લગ્ન માટે જીવનસાથીની પસંદગીના માપદંડો કેવા હોવા જોઈએ?

Published: 25th December, 2012 06:55 IST

હું આજકાલ લગ્ન માટે છોકરીઓ જોઉં છું. જીવનસાથીની પસંદગી દરમ્યાન શું કાળજી રાખવી જેથી આખું જીવન સુખમય અને આનંદમય યાત્રા બની રહે?(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ :
હું આજકાલ લગ્ન માટે છોકરીઓ જોઉં છું. જીવનસાથીની પસંદગી દરમ્યાન શું કાળજી રાખવી જેથી આખું જીવન સુખમય અને આનંદમય યાત્રા બની રહે? પાત્રની પસંદગી કરતી વખતે સામેવાળા પાત્રમાં કેવા ગુણો જોવા જોઈએ? મને એટલું તો સમજાય છે કે સોશ્યલ સ્ટેટસ અને રૂપરંગ કરતાં બન્નેના વિચારો મૅચ થાય એ જરૂરી છે. ક્યારેક એવું લાગે છે કે વિચારો સરખા હોય એ સારું કે જુદા હોય એ સારું? બન્ને જણ એકબીજાની હામાં હા કર્યા કરતા હોય તો એમાં જીવનની મજા શું? લગ્ન માટે જે વ્યક્તિ પસંદ કરીએ તેના વિચારો આપણા વિચારો સાથે મળતા આવતા હોય એ વધુ સારું કે ન મળતા આવતા હોય એ સારું? હું જેટલું વિચારું છું એટલો વધુ ગૂંચવણમાં મુકાતો જાઉં છું. હું ઘણી છોકરીઓ જોઈ ચૂક્યો છું. રૂપરંગમાં પસંદગી કરવામાં વાંધો નથી આવતો, પરંતુ સ્વભાવ અને ગમા-અણગમાની બાબતમાં હું ખૂબ જ કન્ફ્યુઝ થાઉં છું.

- સાયન

જવાબ : કેટલાક લોકો લગ્ન વિશે કશું જ નથી વિચારતા, જ્યારે કેટલાક લોકો ખૂબ જ વિચારે છે. તમને થશે કે જે લોકો વિચારતા જ નથી તેમને કોઈ મૂંઝવણ નથી થતી, પણ હું જેટલું વિચારું છું એટલો વધુ ગૂંચવાઉં છું. ખરુંને? સાચી દિશામાં વિચારવાથી હંમેશાં સ્પષ્ટતા વધે, પરંતુ મૂંઝવણ વધે ત્યારે સમજવું કે કાં તો તમે ખોટી દિશામાં વિચારી રહ્યા છો અથવા તો પછી વધુપડતું વિચારી-વિચારીને ચોકસાઈ કરવાની ખાતરી કરી રહ્યા છો. જીવનસાથીના ગુણો અને ગમા-અણગમા માપીને પછી પસંદગી કરી શકાશે એવું તો તમે નથી માનતાને?

તમારો પ્રશ્ન છે કે જીવનસાથી તરીકે સમાન વિચારોવાળી વ્યક્તિ પસંદ કરવી કે વિભિન્ન વિચારોવાળી? આ માટે મને એક સવાલનો જવાબ આપો કે વ્યક્તિ લગ્ન શા માટે કરવા ઇચ્છે છે? તમે કહેશો કે સુખી થવા માટે જ તો વળી? એટલે જ આપણે જ્યારે લગ્ન માટે પાત્રની પસંદગી કરવાની આવે ત્યારે વિચારવા લાગીએ છીએ કે કેવી વ્યક્તિ હોય તો મને સુખી કરે? પરંતુ ખરેખર સુખી થવા માટે કોઈ ગૅરન્ટીવાળી ફૉમ્યુર્લા નથી હોતી; કેમ કે દરેકની સુખની વ્યાખ્યા જુદી હોય છે, સુખના વિષયો અલગ હોય છે અને સુખ શોધવાની જગ્યા પણ અલગ હોય છે. હંમેશાં સમાન વિચારવાળા લોકો જ સારી રીતે સાથે જીવી શકે છે એવું નથી હોતું. એવી જ રીતે ભિન્ન વિચારવાળા લોકો એકબીજાના વિચારભેદને સમજીને સ્વીકારી શકે એવું પણ નથી બનતું. તમારી પ્રકૃતિને શું ફાવશે એ તમારે જાતે જ નક્કી કરવું રહે, કેમ કે દરેક માટે એક જ માપદંડ સાચો ન હોઈ શકે.

છેલ્લે સૌથી અગત્યની ચીજ એ છે કે જો તમે પોતે સુખી દામ્પત્ય માટે જરૂરી વિશ્વાસ, પ્રેમ અને સમજણ દાખવવાની પહેલ કરશો તો સામેવાળું પાત્ર સમાન કે વિભિન્ન કોઈ પણ પ્રકારના વિચારોવાળું હશે; તમારાં લગ્નને સુખી થતાં કોઈ રોકી નહીં શકે. એનાથી ઊલટું પણ એટલું જ સાચું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK