છોકરાઓ પ્રેમ વિના છોકરીઓને કેમ ભોગવતા હશે?

Published: 20th November, 2012 06:14 IST

હું કૉલેજના છેલ્લા વર્ષમાં છું. કેટલાંક કારણોસર મારી અંગત વાત વિગતવાર તો જાહેર નહીં કરી શકું, પણ મારે જાણવું છે કે છોકરાઓને મન પ્રેમ કરતાં સેક્સનું મહત્વ વધારે કેમ હોય છે?(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ: હું કૉલેજના છેલ્લા વર્ષમાં છું. કેટલાંક કારણોસર મારી અંગત વાત વિગતવાર તો જાહેર નહીં કરી શકું, પણ મારે જાણવું છે કે છોકરાઓને મન પ્રેમ કરતાં સેક્સનું મહત્વ વધારે કેમ હોય છે? મને બે છોકરાઓ સાથે આ પ્રકારના અનુભવો થયા છે. બન્નેની સાથે હું ભોળવાઈ ગઈ અને બન્નેએ મારો લાભ ઉઠાવ્યો. જ્યારે મારા તરફથી લગ્નની જીદ થઈ ત્યારે તેમણે હાથ ઊંચા કરી દીધા. હું ખરેખર તેને ખૂબ દિલથી ચાહતી હતી એટલે ફ્રેન્ડશિપ તો ચાલુ રાખવા ઇચ્છતી હતી. તેને એમાં વાંધો નહોતો. પણ મેં ફ્રેન્ડશિપ ચાલુ રાખી એનો મતલબ પણ તેણે એવો જ કાઢ્યો કે મારે તેની સાથે સેક્સ સંબંધો ચાલુ રાખવા છે. આખરે અમે ખૂબ કડવાશથી છૂટાં પડી જ ગયાં. મને એક ચીજ સમજાતી નથી કે જો પુરુષો લગ્નસંબંધ ન ઇચ્છતા હોય તો સેક્સ સંબંધો કેવી રીતે ચાલુ રાખી શકે છે? શું આવું માત્ર મારી સાથે થયું કે ખરેખર છોકરાઓની ફિતરત જ આ હોય? ભણવાનું પૂરું કરીને મારે આ દુનિયાથી ઘણે જ દૂર જતા રહેવું છે જેથી જૂની યાદો ન સતાવે. હું મારા પાસ્ટને ભૂલી શકું એ માટે શું કરવું?

- ચિંચપોકલી

જવાબ : સ્ત્રીઓ પ્રેમમાં હોય ત્યારે ઘણીબધી ચીજો મનમાં જ ધારી લે છે. જનરલી સ્ત્રીઓ અને પુરુષના સેક્સ માટેના અભિગમ વિશે કહેવાય છે કે સ્ત્રીઓ સેક્સ આપે છે પ્રેમ મેળવવા માટે અને પુરુષો પ્રેમ આપે છે સેક્સ મેળવવા માટે. પુરુષો કમિટમેન્ટ વિના, ક્યારેક તો પ્રેમ અને ઇમોશનલ અટૅચમેન્ટ વિના પણ શારીરિક સંબંધો માણી શકે છે, જ્યારે મોટા ભાગે સ્ત્રીઓ એવું નથી કરી શકતી. આ એક સ્ત્રી અને પુરુષસહજ સ્વાભાવિક લાક્ષણિકતાઓ થઈ.

તમારી સાથે જે થયું એમાં આ લાક્ષણિકતાઓ તો આવી જ, પણ સાથે તમારી સભાનતા પણ ઓછી પડી. તમે એકપક્ષી પ્રેમમાં એટલાં ડૂબેલાં હતાં કે સામેના પાત્રની માનસિક અવસ્થાનો વાસ્તવિક અંદાજ લગાવવામાં પાછા પડ્યા. એક સંબંધમાં કદાચ આવું થાય એ સમજી શકાય, પણ તમે ફરીથી બીજા સંબંધમાં પણ આ જ પ્રકારની ભૂલ કરી. બેમાંથી કોઈએ તમને લગ્ન માટે પ્રપોઝ કર્યું નહોતું કે વચન પણ નહોતું આપ્યું, એ છતાં તમે શારીરિક સંબંધો સુધી પહોંચી ગયા એટલે જે કાંઈ પણ થયું એમાં તમે પોતે પણ ફિફ્ટી પર્સન્ટ ભાગીદાર છો જ. પુરુષો સ્ત્રીઓની લાગણીનો લાભ ઉઠાવે છે એ જેટલું સાચું છે એટલું જ સાચું છે કે સ્ત્રીઓ પોતે મૂરખ બનીને પુરુષોને એ લાભ ઉઠાવવા દે છે. તમે પહેલા સંબંધમાંથી શીખ્યા વિના ફરી બીજા સંબંધમાં પણ એ જ ભૂલ કરી. હવે પછીથી સંબંધોમાં સભાનતાપૂર્વક, સામેવાળી વ્યક્તિની લાગણીઓને ચકાસીને પછી આગળ વધો. જીવનમાં ભૂલ થાય, એમાં શરમાવાનું કે અકળાવાનું ન હોય, પણ એકની એક ભૂલ વારંવાર થાય તો એ લાલબત્તી સમાન છે. નવા સંબંધો વિશ્વાસના પાયા પર રચાશે તો લાંબા ગાળે સંતોષજનક રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK