ચોરીછૂપીથી મૅરેજ રજિસ્ટર કરાવ્યા પછી બહેનપણી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે, શું કરવું?

Published: 19th November, 2012 07:27 IST

મારી બહેનપણી અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે તેને અર્જન્ટ હેલ્પની જરૂર છે. તેને છેલ્લાં ચાર વરસથી એક યુવક સાથે પ્રેમ છે અને બન્નેના ઘરમાં આ સંબંધનો વિરોધ હોવાથી તેમણે ભાગીને લગ્ન કરી લેવાનું વિચાર્યું હતું.(સવાલ સેજલને - સેજલ પટેલ)

સવાલ : મારી બહેનપણી અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે તેને અર્જન્ટ હેલ્પની જરૂર છે. તેને છેલ્લાં ચાર વરસથી એક યુવક સાથે પ્રેમ છે અને બન્નેના ઘરમાં આ સંબંધનો વિરોધ હોવાથી તેમણે ભાગીને લગ્ન કરી લેવાનું વિચાર્યું હતું. જોકે એક વાર ભાગી જતાં પકડાઈ ગયાં એટલે તેમણે નવો રસ્તો શોધ્યો. તેમણે ચોરીછૂપીથી મૅરેજ રજિસ્ટર કરાવી લીધાં છે અને હવે તો મારી બહેનપણી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે. તેમને હતું કે બાળકની વાત આવતાં બન્ને તરફથી પેરન્ટ્સ કૂણા પડશે, પણ એવું નથી થયું. બન્ને પરિવારો હજી પોતાની વાત પર જ અડી ગયા છે. મારી બહેનપણીની ઉંમર ૨૬ વર્ષ છે અને તેનો પતિ તેનાથી બે વરસ મોટો છે. પૈસેટકે બન્ને મધ્યમ છે. હવે છોકરાના પિતા કહે છે કે જો તમે લગ્ન કરશો તો તમને જ્ઞાતિ બહાર કરી દઈશ ને છોકરીની મા બધા સંબંધો પૂરા કરવાના મતની છે. એટલે સુધી કે મારી બહેનપણીને મારે પણ છે, જેથી તેની પ્રેગ્નન્સી પડી જાય. મને સમજાતું નથી કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? મારી બહેનપણીને પણ તમારા પર વિશ્વાસ છે કે તમે કોઈક સાચો જ રસ્તો સૂચવશો, તો પ્લીઝ આમાં શું કરવું એ કહેશો? તેમનાં લગ્ન ન કરાવી આપવા માટે પેરન્ટ્સનું કહેવું છે કે બે એક જ ગોત્રના પરિવાર હોવાથી તેમની વચ્ચે લગ્નસંબંધ ન બાંધી શકાય. શું આવો સંબંધ ખરેખર ન બંધાય? ધારો કે એમ કરીએ તો શું થાય?

- માટુંગા

જવાબ : માણસ પ્રેમમાં પડે ત્યારે તેને આજુબાજુનું કશું સમજાતું નથી. તમારી બહેનપણી અને તેના મિત્રે પહેલાં તો પોતાને જે ઠીક લાગ્યું એ કરી લીધું. તમને પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ સામે બન્નેના પરિવારોનો વિરોધ છે એટલે જ તેમણે પેરન્ટ્સ ના ન કહી શકે એવી સ્થિતિ ઊભી કરી. જોકે આ રીતે પ્રેશર ઊભું કરવાનું કેટલે અંશે યોગ્ય છે એ તો તમે જ કહી શકો.

એક ગોત્રમાં લગ્ન કરાય કે ન કરાય એ બાબતે તેમણે આવું આત્યંતિક પગલું લેતાં પહેલાં વિચારવું જોઈતું હતું. હવે ડહાપણ મેળવ્યે કંઈ ફાયદો નથી. લગ્ન રજિસ્ટર થઈ ગયાં ને હવે તે પ્રેગ્નન્ટ પણ છે. બધા જ નિર્ણયો તેમણે જાતે જ કરી લીધા છે તો હવે પેરન્ટ્સની અને જ્ઞાતિની પરવાનગીની શું કામ ચિંતા કરે છે? હજી પણ પેરન્ટ્સ નથી માનતા એ કદાચ તેમની જડ માનસિકતા હશે, પણ હકીકતમાં તેમણે પ્રેગ્નન્સીથી પ્રેશર ઊભું કરવાની કોશિશ કરી એ હરગિજ યોગ્ય નથી.

તમારે મનગમતી વ્યક્તિ સાથે જીવન પણ વિતાવવું છે ને જ્ઞાતિજનો તમારા પ્રેમને પણ સ્વીકારે એવું જોઈએ છે, જે હાલના સંજોગોમાં શક્ય નથી. એટલે જ હવે તમારે જાતે એકલા જીવન જીવવાની હામ કેળવવી પડશે. પતિ-પત્ની જ્યારે બન્ને એક જ ગોત્ર કે પરિવારના હોય ત્યારે તેમનાં સંતાનોમાં કેટલીક ખામી થવાની શક્યતાઓ વધી જાય છે, માટે સૌથી પહેલાં તમારે સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને બાળકની જન્મ પહેલાં જરૂરી એવી તપાસ કરાવી લેવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK