બધી જવાબદારી ઉપાડવા છતાંય પતિ વાતવાતમાં ઉતારી પાડે છે, શું કરું?

Published: 24th December, 2012 06:34 IST

મારી ઉંમર ૩૪ વર્ષ છે. નવ વરસ પહેલાં લગ્ન થયેલાં. પાંચ વરસનું એક બાળક છે ને તે જ મારી દુનિયા છે.


(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. નવ વરસ પહેલાં લગ્ન થયેલાં. પાંચ વરસનું એક બાળક છે ને તે જ મારી દુનિયા છે. હમણાંથી હું પાર્ટટાઇમ નોકરી કરું છું અને આર્થિક રીતે તેમને ઘરમાં પણ સારી મદદ કરું છું. જ્યારથી મેં કમાવાનું શરૂ કર્યું છે ત્યારથી મારા હસબન્ડને નથી ગમતું. એને કારણે તેઓ મને વારંવાર સંભળાવ્યા કરે છે. તેમને એમ લાગે છે કે હું કમાઈને તેમને કશુંક દેખાડી દેવા માગું છું. છેલ્લાં ત્રણ વરસથી મેં નોકરી શરૂ કરી છે ત્યારથી ઘરકામમાં એકાદ ચીજનીય ગરબડ થાય તો મારા પતિ ઉતારી પાડે. મને ઊંચા અવાજે કોઈ કંઈ કહે એટલે આંખમાંથી દડદડ આંસુ પડવા લાગે. કંઈ બોલું નહીં, પણ સહેમી જાઉં. જોકે હવે તો તેમનું વર્તન માઝા મૂકે છે. ગમે ત્યારે કોણ સામે છે એ જોયા વિના તે બધાની સામે જ મને ઉતારી પાડે છે. શરૂઆતમાં તો હું ચૂપચાપ સાંભળી લેતી હતી, પણ હવે તો મોઢે જ ચોપડાવવાનું શરૂ કર્યું છે. સાચી વાત તેમને કહીએ છીએ તો મરચાં લાગે છે ને દોસ્તોની સામે મોટો ઝઘડો માંડે છે. નાની-નાની વાતે મોટે-મોટેથી ચિલ્લાય છે. જૉબ પરથી ઘરે આવું એટલે તેમની ટકટક શરૂ થઈ જાય છે. ફલાણું કામ કેમ બાકી રહી ગયું એમ કહીને તેઓ મારા પર ત્રાટકે છે. તેઓ ઇચ્છે છે કે હું નોકરી છોડી દઉં, પરંતુ તેમનો પગાર આજની મોંઘવારીમાં ઘરને પૂરો થઈ રહે એમ નથી એ વાત તેમને નથી સમજાતી. હવે તો ક્યારેક હાથ ઉપાડવા પર આવી જાય છે. બધું કર્યા છતાં સ્ત્રીઓએ અપમાન જ સહન કરવાનું?

- કાંદિવલી


જવાબ : આ સ્થિતિના સૉલ્યુશન માટે પુરુષોની માનસિકતા સમજવી જરૂરી છે. તમે જ્યારે ચૂપચાપ સાંભળી લેતાં હતાં ત્યારે પણ તેઓ તમને ઉતારી પાડતા હતા? ને હવે જ્યારે તમે સામી દલીલો કરો છો ત્યારે તેઓ વધારે ઉશ્કેરાઈને ચીસો પાડી-પાડીને તમને નીચા દેખાડવાની કોશિશ કરે છે. મતલબ કે તેમના ગુસ્સાને કારણે તમે દબાઈને સહેમી જાઓ છો ત્યારે તેમનો પુરુષ અહંકાર પોરસાય છે અને તમે પણ ઉશ્કેરાઈને જવાબ આપો છો ત્યારે તેમનો અહંકાર છંછેડાય છે અને વધુ ઉશ્કેરાટમાં લગભગ હિંસક થઈ જાય છે. આવા સંજોગોમાં સહન કરી લેવું કે બળવો કરવો એ બેમાંથી એકેય ચીજ અસરકારક નથી.

એક સુવાક્ય છે, ‘તમે જો આપો નહીં તો કોઈ તમારું આત્મસન્માન છીનવી શકે નહીં.’ તમારા પતિ તમને અપમાનિત કરે, ગાળો બોલે કે કંઈ પણ કરે એનાથી જરાય વિચલિત થયા વિના તમે તમારું કામ કર્યે રાખો. આંસુ પાડીને દયામણા બનવાની જરૂર નથી કે સામો જવાબ આપીને તેને ઉશ્કેરવાની જરૂર નથી. તેમના બબડાટને સાવ જ ઇગ્નૉર કરતાં શીખો. આ એક લાંબું શીતયુદ્ધ છે, પણ જો ધીરજ ગુમાવ્યા વિના સ્વસ્થતા જાળવશો તો ઍટલીસ્ટ વાત વણસશે નહીં. તમારો મુદ્દો સમજાવવો હોય તો જ્યારે લોઢી ગરમ હોય ત્યારે નહીં, પણ જ્યારે ઠંડા અને સારા મૂડમાં હોય ત્યારે વાતચીત કરવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK