સ્કૂલમાં જે છોકરીની છેડતી કરી હતી તેની સાથે જ લગ્નનું માંગુ આવ્યું છે, શું કરું?

Published: 21st December, 2012 06:40 IST

મારાં લગ્ન માટે છોકરીઓ જોવાનું ચાલી રહ્યું છે. હું વિચિત્ર દ્વિધામાં ફસાયો છું. જરાક વિગતે કહું. હું સાતમા ધોરણમાં હતો ત્યારે મને મારી જ સ્કૂલની એક છોકરી માટે ક્રશ હતો.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્ન માટે છોકરીઓ જોવાનું ચાલી રહ્યું છે. હું વિચિત્ર દ્વિધામાં ફસાયો છું. જરાક વિગતે કહું. હું સાતમા ધોરણમાં હતો ત્યારે મને મારી જ સ્કૂલની એક છોકરી માટે ક્રશ હતો. તેને જોઈને મને કંઈ-કંઈ થઈ જતું. મારી હિંમત તો એવી કે મેં તેને લવલેટર પણ લખી નાખેલો. લગભગ આખું વરસ મારી આ હાલત રહી. આઠમાંથી તે છોકરી સ્કૂલ બદલીને બીજે ચાલી ગઈ અને મળવાનું સાવ જ બંધ થઈ જતાં હું પણ તેને ભૂલી ગયો. હવે તે જ છોકરીનું મારા માટે માગું આવ્યું છે. હું તેને ફસ્ર્ટ મીટિંગમાં મળ્યો ત્યારે તેણે જ મને બાળપણમાં બનેલો કિસ્સો યાદ દેવડાવ્યો. તે અમારી જ જ્ઞાતિની છે અને હવે અરેન્જ્ડ મૅરેજ તેની જ સાથે થઈ શકે એમ છે. પણ તેને મળીને આવ્યા પછી મને પહેલી વાર તેના માટે જે કૂણી લાગણી થયેલી એવું કશું ન થયું. રાધર અમારા વિચારો, રીતભાત, ભવિષ્યનાં સપનાં એમાંથી કોઈ બાબતે હું તેના પ્રત્યે આકર્ષાયો નહીં. મને લાગ્યું કે તે સુંદર જરૂર છે, પણ તેની સાથે હું જિંદગી વિતાવવાનું પસંદ ન કરું. પેલી છોકરી તરફથી હા આવી ગઈ છે, પણ હું અસમંજસમાં હોવાથી કોઈ જવાબ નથી આપી રહ્યો. તેને એમ હશે કે હું તો તેને બચણપથી ચાહતો હતો તો હવે તેને ના પાડવાની કોઈ શક્યતા જ નહીં હોય. મને પણ આ વાતથી શરમ આવે છે. તેને સારું લાગે એ માટે મેં તેની સાથે બે-ત્રણ વાર ફોન પર વાતચીત કરી છે, પણ એમાંય મને યોગ્ય નથી લાગતું.

- ગોરેગામ

જવાબ : જે છોકરી માટે બાળપણમાં ક્રશ હતો તે તમને અત્યારે નથી ગમતી. તો એમાં દ્વિધા કેમ છે? તમે સ્પષ્ટ છો કે આ તબક્કે તમને તે છોકરીને જોઈને આકર્ષણ નથી થતું, તમારા વિચારો મળતા નથી, ભવિષ્યનાં સપનાંની વાતો પણ મળતી નથી. આટલા સ્પષ્ટ વિચાર છતાં હવે કદાચ તમને પેલી છોકરીને ના પાડવામાં સંકોચ નડી રહ્યો છે.

સૌથી પહેલાં તો તમારે એ સમજવું જરૂરી છે કે દરેક ક્રશ એ પ્રેમ જ હોય એ જરૂરી નથી. બાર-તેર વરસની ઉંમરે કોઈની સુંદરતા પર મોહિત થઈ જવું સ્વાભાવિક છે. જેમ-જેમ સમજણ વધતી જાય, એમ-એમ વ્યક્તિના પ્રેમ અને જીવનસાથી વિશેની કલ્પના આકાર લેતી જાય. એવા સંજોગોમાં જે વ્યક્તિ પ્રત્યે પહેલાં આકર્ષણ થયેલું, એવું ન પણ રહે. પેલી છોકરીએ હા પાડી દીધી છે ત્યારે તમારા તરફથી ના પાડવામાં ખચકાટ થવો સ્વાભાવિક છે, પણ જો તમે સ્પષ્ટતા વિના લાંબો સમય લેશો તો તેના મનમાં વધુ અપેક્ષાઓ જન્મે અને પછી દુ:ખ થાય એ સ્વાભાવિક છે. તમને જેના માટે ક્રશ હતો તેને માટે હવે પ્રેમ નથી અનુભવાતો એ બાબતે ખરાબ ફીલ કરવાની કોઈ જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK