(સવાલ સેજલને - સેજલ પટેલ) સવાલ : હું ૧૯ વર્ષની છું. જુનિયર કૉલેજના ફસ્ર્ટ યરમાં હતી ત્યારે મારો એક ફ્રેન્ડ હતો. અમે ખૂબ ક્લૉઝ હતા ને એકબીજા વિના નહીં જ ચાલે એવું લાગતું હતું. જોકે એકાદ વરસ પછી અમારી વચ્ચે પરચૂરણ બાબતે ઝઘડો થયો અને મને ખૂબ જ ગુસ્સો આવતાં મેં બ્રેક-અપ કરી દીધું. અમે છૂટાં પડી ગયાં. એ વખતે મને જરાય દુ:ખ પણ ન થયું. તે એ જ લાગનો છે એવું મને લાગતું. થોડા વખતમાં મારી બીજા એક છોકરા સાથે દોસ્તી થઈ. શરૂઆત સારી રહી, પણ છેલ્લા થોડાક સમયથી ફરી તેની સાથે પણ તકરારો થયા કરે છે. સેટરડે-સન્ડે ક્યાંક મૂવી જોવા જવાનું હોય તોય તે ટાળે છે. સાથે હોઈએ ત્યારે પણ તે ક્યાંક ખોવાયેલો રહે છે. મારો પહેલો ફ્રેન્ડ જેની સાથે મારું બ્રેક-અપ થઈ ગયેલું તે હજીય કૉમન ફ્રેન્ડ્સના ગ્રુપમાં તો છે જ. અમે સાથે એક જ કૉલેજમાં ભણતા હોવાથી રોજ કૉલેજમાં મળે છે અને ક્યારેક જતાં-આવતાં પણ સંગાથ થઈ જાય છે. તે ખૂબ નાની-નાની બાબતોમાં મારી કાળજી રાખે છે. રસ્તે ચાલતો કોઈ માણસ મને અથડાય તોય તે ગરમ થઈ જાય. ઘણી વાર મને એવું લાગે છે કે મારા અત્યારના બૉયફ્રેન્ડ કરતાં તો પહેલાંનો ફ્રેન્ડ મને વધુ ચાહે છે. હું એકલી અને ઉદાસ હોઉં ત્યારે તે મને ખૂબ સપોર્ટ કરે છે. શું મારે ફરી પહેલા ફ્રેન્ડ સાથે દોસ્તી વધારવી જોઈએ?
- કાલબાદેવી
જવાબ : ગુજરાતીમાં એક કહેવત છે ડુંગરા દૂરથી રળિયામણા. જ્યારે કોઈ ચીજ આપણી પાસે હોય, આપણી પોતાની હોય ત્યારે એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પણ જેવી એ ચીજ દૂર જાય આપણને એ વિના કારણે વહાલી લાગવા લાગે છે. તમને પણ જે વ્યક્તિ તમારી પાસે ન હોય એ વધુ સારી લાગે છે. જોકે આ માપદંડથી પહેલાં કરતાં બીજો ફ્રેન્ડ સારો છે કે બીજા કરતાં પહેલો સારો છે એવી તુલના ન થઈ શકે. બને કે કદાચ ફરી તમે પહેલા ફ્રેન્ડ સાથે સંબંધો વધારો અને વળી તમને બીજો ફ્રેન્ડ અથવા તો ત્રીજું જ કોઈક સારું લાગવા લાગે.
ટૂંકમાં, તમારા બન્ને ફ્રેન્ડમાંથી કોણ સારું છે એ નક્કી કરવા કરતાં તમારા મનોવલણ પર કામ કરો એ વધુ અગત્યનું છે. જ્યાં સુધી તમે તમારી પાસે જે છે એને સમજતાં, સ્વીકારતાં અને એમાં વધુ આનંદ લેતાં નહીં શીખો ત્યાં સુધી આ નહીં તો આવી બીજી અનેક પરિસ્થિતિઓમાં અસમંજસ ઊભી થવાની છે.
જ્યારે નવા-નવા સંબંધો હોય ત્યારે એ ખૂબ ગુલાબી લાગતા હોય છે, પરંતુ થોડીક નજદીકી આવતાં જ બન્ને પક્ષની નબળાઈઓ આમનેસામને આવે છે અને ગમા-અણગમા ટકરાય છે. આ જ સમય છે જેમાં ખરેખર સાચી દોસ્તીની કસોટી થાય છે. ખાસ કરીને સ્ત્રીઓને ગમતું હોય છે કે નબળી ક્ષણોમાં કોઈ તેમને સાચવી લે, પરંતુ દોસ્તને મૂંઝવણની પળોમાં સાથ આપવો એનાથી વધુ અગત્યનું હોય છે.