(સવાલ સેજલને - સેજલ પટેલ)
સવાલ : મારી ઉંમર ૫૧ વર્ષ છે. ધંધામાં જબરી ખોટને કારણે મારા માથે ખૂબ જ દેવું વધી ગયું છે. લેણદારોના ફોન ટાળવા ઘરની બહાર તાળું મારીને અંદર પુરાઈ રહું છું. એક દીકરી છે તે પરણીને સાસરે જતી રહી છે અને ઇન્ડિયામાં નથી. રોજ પૈસાની ઉઘરાણી કરનારાઓ મારી પત્નીનો જીવ ખાઈ જાય છે. સમાજમાં પહેલાં પ્રતિષ્ઠિત હતો, પણ હવે કોઈ ગણતું નથી. કદાચ ઘર વેચીને દેવું પૂરું પણ કરી દઉં તોય સમાજમાં જે નાલેશી થઈ છે એનું શું? ઘરની બહાર મોં કાઢી શકતો નથી. હવે આ ઉંમરે કઈ રીતે આટલા રૂપિયા લાવું એ સમજાતું નથી. ઘર વેચી નાખું તો હું ને મારી પત્ની રહીએ ક્યાં? ક્યાંયથી કોઈ મદદ મળે એવી શક્યતા નથી. છેવટે જિંદગી ટૂંકાવવાનો વિચાર કર્યો, પણ પત્ની નથી માનતી. કહે છે, ભગવાને દીધેલા ભવને જાતે ન ટૂંકાવાય. તેને જેટલું દુ:ખ દેવું છે એ સહન કરી લઈશું તો આવતા ભવમાં સુખ મળશે. એકલો મરી જાઉં તો સ્વાર્થી ગણાઈશ ને અત્યારે જીવન જીવવા જેવું રહ્યું નથી. આજ દિન સુધી ખોટું કામ કર્યું નથી એટલે ખોટું કરીને ઝટપટ પૈસા કમાવાની તૈયારી નથી. એવા વિચિત્ર સંજોગોમાં છું કે નથી મરી શકતો, નથી જીવી શકતો. શું કરું?
- ભાઇંદરજવાબ : તમે કહો છો આ ઉંમરે હવે શું કરું? પણ આ ઉંમર એટલે શું? પચાસની વય કંઈ હારી-થાકીને નાસીપાસ થઈને બેસી રહેવાની નથી. તમે ધારો તો ચોક્કસ આમાંથી રસ્તો કાઢી શકો છો. પણ ધારી શકવાની ક્ષમતા જ્યારે માણસ ગુમાવી દે છે ત્યારે જ સમસ્યા ઊભી થાય છે.
માણસ નિષ્ફળ જાય એ તેનું પતન નથી, પણ સફળ થવાના પ્રયત્નો કરવાની આશા પણ ગુમાવી બેસે ત્યારે જરૂર તેના પતનની શરૂઆત થાય છે. નિષ્ફળતાને જ નસીબ માની લઈને માથે હાથ દઈને બેસી જવાનું જરાય યોગ્ય નથી. ઇનફૅક્ટ તમારી પત્નીનો સ્પિરિટ ખૂબ જ મજબૂત છે. જીવનમાં ભગવાન એવી જ તકલીફો આપે છે જેને આપણે સહી શકીએ એમ હોઈએ.
તમે માની લીધું છે કે તમે દેવું પૂરું નહીં કરી શકો અને હવે આમ જ જિંદગી વિતાવવી પડશે. આ માન્યતા ખતરનાક છે. કોઈ ખોટાં કામ કર્યાં નથી તો શા માટે સમાજનાં મહેણાંથી શરમાવાનું? શરમ તો તે અનુભવે જેણે કંઈ ખોટું કે ખરાબ કર્યું હોય.
હવે વાત છે આ પરિસ્થિતિમાંથી ઉકેલ શોધવાની. અચાનક આઘાત લાગ્યો હોય ત્યારે થોડાક સમય માટે મતિ મરી જાય એ સ્વાભાવિક છે, પણ હવે ઝાઝો સમય નિષ્ક્રિય થઈને નકારાત્મક વિચારોમાં બેસી રહેવાને બદલે દેવું પૂરું કરવા તમારી સંપત્તિનું યોગ્ય મૂલ્યાંકન કરીને રસ્તાઓ વિચારો. એક વાર દેવું પૂરું થઈ ગયા પછી થોડીક રાહત અનુભવાતાં નવેસરથી જિંદગી શરૂ કરવાની આશા પણ ટકી રહેશે. એક વાત યાદ રાખજો કે સમાજ તમને મેણાંટોણાં મારશે, પણ તમારો અંતરાત્મા જરૂર ખુશ થશે. માણસે બીજાની નજરમાં સારા દેખાવાની ચિંતા કરવાને બદલે પોતાની નજરમાં હંમેશાં ઊંચા રહેવાય એવાં કામ કરવાં જોઈએ.
અને હા, તમારી પત્નીની વાત હંમેશાં માનજો.