ફિયાન્સેના પરિજનો ખર્ચાળ ડિમાન્ડ્સ કરે છે ને લગ્ન તોડવાની ધમકી આપે છે, શું કરું?

Published: 21st November, 2012 06:36 IST

મારાં લગ્નને હવે પંદર જ દિવસ બાકી છે. આર્થિક રીતે સુખી પરિવાર હોવાથી તેમના રિવાજો પણ મોટા છે.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારાં લગ્નને હવે પંદર જ દિવસ બાકી છે. આર્થિક રીતે સુખી પરિવાર હોવાથી તેમના રિવાજો પણ મોટા છે. છ મહિના પહેલાં જ્યારે સગાઈ થયેલી ત્યારે જ મેં મારા ફિયાન્સેને મારા પરિવારની સ્થિતિ વિશે કહેલું અને અમે લાંબો ખર્ચો કરી શકીએ એમ નથી એ પણ સ્પષ્ટતા કરેલી. એ વખતે તો બધી વાતમાં હા કહી, પણ હવે તેના ઘરના લોકો તરફથી એક પછી એક મોટા રિવાજોની ડિમાન્ડ થવા લાગી છે. તેઓ એટલા મીઠાબોલા છે કે દહેજરૂપે કંઈ નથી માગતા, પણ બધાં સગાંવહાલાંઓને સોનાની ચીજો ભેટમાં આપવાનો આગ્રહ રાખે છે. લગભગ ભેટ આપવાની ચીજોનો જ ખર્ચ છથી સાત લાખનો થઈ જતો હોવાથી મારા પપ્પાએ લોન લીધી ને વાત પતાવી. હવે તેઓ કહે છે કે લગ્ન પછી અમે જુદા ઘરમાં રહેવા જઈએ. તેના પપ્પા ઘર લઈ આપવાના છે, પણ એમાંની તમામ ઘરવખરી મારા પપ્પાએ અરેન્જ કરવાની એવો આગ્રહ રાખે છે. આ બધામાં મને સૌથી મોટી તકલીફ એ છે કે મારો ફિયાન્સે તેના પેરન્ટ્સ જે કહે એમાં હાએ હા ભણ્યે રાખે છે. મેં મારા ફિયાન્સેને સ્પષ્ટ કહી દીધું કે જો લગ્ન કરવાં હોય તો હું ઘર માટેની કોઈ ઘરવખરી નહીં લઈ આવું. આ બાબતે અમારે મોટો ઝઘડો થઈ ગયો ને ગુસ્સામાં મારાથી બોલાઈ ગયું કે બધું જ મારા બાપા પાસેથી જોઈતું હોય તો તેં શું હાથમાં બંગડી પહેરી રાખી છે? આ વાતને લઈને તેના પેરન્ટ્સ મારા ઘરે આવ્યા અને સંબંધ તોડી નાખવાની ધમકી આપી ગયા. કંકોત્રી લખાઈ ગઈ છે ને હવે જો લગ્ન બંધ રાખીએ તો સમાજમાં ખરાબ દેખાય એટલે બધા પરિવારજનોનું કહેવું છે કે ભીનું સંકેલી લો. હું ખૂબ કન્ફ્યુઝ્ડ છું. જે માણસમાં પોતાના પરિવાર સામે બોલવાનું પાણી નથી તે મારું શું ધ્યાન રાખવાનો?

- ભાઈંદર

જવાબ : તમે ગુસ્સામાં આવીને તમારા ફિયાન્સેને જે કહી દીધું એ ભલે સભ્ય શબ્દો નહોતા, પણ એમાં ભારોભાર સચ્ચાઈ તો છે જ. સીધા મોંએ દહેજ માગનાર આવા રિવાજોની આડમાં દહેજ પડાવનારાઓ કરતાં વધુ સારા કહેવાય. મને લાગે છે કે સમાજ શું કહેશે એની ચિંતા કરવાને બદલે તમારે તમારા ભવિષ્યની ચિંતા કરવાની છે. અત્યારે સમાજની નિંદાથી બચવા માટે માફી માગીને લગ્ન કરી લેવાં અને પછી જિંદગીભર લેભાગુ માનસિકતાવાળા લોકોના હાથમાં જિંદગી સોંપી દેવી એ હરગિજ યોગ્ય નથી. કંકોત્રી લખાઈ ગઈ છે તો શું થયું? જાગ્યા ત્યારથી સવાર.

હાથે કરીને જીવનને આગમાં હોમી દેવા કરતાં ચેતી જવું વધુ સારું. ખોટું કર્યા પછી તે લોકો સામેથી લગ્ન તોડવાની ધમકી આપે છે એ તો હદ છે. અન્યાય સહન કરવો એ પણ પાપ જ છે. પરિવારજનોને તમે જ હિંમત આપી શકશો. તમે હિંમત રાખીને વિરોધ કરશો તો પેરન્ટ્સ અને સંબંધીઓને પણ હિંમત મળશે. એટલું યાદ રાખજો કે આજનો પ્રસંગ સાચવી લેવા માટે થઈને તમે નમી જશો તો આખી જિંદગી નમીને કાઢવી પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK