હું હોસ્ટેલની મારી બહેનપણીઓથી એકલી પડી ગઈ છું, શું કરું?

Published: 23rd November, 2012 05:58 IST

હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. હું ગુજરાતથી અહીં આવી છું અને હૉસ્ટેલમાં રહું છું. અહીંની મોટા ભાગની છોકરીઓ સ્ટાઇલિશ અને દેખાડો કરનારી છે.



(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. હું ગુજરાતથી અહીં આવી છું અને હૉસ્ટેલમાં રહું છું. અહીંની મોટા ભાગની છોકરીઓ સ્ટાઇલિશ અને દેખાડો કરનારી છે. હું મારા કામ અને ભણવાથી મતલબ રાખું છું. મોટા ભાગે એવું બને છે કે તેમની ફૅશનની વાતોમાં મને રસ નથી પડતો. હું શોખીન છું, પણ બીજા જેવો દેખાડો કરવાનું નથી ગમતું. મને ખબર છે કે મારી કેટલીક ફ્રેન્ડ્સ તો પોતાની કઝિન્સનાં કપડાં પહેરીનેય રોજેરોજ નવાં અને ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે છે. હું હૉસ્ટેલમાં રહું છું એટલે વધુ ખર્ચો પણ કરી શકું એમ નથી એટલે ઘણી વાર સંભળાવે છે કે હું બોરિંગ છું. મને તેમની જેમ બીજાનાં માગેલાં કપડાં પહેરીને શો-ઑફ કરવાનું ગમતું નથી. પહેલું વરસ તો જેમતેમ નીકળી ગયું, પણ હવે તેમની વાતો માથે હથોડાની જેમ વાગે છે. હું તેમની વાતમાં રસ નથી લેતી તો તેઓ કહે છે કે યુ ડૉન્ટ હૅવ ઍની ઑપિનિયન. ને જો હું મારો મત આપું તો તેમને લાગે કે કેટલી દોઢડાહી વાતો કરે છે? બાપાના પૈસે તાગડધિન્ના થતા હોવાથી જાણે તેમનામાં રિસ્પૉન્સિબિલિટી જેવું કંઈ છે જ નહીં. ઊલટાનું તે લોકો તો મને ઍડવાઇઝ આપે છે કે મારે કઈ રીતે રહેવું જોઈએ. મારા પેરન્ટ્સ વેલ ટુ ડુ છે, પણ એનો મીનિંગ એ નથી કે હું તેમનો ફાયદો ઉઠાવું. મારી ફ્રેન્ડ્સનું તો કેવું છે કે દર વીક-એન્ડમાં પાર્ટી કરવાની, ભલે ભણવાનો સિલેબસ પૂરો થયો હોય કે ન થયો હોય. હું ના પાડું તો મને ચીડવે. આ બધાને કારણે હવે તો હું એકલી પડવા લાગી છું. મને નથી સમજાતું કે મારે તેમનો સાથ આપવો જોઈએ કે નહીં?

- દાદર

જવાબ : તમારા જેવી સમજુ અને વિચારશીલ યુવતીને દંભ, દેખાડો અને શો-ઑફની દુનિયામાં કેવી ગૂંગળામણ થતી હશે એ હું કલ્પી શકું છું, કેમ કે એક તરફ તમારી અંદર ઠાવકાઈ ભરી પડી છે ને બીજી તરફ છોકરીઓનો દેખાડો ખોટો છે એવું જાણવા છતાં મનના કોઈક ખૂણે નવાં કપડાં પહેરવાની, સ્ટાઇલિશ બનીને રહેવાની ઇચ્છા પણ થતી હશે. અલબત્ત, તમે એ કશ્મકશ છતાં તમારા અંતરાત્માના અવાજને પકડી રાખ્યો છે એ ખૂબ જ સારી વાત છે.

હમઉમ્ર મિત્રો તરફથી જ્યારે આપણને એકલા પાડી દેવામાં આવતા હોય અથવા તો તેમના અને આપણા વિચારો મળતા ન આવતા હોય ત્યારે આપણે અજાણતાં જ આપણાં મૂલ્યોને બાજુએ મૂકીને તેમની હામાં હા ભરવા લાગીએ છીએ, પણ તમે એમાં પણ ઘણા મક્કમ રહી શક્યા છો. આ પ્રકારની મૂંઝવણ જીવનમાં હરહંમેશ રહેવાની છે. સાચું કરનારા મોટા ભાગે એકલા પડી જાય છે, પણ એનાથી આપણે સાચું કરવાનું છોડી દેવું ન જ જોઈએ. મિત્રોને ક્યારેય આપણાં મૂલ્યોથી ઉપર ન ચડાવી દેવા જોઈએ. અત્યારે કદાચ તમને લાગશે કે એ લોકો તમને જલાવે છે, પણ તમારી આ સમજણ ભવિષ્યમાં તમને જરૂર આગળ લઈ જશે એટલું યાદ રાખશો તો આ કશ્મકશ ઝેલવાની ક્ષમતા આપોઆપ આવી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK