હું સુંદર નથી, મારે પોતાની જાતને પ્રેઝન્ટેબલ બનાવવા શું કરવું જોઇએ?

Published: 29th December, 2011 06:37 IST

હું ૨૧ વર્ષની છું. સમજણી થઈ ત્યારથી મને લાગે છે કે હું બહુ સુંદર નથી. મારી સ્કૂલમાં દરેક વર્ષે બૅચના જે ફોટા પાડવામાં આવે એમાં હું બીજા બધા કરતાં ખૂબ જ ખરાબ દેખાતી હોઉં છું. હું મારા ચહેરાની એક-એક બાબત ઝીણવટપૂર્વક જોઉં છું,


(સવાલ સેજલને-સેજલ પટેલ)

સવાલ : હું ૨૧ વર્ષની છું. સમજણી થઈ ત્યારથી મને લાગે છે કે હું બહુ સુંદર નથી. મારી સ્કૂલમાં દરેક વર્ષે બૅચના જે ફોટા પાડવામાં આવે એમાં હું બીજા બધા કરતાં ખૂબ જ ખરાબ દેખાતી હોઉં છું. હું મારા ચહેરાની એક-એક બાબત ઝીણવટપૂર્વક જોઉં છું, પણ સમજાતું નથી કે ક્યાં ખરાબી છે. નાક બરાબર છે, આંખ પણ બહુ મોટી નહીં ને બહુ ઝીણી નહીં એવી છે, દાંત પણ વ્યવસ્થિત છે; પરંતુ ચહેરાનો ફોટો પાડીએ ત્યારે એ એકદમ અનાકર્ષક લાગે છે. ચહેરા પર જાણે નૂર જ ન હોય. કદાચ એટલે જ કૉલેજનાં ત્રણ વરસ દરમ્યાન મારે એકપણ બૉયફ્રેન્ડ નહોતો. સાચું કહું તો બૉયફ્રેન્ડ નથી એ તો અલગ વાત છે, પણ મને પોતાને હું ખૂબ જ ખરાબ લાગતી હોવાથી લો ફીલ થાય છે. બહાર જવાનું ગમતું નથી. મને બહુ મેક-અપ વગેરેનો શોખ પણ નથી. મૂળ હું પોતે જ સુંદર નથી ત્યાં લાલી-લિપસ્ટિકથી શું ફરક પડે?

મને ક્યાંય જવાનું મન નથી થતું. ફિગર અરીસામાં જોઈને મને પોતાને ખૂબ જ ખરાબ લાગે છે. ક્યારેક હું ખૂબ જ ખાઉં છું ને પછી જાડી થઈ ગઈ છું એ જાણીને થોડાક દિવસ સાવ જ ખાવાની ઇચ્છા નથી થતી. મને ખૂબ જ કંટાળો આવ્યા કરે છે. હું શું કરું કે જેથી આ દુનિયામાં મારી જાતને પ્રેઝન્ટેબલ બનાવી શકું?

- અંધેરી

જવાબ : તમે જે ઉંમરનાં છો એમાં છોકરીઓ પોતાના ચહેરા અને શારીરિક સૌંદર્ય બાબતે ખૂબ જ સભાન થઈ જાય એ સ્વાભાવિક છે. તમે પોતે કહો છો કે જ્યારે મૂળ ચહેરો જ સુંદર ન હોય તો ઉપરના થપેડા શું કામના?

જોકે હકીકત એનાથીયે ઊંડી હોય છે. સૌંદર્ય શરીરનું નહીં, મનનું માપવાનું હોય. તમે કેવા દેખાઓ છો એના કરતાં એક વ્યક્તિ તરીકે કેવા છો એ વધુ અગત્યનું છે.

પોતાના રૂપ-રંગથી અસંતુષ્ટ હોય એવી વ્યક્તિઓને હું હંમેશાં કહેતી હોઉં છું કે ભગવાને આપણને જે નથી આપ્યું એનો અસંતોષ રાખવો નહીં. એ વિશે જ્યારે પણ ફરિયાદ થાય ત્યારે બહાર નીકળીને અન્ય લોકોને જોવા.

જેમ તમારાથી વધુ રૂપાળા લોકો આ દુનિયામાં હોય છે એમ એવા અનેક લોકો છે જેમને પૂરાં અંગો પણ નથી. આંખ, હાથ, પગ સાવ જ ન હોય એવા લોકો પણ હોય છે. ભગવાને તમને તમામ અંગો પૂરાં આપ્યાં છે એ બાબતે તેનો ભારોભાર આભાર માનો એટલો ઓછો છે.

તમે દેખાવ બાબતે વધુપડતું વિચારી રહ્યાં છો. એ બાબતે પોતાની જાત માટે ખરાબ ફીલ થવાને કારણે તમારા વ્યક્તિત્વની ચમક પણ ઘટી રહી છે. આ એક વિષચક્ર છે. જેટલું વધુ તમે તમારા પોતાના માટે ફીલ કરશો એટલું તમે વધુ ને વધુ અનાકર્ષક લાગશો. થોડાક સમય માટે તમારા રૂમમાંથી અરીસો કાઢી નાખો. બીજાઓ સાથે તમારી જાતની સરખામણી કરવાનું બંધ કરો. ડેઇલી એક્સરસાઇઝ કરવાનું રાખો અને હેલ્ધી તેમ જ
પોષક ચીજો ખાવાની આદત અપનાવો. બે-પાંચ મહિનામાં જરૂર તમને પોતાને સારું ફીલ થશે.

એ તમામ છતાં જો ઠીક ન લાગે તો કોઈ સારા સાઇકોલૉજિકલ કાઉન્સેલરની મદદ લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK