લગ્ન પછી ભણવાની શરત મૂકું છું તો બધા જ છોકરાએ ના પાડી દીધી.શું કરું?

Published: 26th November, 2012 06:27 IST

મારી ઉંમર ૨૩ વર્ષ છે. ગ્રૅજ્યુએશન પછી ઘરના સંજોગો જોતાં મારે આગળ ભણવું હોવા છતાં બ્રેક લેવો પડેલો.


(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. ગ્રૅજ્યુએશન પછી ઘરના સંજોગો જોતાં મારે આગળ ભણવું હોવા છતાં બ્રેક લેવો પડેલો. હવે મારાં લગ્ન માટેનાં માગાં આવી રહ્યાં છે. અમારી જ્ઞાતિમાં છોકરીઓ બહુ વધારે ભણતી નથી, પણ મેં એક જ શરત રાખેલી છે કે લગ્ન કર્યા પછી હું મારું આગળ ભણવાનું ચાલુ કરીશ. આને કારણે ચારથી પાંચ છોકરાઓના પરિવારે મને રિજેક્ટ કરી. મારા ઘરમાં તો ક્યારેય છોકરીના ભણતર માટે આવું વલણ નહોતું એટલે મને ખબર નહોતી કે અમારા સમાજમાં લોકો આટલી કુંઠિત વિચારધારાવાળા હશે. જોકે આટલાં બધાં માગાંની ના આવવાથી મારી મમ્મી મને કહે છે કે મારે એ આગ્રહ છોડી દેવો જોઈએ, નહીંતર જ્ઞાતિમાં કોઈ છોકરો નહીં મળે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે લગ્ન પછી ભણવાની શરત રાખવાનું એ કંઈ ખોટું છે? મારે બે વરસનો બીજો કોર્સ કરવો છે, પણ અત્યારે લગ્નની વાતને કારણે બધું ખોરવાઈ ગયું છે.

- દાદર


જવાબ :
લગ્ન પછી ભણવાનું ચાલુ રાખવાની શરત જરાય ખોટી નથી. તમારી ઉંમર પણ હજી તો ઘણી નાની છે ત્યારે તમે હજી વધુ અભ્યાસ કરીને કરીઅરને નવી દિશા જરૂર આપી શકો છો. જે છોકરાઓએ તમને આ કારણોસર ના પાડી એ તમારા જ માટે સારું છે. જે લોકો પત્ની માટે એટલું ખુલ્લું મન ન રાખી શકતા હોય તેઓ બીજી બાબતોમાં પણ કેટલા

ઓપન-માઇન્ડેડ હશે એ શંકાનો વિષય છે. તો અત્યારે તો તમારે છોકરાઓના નન્નાને blessing in disguise સમજીને આગળ વધી જવું જોઈએ.

તમે છેલ્લા કેટલાક વખતથી ભણવાનું છોડી દીધું છે, પણ જો શક્ય હોય તો અત્યારથી જ ચાલુ કરી દેવું જોઈએ. લગ્ન થયા પછી ભણીશું એવું વિચારીને લંબાવ્યે જવું ઠીક નહીં રહે. તમે લગ્ન નક્કી થાય કે ન થાય, ક્યારે લગ્ન થશે એની ચિંતા કર્યા વિના સૌથી પહેલાં તમારા મનપસંદ કોર્સમાં ઍડ્મિશન લઈને એના અભ્યાસમાં લાગી પડો. છોકરાની પસંદગી કરવાનું કામ મુખ્ય રાખવાને બદલે એ પાર્ટટાઇમ કરી નાખો. એમ કરવાથી બે ફાયદા થશે. એક તો લગ્ન પહેલાંના આ વચગાળાના સમયનો સદુપયોગ થશે અને લગ્ન પછી તમારે ઓછો સમય ભણવામાં વિતાવવો પડશે.

તમારે માત્ર ભણવા વિશે જ નહીં, ભણ્યા પછી આગળ શું કરવા માગો છો એ બાબતે પણ સ્પષ્ટ થવાની જરૂર છે. અત્યારે તમે છોકરા સામે લગ્ન પછી ભણવાની શરત મૂકો છો, પણ ભણ્યા પછી તમે જે કરવા માગો છો એનું શું? અને હા, એક વાત સમજવી જરૂરી છે કે જીવનસાથી સાથે શરતો મૂકીને તમે વધુમાં વધુ એકાદ-બે ચીજ કરાવી શકશો, પણ ખરેખર તમારે તમારી વિચારધારા સાથે મેળ ખાતો હોય એવી વ્યક્તિની શોધ કરવાની જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK