નથી કરતો એટલે પૈસાની ગણતરી કરું છું. આ જ વાતને કારણે અમારી વચ્ચે ખૂબ દલીલો થાય છે. હું તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ તે આ બધું કોઈ રીતે સમજવા તૈયાર નથી. લગ્ન પછી તે પોતાના ખર્ચા જેટલું કમાઈ લેશે એવું કહે છે. તેની જાહોજલાલીની જે કલ્પના છે એનાથી હું ક્યારેક ડરી જાઉં છું. છેલ્લે તો અમારી વચ્ચે એટલી મોટી તકરાર થઈ કે વાત રિલેશનશિપ તોડવાની વાત પર આવી ગઈ છે. હું પણ તેને જિંદગીની બધી ખુશી આપવા ઇચ્છું છું, પણ અત્યારે જ તેને એ બધું જોઈતું હોય તો એ હું કેવી રીતે કરું?   

- ખાર

જવાબ : સંબંધોમાં જ્યારે એકમેક માટેના પ્રેમ અને સમજણ કરતાં બીજી કોઈ બાબત વધારે મહત્વની બની જાય ત્યારે ચેતી જવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનું સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ સુધારવા માટે સતત નવું-નવું શીખીને વધારે ને વધારે સ્કિલફુલ થતા રહેવું જોઈએ એમાં બેમત નથી, પરંતુ વધુ પૈસા ન હોય તો સંબંધો નહીં ટકે એવી શરત આવે એ યોગ્ય નથી. તમે મધ્યમ વર્ગનું એક કુટુંબ જીવી શકે એટલું કમાઓ જ છો. જો પેલી યુવતી તમારા સંબંધો કરતાં પોતાના મોજશોખ અને જાહોજલાલીના સપનાંને વધુ પ્રાધાન્ય આપતી હોય તો તમારે એ વિશે અત્યારથી જ સમજી લેવું જોઈએ.

જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં એકમેકને જેવા છે એવા જ સ્વીકારવાની તૈયારી હોવી એ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. પેલી યુવતી આજની તારીખે પોતાના મોજશોખને સૅક્રિફાઇસ નથી કરી શકતી તો લગ્ન પછી પણ તે નહીં જ કરી શકે એવું ધારી લેવામાં કંઈ ખોટું નથી. હવે તો તેણે ખુદ કહી દીધું છે કે તે આ સંબંધ આગળ વધારવા નથી ઇચ્છતી ત્યારે એને લાંબું પકડી રાખવાનો મતલબ નથી. જો પેલી યુવતીમાં આવનારી પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધવા માટેની થોડીક પણ તૈયારી લાગતી હોય તો જ તમે આગળ વધો. બાકી, જો તે પરાણે આ બધું કૉમ્પ્રોમાઇઝ કરતી હોય તો વાતને ખોટી ખેંચવાનો મતલબ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK